નેપાળથી ભારત પહોંચેલી ગર્ભવતી-માનસિક રોગી મહિલાના સંઘર્ષની હૃદયસ્પર્શી કથા

ઓઢવ નારી સંરક્ષણ ગૃહની સરાહનીય કામગીરીને કારણે અમદાવાદમાં મળેલી ગર્ભવતી-માનસીક બિમાર મહિલા નેપાળમાં તેના પરિવારજનોને મળી
સાફલ્ય ગાથા –ગર્ભવતી હોવાની સ્થિતિમાં ભારત પહોંચેલાં સાવિત્રીબહેન અમદાવાદમાં સારસંભાળ લીધા બાદ દીકરી નેહા સાથે સ્વસ્થ અને શાંતિપૂર્ણ રીતે નેપાળ પરત ફર્યાં
નેપાળમાં સાવિત્રીબહેનની પરિવારજનો સાથે 1 વર્ષ, 10 મહિના બાદ પુનઃમુલાકાત કરાવતું અમદાવાદનું નારી સંરક્ષણ ગૃહ
ગર્ભવતી અને માનસિક બીમાર બહેનની સાચવણી અંગે અનેક ગંભીર પ્રશ્નો છતાં સ્થિતિ સંભાળી લઈને ઓઢવ નારી સંરક્ષણ ગૃહે સરાહનીય કામગીરી કરી
પાલનપુર રેલવે સ્ટેશન ખાતે ભટકી ગયેલાં સાવિત્રીબહેન મનોજભાઈ વિશ્વકર્મા(નામ બદલ્યું છે.) માનસિક રોગથી પીડાતાં હતાં. સૌથી પહેલાં તેમને પાલનપુરના નારી સંરક્ષણ ગૃહમાં પહોંચાડવામાં આવ્યાં. સાવિત્રીબહેનની માનસિક પરિસ્થિતિ ખૂબ જ વણસેલી હતી અને તેમને લાંબા ગાળાના આશ્રયની જરૂર હતી, તેથી વર્ષ 2023ના મે મહિનામાં તેમને પાલનપુરના નારી સંરક્ષણ ગૃહમાંથી અમદાવાદના ઓઢવ ખાતે આવેલા નારી સંરક્ષણ ગૃહ ખાતે મૂકવામાં આવ્યાં.
માનસિક બીમાર હોવાને કારણે શરૂઆતમાં સાવિત્રીબહેન પોતાના નામ સિવાય કંઈ બોલતાં ન હતાં. નારી સંરક્ષણ ગૃહના સ્ટાફ દ્વારા તેમને પૂછવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ બહેન યોગ્ય જવાબ આપી શકે તેવી સ્થિતિમાં ન હતાં. ઓઢવ નારી ગૃહના મેનેજર દ્વારા પણ બહેન પાસેથી અન્ય માહિતી લેવાના ઘણા પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં સફળતા નહોતી મળી. બાળક બાબતે પૂછતાં સાવિત્રીબહેને બાળકના પિતાનું નામ ‘મનોજ’ જણાવ્યું હતું, જે વાસ્તવમાં તેમના પતિનું જ સાચું નામ છે.
સાવિત્રીબહેન ઓઢવ નારી સંરક્ષણ ગૃહમાં આવ્યાં ત્યારે તેઓ 8 મહિનાનો ગર્ભ ધરાવતાં હતાં. માનસિક બીમાર હોવાના કારણે તેઓ ખૂબ જ તોફાન કરતાં, ખૂબ જ ગાળો બોલતાં હતાં તથા અન્ય બહેનો સાથે મારામારી કરી તેમને હેરાન-પરેશાન પણ કરતાં હતાં. ગર્ભવતી હોવાના કારણે સાવિત્રીબહેનને મેડિકલ ચેકઅપ અર્થે પોલીસ એસ્કોર્ટ નોંધાવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવતાં.
બહેન માનસિક રોગથી પીડાતા હોવાથી ત્યાં તેઓ ગુસ્સામાં આવી ઉગ્ર થઈ ગયા હતા અને પોલીસ સાથે તથા સંરક્ષણ ગૃહના આયા બહેનો સાથે મારઝૂડ કરી, ગાળો બોલી હતી અને પોલીસ વાનનો ગિયર પણ તોડી નાખ્યો હતો.
વધુ સારવાર માટે સાવિત્રીબહેનને માનસિક આરોગ્યની હોસ્પિટલ, દિલ્લી દરવાજા ખાતે લઈ જવામાં આવ્યા હતા તેમજ તેઓ ગર્ભવતી હોવાથી તેમની સારવાર અને સાર-સંભાળ સાથે જ ચાલુ કરાવવામાં આવી હતી. ગર્ભવતી અને માનસિક બીમાર સાવિત્રીબહેનની સાચવણી અંગે અનેક ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા. તેમને આવી સ્થિતિમાં સાચવવા ખૂબ જ કપરું હતું.
જોકે, નારી ગૃહના સ્ટાફ દ્વારા સારી રીતે સાવિત્રીબહેનની સારસંભાળ રાખવામાં આવી અને સારવાર પછી બહેનમાં ઘણો સુધારો જોવા મળ્યો હતો. બહેન સંસ્થામાં આવ્યા ત્યારે સમયસર જમતાં પણ ન હતાં, પરંતુ સારવાર બાદ તેમણે સમયસર જમવાનું ચાલુ કરી દીધું હતું તથા તેઓ અન્ય બહેનો સાથે પણ હળીમળીને રહેવા લાગ્યાં હતાં. સારવાર બાદ તેમના વર્તનમાં ઘણો સુધારો જોવા મળ્યો હતો.
