Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લાના તમામ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજીને ઓબ્ઝર્વર ઓએ ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા કરી

(માહિતી) અમદાવાદ, અમદાવાદ જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ નિષ્પક્ષ,સ્વતંત્ર અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી, ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અંગેની સમગ્ર કાર્યવાહી પર દેખરેખ રાખવા ઓબ્ઝર્વરશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદમાં કલેકટર કચેરીના કૉન્ફરન્સ હૉલ ખાતે, ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા ઓબ્ઝર્વરશ્રીઓએ અમદાવાદ જિલ્લાની ચૂંટણીલક્ષી કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજી હતી.તેઓએ જિલ્લામાં થયેલી ચૂંટણી સંબંધિત સમગ્ર કામગીરીની ઝીણવટભરી માહિતી મેળવી, તમામ નોડલ અધિકારીશ્રીઓને સૂચનો પણ કર્યા હતા.

નિરીક્ષકશ્રીઓએ અમદાવાદ જિલ્લાની વિધાનસભાની તમામ ૨૧ બેઠકના મતદારોની પ્રોફાઈલ, પોલિંગ સ્ટેશનની વિગતો, જિલ્લામાં કાર્યરત ચેક પોસ્ટ, ઇ.વી.એમ તથા વીવીપેટની થયેલી ફાળવણી, ઇવીએમ સ્ટોરેજની વ્યવસ્થા, ઇવીએમ રૂટ તથા ઇવીએમ સંબંધિત સુરક્ષા વ્યવસ્થા, મતદાન મથકો ખાતે પોલીસ સ્ટાફની ફાળવણી, ચૂંટણી સ્ટાફની તાલીમ, ચૂંટણી અંગેના વાહનોની ફાળવણી, સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થા, મતગણતરીની વ્યવસ્થા, મતદાન જાગૃતિ કાર્યક્રમો તથા કાયદો વ્યવસ્થાની સ્થિતિ વગેરે બાબતોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.

આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડૉ. ધવલ પટેલે જિલ્લામાં થયેલી ચૂંટણીલક્ષી પૂર્વતૈયારીઓની માહિતી પ્રેઝન્ટેશન રૂપે પ્રસ્તૂત કરી હતી. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અમદાવાદ જિલ્લાની ૨૧ વિધાનસભા બેઠકો માટે ચૂંટણી સંબંધિત કામગીરી માટે ઓબ્ઝર્વરોની નિમણૂક કરવામાં આવી છે.

૩૯-વિરમગામ બેઠક માટે શ્રી હરીકેશ મીના, ૪૦-સાણંદ બેઠક માટે શ્રી ડો. જગદીશ કે.જી., ૪૧-ઘાટલોડીયા બેઠક માટે શ્રી બીનીતા પેગુ, ૪૨- વેજલપુર અને ૪૪- એલીસબ્રીજ બેઠકો માટે શ્રી વિવેક પાન્ડે, ૪૩-વટવા બેઠક માટે શ્રી આકાંક્ષા રંજન, ૪૫-નારણપુરા અને ૫૫- સાબરમતી બેઠકો માટે શ્રી અશ્વિનીકુમાર, ૪૬- નિકોલ અને ૫૭- દસ્ક્રોઈ બેઠકો માટે શ્રી રાહુલ રંજન મહીવાલ, ૪૭- નરોડા અને ૪૮- ઠક્કરબાપાનગર બેઠકો માટે શ્રી ક્રિષ્ના વાજપેયી, ૪૯- બાપુનગર અને ૫૬- અસારવા બેઠકો માટે પ્રશાંત ભોલાનાથ નર્નવારે, ૫૩- મણીનગર માટે શ્રી આનંદ સ્વરૂપ, ૫૧- દરિયાપુર અને ૫૨- જમાલપુર-ખાડીયા બેઠકો માટે શ્રી વિનોદસિંહ, ગુંજ્યાલ, ૫૪-દાણીલીમડા બેઠક માટે શ્રી સી.આર.પ્રસન્ના, ૫૮-ધોળકા બેઠક માટે શ્રી ધર્મેન્દ્રસિંહ, ૫૯- ધંધુકા બેઠક માટે શ્રી ઘનશ્યામ દાસ તો અમદાવાદ શહેર શ્રી નિલીકુમાર સુબ્રમણ્યમ તથા અમદાવાદ જિલ્લા માટે શ્રી સુમિત શર્માની નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે.

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડૉ. ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ ધામેલિયા,પોલીસ અધિક્ષક શ્રી સંજય શ્રીવાસ્તવ, પોલીસ અધિક્ષક (અમદાવાદ રુરલ) શ્રી અમિત વસાવા સહિત જિલ્લામાં ચૂંટણી કામગીરી માટે નિમાયેલા તમામ નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.