હવે રસ્તા પર પાન-મસાલા ખાઈને થુંકનારને મોકલાશે ઇ-મેમો
૩૨૫૦ સીસીટીવી કેમેરા મારફતે શહેરીજનો પર નજર રખાશે
(એજન્સી)સુરત, સુરત શહેર સ્માર્ટ સીટી બનવા તરફ આગળ વધી રહ્યુ છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બ્યુટીફિકેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.
તો કેટલાક નાગરિકો જ્યાં ત્યાં થુંકીને શહેરને ગંદુ કરી રહ્યા છે. ત્યારે પાન મસાલા ખાઈને પિચકારી મારનારા લોકોને ઈ ચલણ સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં ૧૫૫ લોકોને ઈ ચલણ આપવામાં આવે છે તેમાં ૪૦ લોકોએ ઈ ચલણ ભર્યા છે અને અન્ય લોકો જાે ૫ દિવસમાં ઈ ચલણ નહીં પડે તો ૧૦૦ રૂપિયાની જગ્યા પર તેમની પાસેથી ૨૫૦ રૂપિયા દંડ વસૂલાશે અને જાહેર રસ્તા ઉપર થુંકવા બદલ કોર્ટ કાર્યવાહી પણ થઈ શકે છે.
સુરત શહેર સ્માર્ટ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર બ્યુટીફિકેશન કરવામાં આવ્યા છે અને આ બ્યુટીફિકેશન પાછળ સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. પરંતુ શહેરના નાગરિકો જ્યાં ત્યાં પાન મસાલા ખાઈને પિચકારી મારતા હોવાના કારણે આ બ્યુટીફિકેશન ખરાબ થઈ રહ્યા છે.
ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા દિવાળી બાદ એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં પાન મસાલા ખાઈને રસ્તા પર પિચકારી મારનારા લોકોને ઈ ચલણ મોકલવામાં આવી રહ્યા છે.
મહત્વની વાત છે કે સુરત મહાનગરપાલિકાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી સુરત મહાનગરપાલિકાના ૨૫૦૦ અને સુરત પોલીસના ૭૫૦ આમ કુલ મળી ૩૨૫૦ જેટલા સીસીટીવી કેમેરા થકી સુરત શહેરમાં જાહેર રસ્તા પર થુકનારા લોકો પર નજર રાખવામાં આવી રહી છે .