યાત્રાધામ વીરપુરમાં એક મહિનામાં અસંખ્ય ચોરીઃ પોલીસ નિષ્ક્રીય

પ્રતિકાત્મક
વીરપુર, યાત્રાધામ વીરપુરમાં છેલ્લા એઅક માસમાં તસ્કરી તેમજ હાથ સફાઈની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી ચુકી છે. લોકોના ઘરો ધાર્મિક સ્થળોપર તસ્કરીની ઘટનાઓ બની છે. અને યાત્રાધામ વીરપુરમાં દર શુક્રવારે ભરાતી ગુજરી બજારની અંદર પણ મોબાઈલ, રોકડ સહીતની ચોરી થયાની અનેક ફરીયાદો ઉઠી છે.
વીરપુરમાં દર શુક્રવારે ભરાતી ગુજરી બજારમાં ખરીદી માટે આવતી અનેક મહીલાઓના મોબાઈલ, પર્સ અને રોકડની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. તસ્કરોએ મુકિતધામ એટલે કે સ્મશાનને પણ છોડયું નથી. મુકિતધામમાં પણ બે વખત તસ્કરો ત્રાટકયા હતા.
થોડા સમય પહેલા મુકિતધામમાં ફિટ કરવામાં આવેલ સીસીટીવી કેમેરા, ડીડીઆર અને એલસીડી ટીવી સહીતની ચોરી કરી ઉઠાવી ગયા હતાં. તેમજ અસ્થી રાખવાના લોકર પણ તસ્કરોએ તોડી નુકશાન કર્યું હતું.
ગઈરાત્રે બીજી વખત મુકિતધામમાં ચોરીનો બનાવ બન્યો છે. એક પાનના ગલ્લાનું સટર પણ તોડવાની કોશીશ કરી હતી. વીરપુર પોલીસ ઘોર નિંદ્રામાં હોય તેવું સામે આવ્યું છે. વીરપુરમાં તસ્કરીની ઘટના અને ગુજરી બજારમાં હાથ સફાઈ કરતી ટોળકી છેલ્લા ઘણા સમયથી સક્રીય છે. પરંતુ આ ટોળકી જાણે પોલીસની નિંદ્રાનો લાભ લઈ અને આળસનો ફાયદો ઉઠાવી લોકોને લુંટી રહયાં છે. ત્યારે તસ્કરોને તાત્કાલીક ધોરણે પકડી પાડવામાં આવે તેવી યાત્રાધામમાં લોક માગ ઉઠવા પામી છે.