NRIના રૂ.૨૨ લાખ રોકડ તથા બેંક ખાતુ સફાચટ કરી પરપ્રાંતિય નોકર ફરાર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/07/advt-western-times-news.jpg)
અમદાવાદ: નોકરો પર વિશ્વાસ મૂકીને તેમની સમક્ષ પોતાની કિંમતી માહિતી ખુલ્લી કરતાં મકાન માલિક માટે આંખ ખોલનારો કિસ્સો નારણપુરા વિસ્તારમાંથી સામે આવ્યો છે. એનઆરઆઈ કુટુંબે ઓળખીતાનાં કહેવાથી એક પરપ્રાંતીય વ્યક્તિને નોકરી પર રાખ્યો હતો અને તેની વર્તણૂકનાં આધારે વિશ્વાસ મુકીને નવાં ફ્લેટ લેવાનાં રૂપિયા બાવીસ લાખ સાચવવા આપ્યા હતા. ઉપરાંત ઘર-માલિકનાં માતા-પિતાનાં બેંક ખાતામાંથી પણ નોકરે રૂપિયા સાડા ત્રણ લાખની રકમ ઉપાડી લીધી હતી. આ તમામ રકમ મળી કુલ ૨૫ લાખથી વધુની રોકડ લઈ નોકર રફુચક્કર થઈ ગયો હતો. બાદમાં અમેરીકાથી આવેલાં માલિકે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોકર વિરૂદ્ધ છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે.
કપીલભાઈ પટેલ ન્યુ જર્સી અમેરીકા ખાતે રહે છે અને અમદાવાદ નારણપુરા શૈલ એવન્યુમાં પૈતૃક મકાન ધરાવે છે. સમગ્ર પરિવાર સાથે અમેરિકા સ્થાયી થયેલાં કપીલભાઈ વર્ષમાં એક વખત ભારત રહેવા માટે આવતાં હોય છે. તેમનાં મિત્ર રમેશ શાહનાં સંદર્ભથી વર્ષ ૨૦૧૨માં કપીલભાઈએ માતા-પિતાની દેખરેખ માટે આબીદખાન એમ.સીંધી (રહે.કિષ્નગંજ, સીરોહી, રાજસ્થાન)ને કામઅર્થે રાખ્યો હતો. થોડાં જ વખત આબીદે તમામનો વિશ્વાસ જીતી લીધો હતો. જેનાં કારણે કપીલભાઈ અમેરીકા જાય ત્યારે ઘર આબીદને સોંપી જતા હતા. દરમિયાન વર્ષ ૨૦૧૫માં તેમને ગાંધીનગર ખાતે બે ફ્લેટ ખરીદવાનાં હતા. જેનાં રૂપિયા તેમનાં મિત્ર અશોકભાઈ પાસેથી લેવાનાં હતા.
જાકે કપિલભાઈને તાત્કાલિક અમેરિકા જવાનું હોઈ તેમણે ૨૨ લાખ રૂપિયા આબીદને પોતાની પાસે રાખવા કહ્યું હતું. જાકે કપિલભાઈનાં પિતા જીવણભાઈ અમેરીકાથી આવીને રૂપિયા માંગતા આબિદે ગલ્લા તલ્લાં શરૂ કર્યા હતાં. અને પોતે રકમ વ્યાજે આપી દીધી છે. જે જલ્દી પાછી મળે શકે તેમ નથી. બાદમાં કપિલભાઈ પોતે ગત વર્ષે પરત ફરતાં આબિદે ફ્લેટની રકમથી બે ટ્રક ખરીદી હોવાની વાર્તા ચલાવી હતી.
જેથી કપિલભાઈએ તેની પાસે આરસી બુક બતાવવા કહ્યું હતું. ઉપરાંત ૨૨ લાખનું લખાણ આપવા જણાવતાં ૨૧.૧.૧૯ની રાત્રે આબિદ જમવાનું બહાનું કાઢીને ત્યાંથી નીકળી ગયો હતો. જાકે ઘણો સમય છતાં પરત ન ફરતાં આબિદનો સંપર્ક કરતાં તેનો ફોન બંધ આવતો હતો.
આ ઉપરાંત કપિલભાઈનાં માતાનું ખાતું પણ એક બેંકમાં ખોલાવી તેમાં પંદર લાખની એફડી કરાવવાની હતી. પરંતુ ઉંમરનાં કારણે બેંકે એફડી ન લઈ તમામ રકમ ખાતામાં જમા કરી હતી. પોતે માતા-પિતા સાથે અમેરિકા રહેતાં હોઈ કપિલભાઈએ બેંકમાં આબિદનો નંબર રજીસ્ટર્ડ કરાવ્યો હતો. જેનો લાભ લઈ આબિદે ઘરે આવેલાં એટીએમ કાર્ડ અને પીન દ્વારા રૂપિયા ત્રણ લાખ ઉપાડીને ખાતું પણ સફાચાટ કરી નાંખ્યું હતું.
આ ઘટના બાદ કપિલભાઈએ તેમનાં પિતાનું ખાતું તપાસતાં તેમાંથી પણ ૨૫ હજારની રકમ ગાયબ થયેલી જણાઈ હતી.
સમગ્ર ઘટના બહાર આવતાં કપિલભાઈએ તેમનાં કુટુંબીજનોની તપાસ ચલાવી પૂછપરછ કરતાં તેમણે પણ આબિદ વિશે માહિતી આપવાનો ઈન્કાર કર્યાે હતો. આ દરમિયાન પાડોશી સાથે વાત કરતાં નોકરી આબિદ છેલ્લાં ત્રણ વર્ષથી રહેવા માટે તેમનું ઘર વાપરતો હોવાનું જાણવા મળ્યું હતું. તમામ હકીકતો સાંભળી ચોંકી ઉઠેલાં કપિલભાઈ છેવટે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા રૂપિયા સાડા પચીસ લાખની છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે.