જમીન-મકાનની નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે

જમીન-મકાન ખરીદીના નિયમોમાં રાજ્ય સરકારે કર્યો મોટો ફેરફાર -હવેથી ખુલ્લા પ્લોટની તબદીલી સંબંધિત દસ્તાવેજોમાં મિલકતના અક્ષાંશ અને રેખાંશ દર્શાવવા ફરજિયાત રહેશે
ગાંધીનગર, ગુજરાત સરકારે મિલકતના દસ્તાવેજોની નોંધણી પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત, હવેથી ખુલ્લા પ્લોટની તબદીલી સંબંધિત દસ્તાવેજોમાં મિલકતના અક્ષાંશ અને રેખાંશ દર્શાવવા ફરજિયાત રહેશે. આ નિયમનો ભંગ કરનાર દસ્તાવેજોની નોંધણી પણ કરવામાં આવશે નહીં.
સરકારનો આ નિર્ણય સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં થતું નુકસાન અટકાવવા અને મિલકત સંબંધિત છેતરપિંડીના બનાવોને નિયંત્રિત કરવાના હેતુથી લેવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના ધ્યાનમાં આવ્યું હતું કે જ્યારે મિલકતના દસ્તાવેજો નોંધણી માટે રજૂ કરવામાં આવે છે, ત્યારે તેમાં મિલકતના ફોટોગ્રાફ્સ સામેલ કરવાના હોય છે. કેટલાક કિસ્સાઓમાં, સ્થળ પર બાંધકામ હોવા છતાં પણ દસ્તાવેજોમાં જાણીજોઈને ખુલ્લી જમીનના ફોટોગ્રાફ્સ મૂકી દેવામાં આવે છે. આવું કરવાથી મિલકતની સાચી કિંમત છુપાવવામાં આવે છે અને તેના પરિણામે રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં મોટું નુકસાન થાય છે. આ ઉપરાંત, આ પ્રકારની ગેરરીતિઓના કારણે છેતરપિંડીની ઘટનાઓ પણ વધવા પામી છે. તાજેતરમાં આવા બનાવોનું પ્રમાણ વધ્યું હોવાનું સરકારના ધ્યાને આવ્યું છે.
આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્ર અનુસાર, હવેથી જ્યારે પણ ખુલ્લા પ્લોટવાળી મિલકતની તબદીલી અંગેનો દસ્તાવેજ નોંધણી માટે રજૂ કરવામાં આવશે, ત્યારે દસ્તાવેજના ભાગ તરીકે સામેલ કરવામાં આવતા મિલકતના ફોટોગ્રાફમાં અથવા ફોટો ધરાવતા પાના પર મિલકતના અક્ષાંશ અને રેખાંશ ફરજિયાતપણે દર્શાવવાના રહેશે.
જો ફોટોમાં અથવા ફોટોવાળા પાના પર ખુલ્લા પ્લોટવાળી મિલકતના અક્ષાંશ અને રેખાંશ દર્શાવવામાં નહીં આવે, તો તેવા દસ્તાવેજને નોંધણી માટે સ્વીકારવામાં આવશે નહીં. અગાઉના નિયમો અનુસાર, સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી માટે રજૂ થતા દસ્તાવેજોમાં મિલકતના એક સાઈડેથી
અને સામેની બાજુથી લીધેલા ૫” ટ ૭” સાઈઝના કલર ફોટોગ્રાફને મિલકતના વર્ણનવાળા પૃષ્ઠ પછી તરત જ લગાવવાના રહેતા હતા. આ ફોટોગ્રાફની નીચે મિલકતનું પોસ્ટલ સરનામું લખીને દસ્તાવેજ લખનાર અને ખરીદનાર બંને પક્ષકારોએ પોતાની સહી કરીને તેને દસ્તાવેજના ભાગ તરીકે માન્ય રાખવાના હતા..
સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય આગામી તારીખ ૧ એપ્રિલ, ૨૦૨૫થી અમલમાં આવશે. સરકારનું માનવું છે કે આ નવા નિયમના અમલથી સ્ટેમ્પ ડ્યુટીની ચોરીને અટકાવી શકાશે અને મિલકતની નોંધણી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા આવશે.
આ ઉપરાંત, મિલકત સંબંધિત છેતરપિંડીના બનાવોને પણ નિયંત્રિત કરવામાં મદદ મળશે. આ નિર્ણય રાજ્ય સરકારની આવક વધારવામાં અને સામાન્ય નાગરિકોને છેતરપિંડીથી બચાવવામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.