હવે દંપતીઓમાં ‘આપણે બે આપણું એક સંતાન’ની વિચારધારા વિકસી રહી છે
….ત્યારે દીકરો અને દીકરી વચ્ચેના ફર્કનો છેદ ઉડવો જ રહ્યો
સ્ત્રીનું સ્થાન ક્યાં છે એ જાણવા સમાજમાં કેટલાક સાવ સામાન્ય બોલાતા ડાયલોગ ધ્યાનપૂર્વક સાંભળીએ તો તેના પરથી સ્ત્રીના સ્થાન અને એના પ્રત્યે કેટલું માન છે એ ખ્યાલ આવી જશે.
“તમારા ઘરે તમને ગમે એમ કરજો.. દીકરીની જાતને આનાથી વધુ છૂટ ન હોય..” “બહુ ભણેલી અને કમાતી છોકરી કહ્યામાં ન રહે…”
“એ તો એના ઘરે રોકવા ગઈ છે..” “અમે તો વહુને બધી છૂટ આપી છે.. અમારે તો એ જીન્સ ને સ્લીવલેસ બધું પ્હેરે..” “આપણે ક્યાં કંઈ કમી છે, સુખી ઘરની વહુ નોકરી કરે તો ઘરની આબરૂ જાય હો..”
“મેં તો એને બધી છૂટ આપી છે.. આખો દિવસ નોકરી કરી થાકી હોય, કયારેક જમવાનું બનાવતા એને મોડું થાય તો બીજા પુરુષોની જેમ હું ક્યારેય રાડો ન પાડું.. અને ક્યારેક તો પાર્સલ લઈ આવીએ..”
“અમારા ઘરમાં ક્યાં જરૂર છે ?! પણ આ ભણેલી છોકરી આવે એટલે નોકરીના બહાને ઘર સંભાળવામાંથી છટકી જાય. છતેવહુએ આ ઘરકામ મારે કરવું પડે છે.”
“એ બધું તમારા બાપના ઘરે ચાલે. અમારે ઘેર રહેવું હોય તો આમ જ રહેવું પડશે.”
“નોમિનીમાં અમારું નામ કાઢી દિકરાએ વહુનું નામ નાખી દીધું તો’ય માળી હાળી બૌભણેલીને નોકરી કરવી છે.” આ આપણા સમાજનો અરીસો બતાવે છે. મ્યાનથી એના મૂળમાં જઈએ તો સમજાશે કે, સમાજનો, ઉપરી, માધ્યમ કે નીચલો વર્ગ દરેકમાં અંશતઃ એક સરખી માનસિકતા જોવા મળશે, ફકત રીત બદલાય છે ! એક તરફ બેટી બચાઓ અભિયાન અંતર્ગત “દીકરી તો વહાલનો દરિયો” જેવા જાત જાતના સ્લોગન ગાઈ દીકરી જ સર્વસ્વ એવો હાઈપ ઉભો કરવામાં આવી રહ્યો છે.
તો બીજીતરફ હજુ પણ બહુ મોટા વર્ગ છે જે સંતાનમાં “દીકરો તો હોવો જ જોઈએ” ની માનસિકતામાંથી બહાર નથી આવ્યો. આ બન્ને વલણ અતિશયોકિત ભર્યા લાગે છે. સમાજમાં ક્યાંક આવા વલણને લીધે દીકરો અને દીકરી સામસામે આવી ગયા હોય, કોનું પલ્લુ ભારે એવું બતાવી દેવાની, એક પ્રકારના વિગ્રહની માનસિકતા વિકસી રહી છે.
આપણે દીકરો કે દીકરી નહિ પણ સંતાનની રીતે સમાન પરવરીશ અને સમાન હક અપતા હજુ શીખ્યા જ નથી. એક તરફ સ્ત્રી શિક્ષિત અને પગભર થઈ, દરેક ક્ષેત્રમાં આગવું સ્થાન પ્રાપ્ત કરતી જોવા મળી રહી છે તો બીજી તરફ હજુ પણ સામાજિક રીતે એ જ ‘નિમ્ન સ્થાન’ છે . માતા-પિતા દીકરીને ખૂબ લાડથી ભણાવી ગણાવી મોટી કરે પણ મૂળમાં એ જ ભાવ, સારું ઘર શોધી વળાવવાની છે.
