મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં ૫ાંચ દિવસ પોષણયુક્ત લીલા શાકભાજી પીરસવામાં આવશે
અમદાવાદ, રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના બાળકોને હવે મધ્યાહન ભોજનમાં રોજ શાકભાજી ખાવા મળશે. પી.એમ. પોષણ યોજના અંતર્ગત બાળકોના મેનુમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં શાકભાજીના વધુ ઉપયોગ પર ભાર મૂકાયો હોવાનું જાણવા મળે છે.
અગાઉના મેનુમાં સપ્તાહમાં બે વખત વિદ્યાર્થીઓને શાક મળતું હતું, પરંતુ નવા મેનુમાં સપ્તાહમાં પાંચ દિવસ શાકભાજી પીરસવામાં આવશે. અગાઉ દાળ ઢોકળી અને વેજ પુલાવ સાથે શાક અપાતું ન હતું, પરંતુ નવા મેનુમાં આ ખાદ્યચીજો સાથે પણ બાળકોને શાક પણ આપવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પી.એમ. પોષણ(મધ્યાહન ભોજન) યોજના હેઠળ રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને બપોરનું ગરમ ભોજન આપવામાં આવે છે. શિક્ષણ વિભાગના ૨૦૨૦ના ઠરાવથી પી.એમ. પોષણ યોજનામાં બાળકોને આપવામાં આવતા ભોજનનું મેનુ નક્કી કરવામાં આવેલું છે.
શિક્ષણ વિભાગના ૨૦૨૪ના ઠરાવ અનુસાર, પી.એમ. પોષણ યોજના અંતર્ગત અઠવાડિયામાં એક દિવસ બાળકોને સુખડી આપવામાં આવે છે. રાજ્યના મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને ૨૬ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ રાજ્યકક્ષાની સ્ટીયરીંગ કમ મોનિટરીંગ કમિટીની બેઠક મળી હતી.
જેમાં પી.એમ. પોષણ યોજના અંતર્ગત મેનુના અમલીકરણમાં પડતી મુશ્કેલીઓ ધ્યાને લઈ જરૂરી સુધારા-વધારા કરવા સૂચન કરવામાં આવ્યું હતું.
આમ, બેઠકમાં થયેલા સૂચનને પગલે પીએમ પોષણ યોજનાના મેનુમાં બદલાવ કરી સરકાર તરફથી નિયત થયેલા અનાજ, કઠોળ, તેલ અને લીલા શાકભાજીના જથ્થાના પ્રમાણ તથા ભારત સરકારની ગાઇડલાઇન અનુસાર નિયત થયેલી કેલરીનું પ્રમાણ જાળવી સમગ્ર રાજ્યમાં એક સાથે અમલમાં મૂકી શકાય તે મુજબનું વાનગી મેનુ નિયત કરવા ટેકનિકલ એડવાઈઝરી કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
જે મુજબ કમિશનર પી.એમ. પોષણ યોજનાની કચેરી દ્વારા પી.એમ.પોષણ યોજનાના મેનુમાં ફેરફાર કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. દરખાસ્તના પગલે સરકાર દ્વારા તેની પર વિચારણા હાથ ધરી હતી અને ત્યારબાદ પી.એમ. પોષણ યોજના અંતર્ગત બાળકોને આપવામાં આવતા ભોજન માટે નવો મેનું નક્કી કરવામાં આવ્યો છે.
જેનો અમલીકરણ ૧ સપ્ટેમ્બર, ૨૦૨૪થી કરવાનું નક્કી કરાયું હોવાનું જાણવા મળે છે. નવા મેનું પ્રમાણે હવે મધ્યાહન ભોજનમાં લીલા શાકભાજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે.SS1MS