OASISના ટ્રસ્ટીઓને ક્રાઈમ બ્રાન્ચનું સમન્સ
વડોદરા, વલસાડ રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં કથિત રીતે આપઘાત કરનાર ૧૮ વર્ષીય યુવતી જ્યાં અભ્યાસ કરતી હતી તે OASIS સંસ્થાના ટ્રસ્ટીઓને ક્રાઈમ બ્રાંચ દ્વારા સમન્સ ઈશ્યુ કરવામાં આવ્યું છે. પોલીસે કહ્યું કે સંબંધિત અધિકારીઓને પૂછપરછ માટે તપાસ અધિકારીઓ સમક્ષ હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
પોલીસે જણાવ્યું હતું કે આવા કેસોમાં ગુનાની માહિતી ન આપવી એ નોન-કોગ્નિઝેબલ ગુનો છે અને તેથી ટ્રસ્ટીઓને બોલાવતા પહેલા તેઓએ કોર્ટની પરવાનગી લેવી પડી હતી. ક્રાઈમ બ્રાન્ચના એસીપી ડી એસ ચૌહાણે જણાવ્યું કે, કોર્ટે મંગળવારે અમને મંજૂરી આપી.
અમે હવે ટ્રસ્ટીઓને પ્રશ્ન કરીશું કે તેઓ છોકરી પર કથિત જાતિય શોષણથી વાકેફ હોવા છતાંય શા માટે પોલીસને જાણ ન કરી? પ્રાપ્ત માહિતી અનુસાર તપાસ અધિકારીઓ પુરાવા એકત્ર કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે, જાે કોઈ હોય તો, જે યુવતીએ ટ્રસ્ટીઓમાંથી કોઈ એકને આપ્યા હોઈ શકે.
ક્રાઈમ બ્રાન્ચે સોમવારે કથિત સામુહિક બળાત્કારની માહિતી છુપાવવા બદલ ટ્રસ્ટના બે ટ્રસ્ટીઓ અને એક કર્મચારી સામે ગુનો નોંધ્યો હતો. જેમાં મેનેજિંગ ટ્રસ્ટી પ્રીતિ શાહ, ટ્રસ્ટી સંજીવ શાહ અને કર્મચારી વૈષ્ણવી ટાપરિયાનો સમાવેશ થાય છે, હવે તેઓએ પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થવું પડશે.
પોલીસે જણાવ્યું હતું કે જાે તેમને આરોપીઓ સામે પૂરતા પુરાવા મળશે તો તેઓ આગામી દિવસોમાં ત્રણેયની ધરપકડ કરી શકે છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ૧૮ વર્ષની છોકરીએ વૈષ્ણવીને તેના કથિત બળાત્કાર વિશે જાણ કરી હતી અને ટ્રસ્ટીઓને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પરંતુ ટ્રસ્ટીઓએ પોલીસને કે યુવતીના માતા-પિતાને પણ જાણ કરી ન હતી. જેથી પૂછપરછ માટે હાજર રહેવા સમન્સ મોકલવામાં આવ્યું છે.SSS