હવે ડેટિંગ એપ્લિકેશન મારફતે સાયબર ગઠિયાઓએ ઠગાઈ આચરવાનું શરુ કર્યું

AI Image
અમદાવાદ, આજની ડિજિટલ દુનિયામાં ગઠિયાઓ ઠગાઈની નવી નવી તરકીબો થકી લોકોને ઠગી રહ્યા છે ત્યારે તાજેતરમાં કેટલાક એવા કિસ્સા ધ્યાને આવ્યા છે કે જેમાં ડેટિંગ એપ્લિકેશન મારફતે લોકો ઠગાઈનો શિકાર બન્યા છે. જોકે, આબરૂ જવાની બીકના લીધે આવા યુગલોએ પોલીસ ફરિયાદ નોંધાવી નથી.
સોશિયલ મીડિયાના જમાનામાં કેટલીક ચોક્કસ એપ્લિકેશન મારફતે પ્રેમ શોધવાની ઘેલછાનો ટ્રેન્ડ ખૂબ જોરશોરથી યુવાઓમાં જોવા મળી રહ્યો છે. આવા ડિજિટલ પ્રેમની સાયબર માયાજાળમાં ફસાઈને યુગલો આર્થિક ઠગાઈનો શિકાર બન્યા હોવાના કિસ્સા સાંભળવા મળી રહ્યા છે. ઓનલાઈન પ્રેમની શોધમાં ફરતા યુવાનોને સાયબર ગઠિયાઓ દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
એવા યુવાનો જેઓ સોશિયલ મીડિયા અને ચોક્કસ એપ્લિકેશનમાં પ્રોફાઈલ બનાવીને પ્રેમમાં પડતા હોય છે. ત્યારબાદ પ્રોફાઈલમાં બતાવેલી યુવતી મોંઘીદાટ હોટલોમાં યુવકને લંચ અને ડીનર પર લઇ જવાનું કહેતી હોય છે. જ્યાં યુવતી યુવક પાસે બિલ પેમેન્ટ કરાવતી હોય છે. બાદમાં બીજા દિવસથી યુવતી યુવકને બ્લેકલિસ્ટમાં નાખી દેતી હોય છે. બીજા કિસ્સામાં ફેક પ્રોફાઈલ રહેતી હોય છે.
જેમાં સુંદર યુવતીના ફોટા પ્રોફાઈલમાં રહેતા હોય છે. વાતચીત શરુ કરવામાં આવે છે. બાદમાં હોસ્પિટલમાં છું, થોડા રૂપિયાની જરૂરિયાત છે તેમ કહીને યુવકો પાસેથી રૂપિયા પડાવી લેવામાં આવે છે. રૂપિયાની જરૂરિયાત પૂરી થઇ ગયા બાદ યુવકની પ્રોફાઈલને બ્લોક કરી દેવામાં આવે છે.
ઘણા કિસ્સામાં પ્રોફાઈલ મેચધારક યુવતી સાથે પ્રેમભરી વાતચીત કરવામાં આવે છે અને પ્રેમનો એકરાર થયા બાદ યુવતી પોતાના ન્યૂડ ફોટા મોકલીને બાદમાં યુવક પાસેથી ખંડણી પડાવતી રહે છે.
આવા કિસ્સામાં ભોગ બનનાર યુવકની હાલત એટલી ગંભીર થઇ જતી હોય છે કે કેટલાક કિસ્સામાં ભોગ બનનાર આપઘાત કરવા સુધીના પગલાં ભરી લેતા હોય છે. સમાજમાં અને માતાપિતા સમક્ષ બદનામી થશે તેની બીકે આવા કિસ્સા અંગેની ફરિયાદ કરવાનું ટાળવામાં આવે છે.SS1MS