Western Times News

Gujarati News

NSEની વેબસાઇટ હવે 12 ભાષાઓમાં કન્ટેટ પૂરું પાડે છે

  • રોકાણકારોનું સશક્તિકરણઃ એનએસઈની મોબાઇલ એપ્લિકેશન  (NSEIndia) અને બહુભાષીય વેબસાઇટ દિવાળી પર લાઇવ થઈ
  • એનએસઈની વેબસાઇટમાં હાલની અંગ્રેજીહિન્દી, મરાઠી અને ગુજરાતીની સાથે આસામીબંગાળીકન્નડામલયાલમઓરિયાપંજાબીતમિળ અને તેલુગુ ભાષાઓ ઉમેરાઈ

દિવાળીના શુભ પ્રસંગે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એનએસઈ)એ રોકાણકારોની સુલભતાને વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. 11 પ્રાદેશિક ભાષાઓને સપોર્ટ કરતા એનએસઈએ તેની ઓફિશિયલ એનએસઈ મોબાઇલ એપ (NSEIndia) લોન્ચ કરી છે અને તેની કોર્પોરેટ વેબસાઇટ www.nseindia.comને વિસ્તારી છે. આ બંને સુવિધાઓનું લોન્ચિંગ સમગ્ર દેશમાં રોકાણકારો માટે વધુ સમાવેશક નાણાંકીય ઇકોસિસ્ટમ ઊભી કરવાની એનએસઈની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ લોન્ચ અંગે વાત કરતા એનએસઈના એમડી અને સીઈઓ શ્રી આશિષકુમાર ચૌહાણે કહ્યું કે, “સૌને ખુશહાલ અને સમૃદ્ધ દિવાળીની શુભેચ્છાઓ. આજે એનએસઈ તેના કામકાજના 30 વર્ષો પૂરા કરી રહી છે, ત્યારે અમે હાલની અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ગુજરાતી ઉપરાંત આસામી, બંગાળી, કન્નડા, મલયાલમ, ઓરિયા, પંજાબી, તમિળ અને તેલુગુ જેવી અન્ય 8 ભારતીય ભાષાઓમાં વેબસાઇટ્સ ઉપરાંત મોબાઇલ એપ લોન્ચ કરી છે. આ વર્ષે એનએસઈ પર મુહૂર્ત ટ્રેડિંગ અનેરું મહત્વ ધરાવે છે.

આ સીમાચિહ્નરૂપ સફર ભારતના નાણાંકીય ક્ષેત્રે વિશ્વાસ, નવીનતા અને વૃદ્ધિનું પ્રતીક છે. રોકાણકારોને કોઈપણ રોકાણના નિર્ણયો લેતા પહેલા યોગ્ય રીતે સંશોધન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે કારણ કે રોકાણકાર જાગૃતતાને પ્રોત્સાહન એનએસઈની પ્રાથમિકતાઓ પૈકીની એક રહી છે. અમે રિટેલ રોકાણકારોને લાંબા ગાળાના રોકાણ દ્વારા ટકાઉ સંપત્તિ સર્જનમાં આગળ વધવા અપીલ કરીએ છીએ.”

આ પ્લેટફોર્મ આધુનિક રોકાણકારોની જરૂરિયાતોને પૂરી કરે તેવા ફીચર્સના લોન્ચ માટેનો પાયો બનશે. તે એક્સેસિબિલિટી, સુરક્ષા અને યુઝરના અનુભવ પ્રત્યે એનએસઈની વર્તમાન પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ શુભ પ્રસંગે એનએસઈના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રી શ્રીરામ કૃષ્ણને જણાવ્યું હતું કે “આ દિવાળી ભારતના મૂડી બજારમાં એનએસઈની વર્તમાન પ્રતિબદ્ધતામાં વધુ એક સીમાચિહ્ન છે. અમારી નવી મોબાઇલ એપ અને અમારી વેબસાઇટનું 11 પ્રાદેશિક ભાષાઓમાં વિસ્તરણ એ વધુ સમાવેશક અને સુલભ નાણાંકીય ઇકોસિસ્ટમ તરફના પરિવર્તનકારી પગલાં છે.

આ પહેલ ઝડપી ટૂલ્સ, રિયલ-ટાઇમના જેવી ઇનસાઇટ્સ તથા પોતાની માતૃ ભાષામાં બજારની માહિતી મેળવવાની સુગમતા દ્વારા રોકાણકારોને સશક્ત બનાવવા તૈયાર કરવામાં આવી છે. અમે બજારોને દરેક વ્યક્તિની નજીક લઈ જતા ગર્વ અનુભવીએ છીએ અને સુનિશ્ચિત કરીએ છીએ કે તેઓ ગમે તે બેકગ્રાઉન્ડના હોય પરંતુ ભારતની આર્થિક સફરમાં આત્મવિશ્વાસભેર ભાગ લઈ શકે છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.