લગ્ન પછી વહુ થઈ જે ઘરમાં જાય ત્યાં પણ પારકાં ઘરની જ કહેવાય ! ઘરનું કામ, ઘરના સભ્યોની કાળજી રાખવી, સામાજિક વ્યવહારો સાચવવા, બાળકો ઉછેરવા એ દરેક જવાબદારી પહેલા સ્ત્રીની કહેવાય પણ ઘરમાં જયો કોઈ અગત્યના નિર્ણય લેવાના આવે મોટાભાગે સ્ત્રીને અવગણવામાં આવે. ભણેલી હોય, પગભર હોય તો પણ પોતે પોતાના કોઈ નિર્ણયો પૂછયા વગર ન લઈ શકે.
અરે, પોતાની જ કમાઈમાંથી ખર્ચ કરતા પહેલા પતિ પાસેથી સીધી રીતે કે આડકતરી રીતે છૂટ લેવી પડે. સ્ત્રીએ ક્યારે કેવા કપડાં પહેરવાથી લઈને કોની સાથે કેમ વ્યવહાર રાખવા જેવી દરેક વાત પર એના માટે નકકી કરાયેલા ધારાધોરણ મુજબ વર્તવાનું રહે છે. સ્ત્રી ચુપ છે, કારણ એ પોતાના પરિવારને ચાહે છે. સ્ત્રી બધા જ અપમાન અવહેલના બધી જ ગળી જાય છે કારણ એને પોતાના કુટુંબને એક તારે બાંધી રાખવું છે.
પણ આ સ્થિતિ કયાં સુધી ? ધીમે ધીમે વિભાજીત કુટુંબો વધતા જાય છે એના મૂળમાં આ સ્ત્રી પ્રત્યેના પારકા જેવો વ્યવહાર જ તો નથી ને ?! અહીં ખાસ એ પણ નોંધવું રહે કે, વિભકત થતા દરેક કુટુંબ પાછળ ઘરની વહુ જ જવાબદાર હોય એ જરૂરી નથી. આપણે આપણા પરિવારને બચાવવો હશે તો મૂળમાંથી આપણી વિચારસરણી બદલવાવી પડશે.
દીકરાને પણ દરેક કામ કરતા થવું પડશે અને સ્ત્રીને માનની દૃષ્ટિએ જોતા પણ શીખવું પડશે. સાથે દીકરીની પરવરીશ. જયાં દોરવો ત્યાં દોરવાય એવી દુબળીગાયની જેમ નહીં પણ જાત પર ભરપુર આત્મવિશ્વાસ રાખનાર સંતાન તરીકે થવી જોઈશે.
બદલાવનું બ્યુગલ વાગી ચુકયું છે. હવે દંપતીઓમાં ‘આપણે બે આપણું એક સંતાન’ ની વિચારધારા વિકસી રહી છે ત્યારે દીકરો અને દીકરી વચ્ચેના ફર્કનો છેદ ઉડવો જ રહ્યો. દીકરો હોય કે દીકરી બન્નેની બધી જ જવાબદારીઓ, ચાહે એ માતા-પિતા પ્રત્યેની હોય કે ઘરકામની, સમાન રીતે નિભાવવાનો સમય પાકી ચુકયો છે. હવે વરપક્ષનો મિજાજ નહી ચાલે.
હવે ભણેલા પગભર યુવક-યુવતી પોતાના લગ્નનાખર્ચા પણ સરખે ભાગે વહેંચી સાથે પ્લાન કરી જાતે ઉઠાવતાં થયા છે. આજની સ્ત્રીને પાંખો છે, તે ઉડી શકવા સક્ષમ છે, તે પોતાનો માળો બખૂબી સંભાળી જાણે છે અને સાથે આસમાનમાં ઉંચી ઉડાન પણ ભરી જાણે છે.