અમદાવાદના ઓઢવ બ્રિજ નીચે ૩૦થી વધુ વાહન બળીને રાખ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ રીંગરોડ પર ઓઢવ બ્રિજ નીચે સોમવારે સવારે વાહનોમાં આગ લાગી હતી, જ્યાં ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઇન કરેલા વાહનો મૂકવામાં આવ્યા હતાં. ફાયર બ્રિગેડની બે ગાડીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. આગમાં કુલ ૩૩ ટુ વ્હીલર અને ૨ ગાડીઓ ખાક થઈ ગઈ હતી.
જેમાં ૨૨ ડિટેઇન કરેલાં વાહનો હતાં અને ૧૧ ટુ વ્હીલર અન્ય લોકોનાં પાર્ક કરેલાં હતાં. ઓઢવ બ્રિજ નીચે પોલીસે કાર્યવાહી દરમિયાન ડિટેઇન કરેલા વાહનો પાર્ટ કરવામાં આવ્યા હતા.
સવારે સાત વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે, રિંગરોડ પર ઓઢવ પોલીસ સ્ટેશનની સામે બ્રિજની નીચે વાહનોમાં આગ લાગી છે. જેથી તાત્કાલિક ધોરણે ઓઢવ ફાયર સ્ટેશનની બે ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે બ્રિજની નીચે પડેલાં ટુ-વ્હીલર અને ગાડીમાં આગ લાગી હતી.
ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. ઘટનાની જાણ થતાં ઓઢવ પોલીસ પણ પહોંચી હતી. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી નથી મળી.
પરંતુ, ડિટેઇન કરેલાં ૨૨ વાહનો બળીને ખાક થઈ ગયા છે. આગ ઓલવાયા બાદ પોલીસ વિભાગ દ્વારા આગ કેવી રીતે લાગી તે વિશે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઓઢવ નોંધનીય છે કે, હજુ સુધી આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું.