સ્વાદુપિંડની બીમારીથી તંગ ૧૮ વર્ષીય નર્સિગના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું

પ્રતિકાત્મક
વડોદરા, છાણી વિસ્તારમાં રહેતો ૧૮ વર્ષીય નર્સિગના વિદ્યાર્થી છેલ્લા ઘણા સમયથી સ્વાદુપિંડની બીમારીથી પીડાઈ રહ્યો હતો જેથી તેને જમવામાં પણ તકલીફ પડતી હતી અને તેનાથી જમાતું પણ નહોતું.
જેથી કંટાળીને બુધવારે સવારે માતા-પિતા નોકરી પર ગયા બાદ તેણે દોરી દ્વારા ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. તેણે અંતિમ ચિઠ્ઠીમાં માતા-પિતાને ઉદ્દેશની લખ્યું હતું કે, મારી પીડા હું જ અનુભવું છું. ફતેગંજ પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી હતી.
જૂના છાણી રોડ પર આવેલા પવન પાર્કમાં રહેતા સુનિલભાઈ ડાભી ખાનગી અંગ્રેજી માધ્યમની શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે. તેમનો ૧૮ વર્ષીય દિકરો શ્રેય નર્સિગના પહેલાં વર્ષમાં ખાનગી કોલેજમાં અભ્યાસ કરતો હતો.
છેલ્લા ઘણા સમયથી શ્રેય સ્વાદુપિંડ (પેન્ક્રિયાસ)ની સમસ્યાથી પીડાઈ રહ્યો હતો જેથી તેનું ઓપરેશન પણ થયું હતું જે બાદ પણ તેને તકલીફ પડી રહી હતી. શ્રેયે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, મમ્મી-પપ્પા મારા આ પગલાં પાછળ તમારો કોઈ દોષ નથી. મારો દર્દ હું જ અનુભવું છું. મમ્મી-પપ્પા તમે ખુશ રહેજો. એમ કહી આપઘાત કરી દીધો હતો. ફતેગંજ પોલીસે આ ચિઠ્ઠી કબજે લઈને તપાસ હાથ ધરી હતી.