હવે ૧૦ વર્ષથી મોટા સગીરો પોતાનાં બેન્ક ખાતાં સ્વતંત્ર રીતે ઓપરેટ કરી શકશે

મુંબઇ, રિઝર્વ બેન્કે સોમવારે બેંકોને ૧૦ વર્ષથી વધુ ઉંમરના સગીરોને સ્વતંત્રરીતે બચત/મુદત થાપણ ખાતા ખોલવા અને તેને ઓપરેટ કરવાની મંજૂરી આપી છે. આ મામલે રિઝર્વ બેન્કે સૂચનાઓ જારી કર્યા છે.
આ મહત્વપૂર્ણ પગલાને કારણે બેન્કોમાં વધુ ખાતા ખુલશે અને બચતોને પ્રોત્સાહન મળી શકે છે. કોમર્શિયલ બેંકો અને સહકારી બેંકોને સંબોધિત કરતાં એક પરિપત્રમાં જણાવ્યું હતું કે, કોઈપણ ઉંમરના સગીરોને તેમના કુદરતી અથવા કાનૂની વાલી દ્વારા બચત અને મુદત થાપણ ખાતા ખોલવા અને ચલાવવાની મંજૂરી આપી શકાય છે.
તેમને તેમની માતાને વાલી તરીકે રાખીને આવા ખાતા ખોલવાની મંજૂરી પણ મળી શકે છે.પરિપત્રમાં જણાવાયું છે કે ‘ઓછામાં ઓછી ૧૦ વર્ષથી વધુ ઉંમરના અને બેંકો દ્વારા તેમની જોખમ વ્યવસ્થાપન નીતિને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવેલી રકમ અને શરતો સુધીના સગીરોને જો તેઓ ઇચ્છે તો સ્વતંત્ર રીતે બચત/મુદત થાપણ ખાતા ખોલવા અને ચલાવવાની મંજૂરી આપી શકાય છે.
આવી શરતો અંગે ખાતાધારકને જાણ કરવાની રહેશે.’વધુમાં પુખ્તવય મેળવ્યા બાદ ખાતું ઓપરેટ કરવા માટે નવેસરથી સૂચના મેળવવી પડશે અને ખાતાધારકની સહીનો નમૂનો મેળવીને રેકોર્ડમાં રાખવો પડશે તેમ જણાવતાં પરિપત્રમાં ઉમેરાયું હતું કે ‘બેન્કો તેમની રિસ્ક મેનેજમેન્ટ પોલિસી, પ્રોડક્ટ અને ગ્રાહકની યોગ્યતાના આધારે સગીર ખાતાધારકોને ઇન્ટરનેટ બેન્કિંગ, એટીએમ/ડેબિટ કાડ્ર્સ, ચેકબુકની ફેસિલિટી વિગેરે જેવી વધારાની બેન્કિંગ સવલતો ઓફર કરી શકે છે.’
બેંકોએ સુનિશ્ચિત કરવાનું રહેશે કે સગીરોના ખાતા, ભલે તે સ્વતંત્ર રીતે ચલાવવામાં આવતા હોય કે વાલી દ્વારા તેમને ઓવરડ્રો કરવાની મંજૂરી આપવાની નહિ રહે અને તેમના ખાતામાં કાયમ પૈસા જમા હોવા જોઇએ તેમ રિઝર્વ બેન્કે ઉમેર્યું છે.
ઉપરાંત, બેંકો સગીરોના ડિપોઝિટ ખાતા ખોલવા માટે ગ્રાહક ડ્યુ ડિલિજન્સ કરશે અને આગળ જતાં પણ ડ્યુ ડિલિજન્સની કામગીરી ચાલુ રહેશે. રિઝર્વ બેન્કે એ પ્રમાણે બેન્કોને નવા કે સુધારેલી નીતિઓ બનાવવાની સૂચના આપી છે. આ નીતિઓ સુધારેલી માર્ગરેખાઓ સાથે સંકલિત હોવી જોઇએ. જે પહેલી જુલાઇ, ૨૦૨૫ સુધી બનાવી દેવાની રહેશે.SS1MS