હવે જાહેરમાં થુંકતા દેખાયા તો ઘરે આવી જશે નોટિસ
વડોદરા પાલિકાએ ગંદકી ફેલાવતા લોકો વિરુદ્ધ કાર્યવાહીની શરૂઆત કરી છેઃ અત્યાર સુધી ૧૭ લોકોને દંડની નોટિસ
વડોદરા, વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે અનેક કાર્યો કરવામાં આવે છે. પરંતુ પાન-મસાલા ખાઈને રસ્તા પર થુંકતા લોકો ગંદકી ફેલાવી રહ્યાં છે. પરંતુ હવે મહાનગર પાલિકાએ આવા લોકોને દંડ ફટકારવાનું શરૂ કર્યું છે.
હવે વડોદરાના જાહેર માર્ગો પર થુંકતા પહેલાં લોકોએ સો વાર વિચાર કરવો પડશે. વડોદરા પાલિકાએ આ માટે દંડ ફટકારવાની કામગીરી શરૂ કરી છે.
વડોદરા મહાનગર પાલિકા દ્વારા જાહેર રસ્તાઓ પર થુંકતા લોકો વિરુદ્ધ કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી છે. આ માટે પાલિકાની ટીમ સીસીટીવીની મદદ લઈ રહી છે. જે વ્યક્તિ થુંકતા સીસીટીવીમાં કેદ થશે તેના ઘરે દંડની નોટિસ મોકલવામાં આવશે. પાલિકા દ્વારા જુદા-જુદા ૧૭ લોકોને નોટિસ ફટકારવામાં આવી છે.
વડોદરામાં જાહેર માર્ગો પર થુંકતા અને કચરો નાખતા લોકો પર નજર રાખવા માટે સિટી સિવિક સેન્ટરમાં ૨૪ કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પાલિકા દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી જાહેરમાં ગંદકી ફેલાવનાર લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. આવા લોકોને ઘરે દંડ ભરવા માટે નોટિસ મોકલવામાં આવી રહી છે. પાલિકા દ્વારા કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે, જ્યાં કર્મચારીઓ ૨૪ કલાક નજર રાખી રહ્યાં છે.
વડોદરા શહેરને સ્વચ્છ રાખવા માટે પાલિકા દ્વારા ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શહેરમાં ગંદકી ફેલાવનાર સામે દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. શહેરના ટ્રાફિક પોઈન્ટ પર આવેલા સીસીટીવી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યાં છે.
જે વાહન ચાલકો રસ્તા પર થુંકશે તેના ફૂટેજના આધારે તેને ઘરે નોટિસ ફટકારવામાં આવશે. વડોદરા મનપાએ વાહન ચાલકોના માલિક સુધી પહોંચીને દંડ વસૂલવાનું પણ શરૂ કર્યું છે.