ગુજરાતમાં BJPના ધારાસભ્યોની સંખ્યા 161ઃ 5 ધારાસભ્યોએ શપથ લીધા
ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીમાં જીતેલા પાંચ ધારાસભ્યોએ શપથ લીધા
(એજન્સી)ગાંધીનગર, ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૪માં ચૂંટાયેલા પાંચ નવ નિયુક્ત ધારાસભ્યોને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આજે વિધાનસભા ખાતે ધારાસભ્ય પદ માટેના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજ્ય મંત્રી મંડળના સભ્યોએ નવ નિયુક્ત ધારાસભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.
વિધાનસભા અધ્યક્ષના કાર્યાલયમાં યોજાયેલ શપથવિધિ સમારંભમાં વિજાપુર વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય ડો. સી. જે. ચાવડા, પોરબંદર વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા,માણાવદર વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય અરવિંદ લાડાણી, ખંભાત વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય ચિરાગ પટેલ અને વાઘોડિયા વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા હતા.
હવે વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોનું સંખ્યા બળ ૧૬૧ થયું છે અને કોંગ્રેસ પાસે માત્ર ૧૩ જ ધારાસભ્યો રહ્યાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વિક્રમી ૧૫૬ બેઠકો મળી હતી. જેમાં કોંગ્રેસ માત્ર ૧૭ બેઠકો પર સિમિત રહી ગઈ હતી. આમ આદમી પાર્ટીને પાંચ બેઠકો પર વિજય થયો હતો. આ ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાયા હતાં.
જો કે હજી વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાઈ નથી. ત્યાર બાદ ખંભાતથી ચિરાગ પટેલ, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, માણાવદરથી અરવિંદ લાડાણી, વિજાપુરથી સી.જે.ચાવડા અને વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાઈ ગયાં હતાં.