‘૨૬ નવેમ્બર: ભારતીય બંધારણ દિવસ’: સૌથી પહેલા હસ્તલિખિત બંધારણ લખનાર પ્રેમ બિહારી નારાયણ રાયજાદા
દેશનો દરેક નાગરિક બંધારણીય મૂલ્યોને અનુસરે તેવા ઉમદા આશયથી ઉજવાય છે ‘બંધારણ દિવસ’
દેશભરમાં વર્ષ ૨૦૧૫થી સામાજિક ન્યાય – અધિકારિતા મંત્રાલય દ્વારા ‘બંધારણ દિવસ’ ઉજવવાનો નિર્ણય
સમગ્ર દેશમાં દર વર્ષે ૨૬ નવેમ્બરને ‘ભારતીય બંધારણ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. બંધારણીય મૂલ્યોને વધુ પ્રોત્સાહન આપવા તેમજ બધારણની જોગવાઈઓથી નાગરિકો માહિતીગાર થાય તેવા ઉમદા હેતુ સાથે વર્ષ ૨૦૧૫માં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે બંધારણ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લીધો હતો. રાષ્ટ્રીય બંધારણ દિવસને રાષ્ટ્રીય કાયદા દિવસ અને ભારતીય બંધારણ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
દેશની બંધારણ સભાએ તા. ૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ વર્તમાન બંધારણનો સ્વીકાર કર્યો હતો. તેને સ્વીકાર્યાના બે મહિના પછી એટલે કે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ તેનો અમલ કરવામાં આવ્યો. જેના પરિણામે ૨૬ નવેમ્બરને ‘બંધારણ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
દેશનો દરેક નાગરિક બંધારણીય મૂલ્યોથી માહિતગાર થાય અને તેને અનુસરે તેવા ઉમદા આશયથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતના બંધારણની પ્રસ્તાવના શાળાઓ અને કોલેજોમાં ભણાવવામાં આવે છે. આ સાથે ભારતના બંધારણની વિશેષતા અને મહત્વ વિશે પણ ચર્ચા કરવામાં આવે છે.
- ભારતના બંધારણની ખાસ વિશેષતા:-
ભારતીય બંધારણને વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ માનવામાં આવે છે. આમાં ઘણા દેશોનું બંધારણ અપનાવવામાં આવ્યું છે. આ બંધારણના વિવિધ ભાગો યુકે, યુએસએ, જર્મની, આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને જાપાનના બંધારણમાંથી લેવામાં આવ્યા છે. ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારો, નાગરિકોની ફરજો, સરકારની ભૂમિકા, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીની સત્તાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
બંધારણની મૂળ નકલો ટાઈપ કે પ્રિન્ટ કરવામાં આવી ન હતી પરંતુ પ્રેમ બિહારી નારાયણ રાયજાદા દ્વારા હસ્તલિખિત હતું. બંધારણ સુલેખન દ્વારા ઇટાલિક અક્ષરોમાં લખાયેલું છે. બંધારણની મૂળ નકલ ૧૬ ઇંચ પહોળી અને ૨૨ ઇંચ લાંબી ચર્મપત્ર શીટ પર લખવામાં આવ્યું છે.
બંધારણમાં કુલ ૨૫૧ પેજ છે. બંધારણને તૈયાર કરવામાં ૦૨ વર્ષ, ૧૧ મહિના અને ૧૮ દિવસનો સમય લાગ્યો હતો. તે ૨૬ નવેમ્બર ૧૯૪૯ ના રોજ પૂર્ણ થયું હતું અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ અમલમાં આવ્યું હતું. બંધારણની મૂળ નકલ હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં લખવામાં આવી હતી. તા. ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ યોજાયેલી બંધારણ સભામાં બંધારણ પર ૨૮૪ સભ્યોએ હસ્તાક્ષર કર્યા હતા, જેમાં ૧૫ મહિલા સભ્યો હતી.
ભારતીય બંધારણની રચના સમયે ૩૯૫ કલમો, ૨૨ વિભાગ અને ૦૮ અનુસૂચિઓ હતી. જો કે, હાલમાં આપણા બંધારણમાં ૪૭૦ કલમો, ૨૫ વિભાગો અને ૧૨ અનુસૂચિઓ તેમજ ૦૫ પરિશિષ્ટ છે. બંધારણમાં અંદાજે ૧.૪૫ લાખ શબ્દો છે. તેને અંતિમ સ્વરૂપ આપતા પહેલા તેમાં ૨,૦૦૦ થી વધુ સુધારા કરવામાં આવ્યા હતા. ભારતીય બંધારણનું મૂળ માળખું ભારત સરકારના અધિનિયમ, ૧૯૩૫ પર આધારિત છે.
ડૉ. ભીમરાવ આંબેડકરને ભારતીય બંધારણના નિર્માતા કહેવામાં આવે છે. ભારતના પ્રથમ કાયદા મંત્રી ડૉ. આંબેડકર બંધારણ સમિતિના અધ્યક્ષ હતા. આ ઉપરાંત શ્રી એન. ગોપાલસ્વામી આયંગર, શ્રી અલ્લાદી કૃષ્ણા સ્વામી ઐયર, શ્રી સૈયદ મોહમ્મદ અબ્દુલા, ગુજરાતી શ્રી કનૈયાલાલ મુનશી, શ્રી એન. માધવ રાવ સભ્ય હતા. જ્યારે, વર્ષ ૧૯૪૮માં શ્રી ડી.પી. ખેતાનના મૃત્યુ પછી ટી.ટી. કૃષ્ણામાયારીની સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
બંધારણમાં સભાની મુખ્ય સમિતિઓ
સમિતિ | અધ્યક્ષ |
પ્રારૂપ સમિતિ (ડ્રાફ્ટિંગ કમિટી) | ડૉ. ભીમરાવ આંબેડકર |
કેન્દ્રીય બંધારણ સમિતિ | શ્રી જવાહરલાલ નેહરૂ |
કેન્દ્રીય સંઘ શક્તિ સમિતિ | |
સંઘ સરકાર સમિતિ | |
મૂળભૂત અધિકાર સમિતિ | શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ |
લઘુમતિ અધિકાર સમિતિ | |
પ્રાંતીય સંવિધાન સમિતિ | |
સંચાલન સમિતિ | ડૉ. રાજેન્દ્ર પ્રસાદ |
કામચલાઉ સમિતિ | |
ઝંડા સમિતિ | શ્રી જે. બી. કૃપલાણી |
કાર્યોની સંચાલન સમિતિ | શ્રી કનૈયાલાલ મુનશી |
બંધારણ નાગરિકોને સ્વતંત્ર જીવન જીવવાનો અધિકાર આપે છે
બંધારણ ભારત સરકારના લેખિત સિદ્ધાંતો અને ઉદાહરણોનો એક સમૂહ છે. જે મૂળભૂત રાજનૈતિક સિદ્ધાંતો, પ્રક્રિયાઓ, અધિકારો, પ્રતિબંધો તથા સરકાર અને દેશના નાગરિકોની ફરજને દર્શાવે છે. આ ભારતને એક સાર્વભૌમ, ધર્મનિરપેક્ષ, સમાજવાદી અને લોકશાહી ગણરાજ્ય જાહેર કરે છે અને પોતાના નાગરિકોની સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયની ખાતરી આપે છે.