હવે ગુજરાતીઓને USAના વિઝા લેવા મુંબઈ કે દિલ્હીના ધક્કા ખાવા નહિં પડે
અમદાવાદ-બેંગ્લોરમાં અમેરિકાનું દૂતાવાસ ખુલશે-વ્હાઈટ હાઉસમાં મોદીનું ભવ્ય સ્વાગતઃ બાઈડેન અને નરેન્દ્ર મોદીએ આપેલું મહત્ત્વપૂર્ણ નિવેદન
ભારતમાં પણ હૈદરાબાદ, ચેન્નઇ, મુંબઇ (@USAndMumbai) અને કોલકત્તામાં અમેરિકાના વાણિજ્ય દુતાવાસ આવેલા છે. હવે આગામી દિવસોમાં અમદાવાદ અને બેંગલુરુમાં પણ યુએસ દુત્તાવાસ (US Consulate) ખોલે તેવા અણસાર વર્તાઈ રહ્યા છે.
વોશિંગ્ટન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે ત્યારે આજે સવારે સત્તાવાર રીતે અમેરિકાના પ્રમુખ જાે બાઇડેનના આમંત્રણથી વ્હાઈટ હાઉસના મહેમાન બન્યા હતા. આ પ્રસંગે મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
જાે બાઈડેને (@Potus) જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા બંને ખૂબ જ મહત્ત્વપૂર્ણ દેશ છે અને બંને વચ્ચેની મિત્રતાથી વધુ સારા પરિણામો આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજે હું વ્હાઈટ હાઉસનો મહેમાન બન્યો છું તે ગર્વની વાત છે અને અહિંયા મારું કરવામાં આવેલું સન્માન તે ૧૪૦ કરોડ ભારતવાસીઓનું અને અમેરિકામાં વસતાં બિનનિવાસી ભારતીયોનું છે.
તેમણે જણાવ્યું હતું કે, આજે અમેરિકા સમય મુજબ બપોરે જાે બાઈડેન સાથે મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત થવાની છે અને તે સકારાત્મક રહેશે. તેમણે જણાવ્યું હતું કે, ભારતનો તિરંગો અમેરિકાનો રાષ્ટ્રીય ધ્વજ નવી ઊંચાઈઓ હાંસલ કરે તેઓ મને આશાવાદ છે.
ભારત અને અમેરિકા એ બે મહાન શક્તિઓ છે. અને બંને દેશો સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. આજે મોદી અને બાઈડેન વચ્ચે રક્ષા, શિક્ષણ સહિતનાં મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર કરાર થાય તેવી સંપૂર્ણ શક્યતા છે. પ્રાપ્ત માહિતી મુજબ એક ન્યૂઝ એજન્સીનાં જણાવ્યા પ્રમાણે ભારત શહેરના મહત્ત્વનાં બે શહેર બેંગ્લોર અને અમદાવાદમાં અમેરિકા તેમનો દૂતાવાસ શરૂ કરી શકે છે. જેનાં પરિણામે સ્થાનિક લોકોને મોટી રાહત થવા ઉપરાંત વ્યાપક ક્ષેત્રમાં તેનો પ્રભાવ પડશે.
જગતજમાદાર તરીકે વિશ્વમાં જાણીતા અમેરિકા પણ હવે ભારતની મહત્વતા સમજી ગયું છે. અમેરિકા જતા ભારતીય નેતાનું હવે ખુબ જ ઉત્સુક્તા સાથે ભાવભર્યું સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે. હાલ વડાપ્રધા નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે ત્યારે અમેરિકા તરફથી લાખો ગુજરાતીઓ માટે એક ખુશ ખબર સામે આવી છે.
અમેરિકા જવા ઇચ્છતા ભારતીયોમાં ગુજરાતીઓનું પ્રમાણ વધારે હોય છે ત્યારે હવે અમદાવાદમાં જ અમેરિકા પોતાનું એક દુતાવાસ ખોલવામાં આવી શકે છે, આ ઉપરાંત બેંગ્લોરમાં પણ દૂતાવાસ ખુલશે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. આ દુતાવાસ ખુલવાથી ગુજરાતી લોકોને અમેરિકાના વિઝા માટેના કામ માટે મુંબઇના ધક્કા નહીં ખાવા પડે.
અમેરિકામાં દર વર્ષે દુનિયાભરમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે પહોંચે છે. જેમાંથી ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધુ છે. મોટી સંખ્યામાં અરજીઓ આવતાં અમેરિકા જેતે દેશમાં વાણિજ્ય દુત્તાવાસ ખોલે છે. ભારતમાં પણ હૈદરાબાદ, ચેન્નઇ, મુંબઇ અને કોલકત્તામાં અમેરિકાના વાણિજ્ય દુતાવાસ આવેલા છે. હવે આગામી દિવસોમાં અમદાવાદ અને બેંગલુરુમાં પણ યુએસ દુત્તાવાસ ખોલે તેવા અણસાર વર્તાઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે જ્યારે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ હતા ત્યારે ગુજરાત સરકારે ત્રણ વખત અમદાવાદમાં અમેરિકન વાણિજ્ય દુત્તાવાસ ખોલવા માટે અરજી કરી હતી.
પરંતુ હવે આ મુદ્દે અમેરિકાની સરકારે ર્નિણય લેવા મુદ્દે ચર્ચા કરી લીધી છે. એક અમેરિકન અધિકારીના જણાવ્યા પ્રમાણે અમેરિકામાં અભ્યાસ કરતાં વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ટૂંક સમયમાં જ સૌથી વધુ થઇ જશે. તો અમેરિકામાં ભારતના હાલ ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો, શિકાગો, હ્યુસ્ટન અને એટલાન્ટામાં પાંચ દુત્તાવાસ કાર્યરત છે.
વ્હાઈટ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરાયા બાદ જાે બાઈડેન તેમને વ્હાઈટ હાઉસમાં લઈ ગયા હતા અને સ્વાગત બાદ તુરંત જ વ્હાઈટ હાઉસમાં આવેલાં ઓવલ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા શરૂ થઈ હતી. આ લખાય છે ત્યારે બંને નેતાઓ વચ્ચે ચર્ચા ચાલુ છે.
બંને નેતાઓ વચ્ચે ઔદ્યોગિક, સંરક્ષણ, શિક્ષણ સહિતનાં મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં કરારો થવાની શક્યતા છે. બંને નેતાઓ વચ્ચે મીટીંગ પૂરી થયા બાદ સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવશે. વિશ્વભરનાં નેતાઓની નજર આ સંયુક્ત નિવેદન ઉપર મંડાયેલી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકાના પ્રવાસ દરમિયાન વ્હાઈટ હાઉસમાં આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ આજે અમેરિકી કોંગ્રેસ સંસદને સંબોધવાના છે. તેઓ બીજી વખત આ સંસદને સંબોધશે.