Western Times News

Gujarati News

ઓઢવ, જશોદાનગર અને અમરાઈવાડીની રબારી વસાહતો જંત્રીના 25 ટકા લેખે વેચાણ આપવામાં આવશે

દસ વર્ષ સુધી માત્ર રહેણાંક ઉપયોગ જ થઈ શકશે, માલિકી હક્ક તબદીલ નહિ થાય : દેવાંગ દાણી

(પ્રતિનિધિ) અમદાવાદ,    અમદાવાદ મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટી ઘ્વારા ઓઢવ, અમરાઈવાડી અને જશોદાનગર નવી અને જૂની એમ કુલ ચાર જેટલી વસાહતોનાં 1100 જેટલા મકાનોમાં કાયમી માલિકી હક આપવા માટે શુક્રવારે  ઠરાવ કરી રાજ્ય સરકારને મોકલી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભૂતકાળમાં કોર્પોરેશનમાં આવા ઠરાવ કરીને જગ્યા આપવામાં આવી છે. 45 વર્ષ જુના ભાડુઆત હોય તો કોમર્શિયલમાં જંત્રીના 30 ટકા લેખે જેમ લાટી બજારને આપ્યું છે તેમ રહેણાંકમાં જંત્રીના 25 ટકા લેખે આપવા અંગે નિર્ણય લેવાયો છે. આ રબારી વસાહતો આપવા માટે કેટલીક શરતો પણ મૂકવામાં આવી છે જે શરતો પાલન કર્યા મુજબ જગ્યા ફાળવવામાં આવશે.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી ઓઢવ, અમરાઈવાડી અને જશોદાનગર જૂની તેમજ નવી એમ ચાર જેટલી રબારી વસાહતોના 1109 મકાનો  પ્રવર્તમાન જંત્રી દરના 25 ટકા લેખે અથવા રાજ્ય સરકાર નક્કી કરે તે મુજબ આપવા અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરીને રાજ્ય સરકારમાં મોકલવામાં આવ્યો છે. રાજ્ય સરકાર આ મામલે નિર્ણય લેશે.

સરકાર જ્યારથી જાહેરાત કરે તે તારીખથી 6 મહિનામાં પુરાવા સાથે આ રકમ ભરીને દસ્તાવેજ કરાવી લેવાનો રહેશે. આ પહેલા મિલકત માલિકે સરકારના તમામ બાકી દેવા ચૂકતે કરવાના રહેશે. આ ઉપરાંત પૂરા નાણાં ભર્યા બાદ દસ વર્ષ સુધી મિલ્કતો નો માત્ર રહેણાંક તરીકે જ ઉપયોગ થઈ શકશે તેમજ અન્ય કોઈપણ વ્યક્તિ ના નામે મિલકત તબદીલ થઈ શકશે નહીં.

કોઈ મિલકત ધારકે પરવાનગી વિના વધારાનું બાંધકામ કર્યું હશે તો તેને ગુડા એકટ અંતર્ગત જરૂરી પુરાવા રજૂ કરી નિયમિત કરવાનું રહેશે.આ વસાહતો માટે 2017ના વર્ષમાં ઠરાવ કરવામાં આવ્યો હતો. જેનો અમલ કરવામાં આવી રહ્યો છે. રબારી વસાહતો માટે 50 વર્ષ કરતા વધુ સમય પહેલા જગ્યાની ફાળવણી કરવામાં આવી હોવાથી ભાડુઆતો ને માલિકી હક્ક પણ મળી શકે છે તે બાબત પણ ધ્યાનમાં લેવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા જે ચાર વસાહતો ની જમીન આપવામાં આવી રહી છે તેનું કુલ ક્ષેત્રફળ 6.57 લાખ ચો. મી. જેટલું થાય છે. અને પ્રવર્તમાન જંત્રી દર મુજબ તેની કિંમત રૂ.332 કરોડ થાય છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા જંત્રીના 25 ટકા લેખે જમીન આપવામાં આવી રહી છે. તેથી તંત્રની તિજોરીમાં રૂ.83 કરોડ જ જમા થશે. રાજ્ય સરકાર ઘ્વારા જે નવા જંત્રી દર જાહેર કરવામાં આવ્યા છે તે મુજબ ગણતરી કરવામાં આવે તો જમીનની કિંમત રૂ.1300 કરોડ જેટલી થાય છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.