સમય જતા ગર્ભવતી સાવિત્રીબહેનને લેબરપેઈન થતા તેમને તા. 03/06/23ના રોજ સવારે 05:00 કલાકે અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે 108ની ઈમરજન્સી સેવા મારફત લઈ જવામાં આવ્યાં, ત્યાં સવારે 10:00 કલાકે તેમણે પુત્રીને જન્મ આપ્યો હતો. પુત્રીનો જન્મ ઓપરેશન દ્વારા કરવામાં આવ્યો હતો, જેથી સાવિત્રીબહેનને 11 દિવસ હોસ્પિટલમાં દાખલ રખાયાં હતાં. સાવિત્રીબહેનને નારી ગૃહમાં પરત લાવ્યા બાદ હિંદુ રીતરિવાજ પ્રમાણે દીકરીની છઠ્ઠી પૂજનની ઉજવણી કરી, નામકરણ કરી દીકરીનું નામ ‘નેહા'(નામ બદલ્યું છે.) પાડવામાં આવ્યું હતું.
આ સમયગાળા દરમિયાન સાવિત્રીબહેનના ઘર-સરનામાની તપાસની કાર્યવાહી ચાલુ હતી. સંસ્થા માનસિક બહેનોની હતી તેથી નાના બાળકને એમાં રાખી શકાય તેમ ન હતું. આ કારણસર ચાઈલ્ડ વેલફેર કમિટી(CWC), અમદાવાદની મંજૂરી મેળવી, તેમના હુકમથી તા.18/01/2024ના રોજ મહિપતરામ રૂપરામ આશ્રમ, રાયપુર અમદાવાદ ખાતે જ્યાં સુધી સાવિત્રીબહેનના ઘર તપાસની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી દીકરીને સાર-સંભાળ અર્થે રાખવામાં આવી હતી.
નારી ગૃહના મેનેજર દ્વારા તથા ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ ડૉ. ક્રિશ્નરાવ સુસર દ્વારા વારંવાર સાવિત્રીબહેનનું કાઉન્સેલિંગ કરવામાં આવતું હતું. સાવિત્રીબહેનને પોતાના પરિવાર વિશે કંઈ જ ખબર ન હતી. પરંતુ તેમની માનસિક રોગની દવા ચાલતી હતી, જેની અસરથી બહેનમાં માનસિક સુધારાના કારણે સમયાંતરે તેઓ પોતાના વિશે બધુ જ કહેવા લાગ્યાં હતાં.
સાવિત્રીબહેન નારી ગૃહ ખાતે કેવી રીતે પહોંચ્યા તે વિશે પૂછતા બહેને વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમના અને તેમના પતિ મનોજ વચ્ચે અન્ય પુરુષને લઈને મતભેદ થતાં તેમના પતિ રક્ષાબંધનના દિવસે તેમને પિયરમાં મૂકી ગયા હતા અને પછી પરત લેવા જ નહોતા આવ્યા.
સાવિત્રીબહેન ખેતરમાં અન્ય પુરુષ સાથે કામ કરતાં હતાં, જેથી બન્ને વચ્ચે વાતચીતના સંવાદ હતા. એક દિવસ આ પુરુષ દ્વારા સાવિત્રીબહેનને રાત્રીના સમયે નેપાલગંજ, રૂપેરીયાની શાકમાર્કેટમાં બોલાવવામાં આવ્યા હતા. ત્યાં બન્ને વચ્ચે વાતચીત થઈ હતી તથા તે પુરુષ સાવિત્રીબહેન સાથે શારિરીક અડપલા કરવા લાગ્યો હતો.
સાવિત્રીબહેન દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ અન્ય પુરુષ દ્વારા સાવિત્રીબહેનને પાણીમાં ભેદી પદાર્થ મેળવી પીવડાવી દેવામાં આવ્યું હતું જેથી સાવિત્રીબહેનને ચક્કર આવતા તેઓ બેભાન થઈ ગયા હતા. જ્યારે બહેન ભાનમાં આવ્યા ત્યારે એક શિવજીના મંદિરમાં હતા. સાવિત્રીબહેન સાથે આ બનાવ બન્યો ત્યારે તે પિયરમાં રહેતા હતા. સવારે ભાનમાં આવ્યા પછી તેઓ ટ્રેનમાં બેસી ગયા હતા અને પાલનપુર ઊતરી ગયા હતા. આ તમામ માહિતી સાવિત્રીબહેનનું કાઉન્સેલિંગ કરતા તેમના દ્વારા આપવામાં આવી હતી.
સાવિત્રીબહેનનું વધુ કાઉન્સેલિંગ કર્યા બાદ તેમનું સરનામુ મળ્યું હતું. આ સરનામાની તપાસ કરવા માટે નારી સંરક્ષણ ગૃહ દ્વારા પોલીસ એસ્કોર્ટની જરૂરિયાત ઊભી થતા તા. 02/12/24ના રોજ પોલીસ એસ્કોર્ટ મેળવી સાવિત્રીબહેને આપેલ સરનામે શાહપુર, રાબતી, નેપાલગંજ, રૂપેરીયા, બિહાર ખાતે નારી ગૃહ અને પોલીસ એસ્કોર્ટ તપાસ અર્થે સાવિત્રીબહેનને લઈને ઘર તપાસ કરવા ગયા હતા.
પરંતુ, બિહાર બોર્ડર પર પહોંચતા જાણવા મળ્યું હતું કે ઉપર દર્શાવ્યા મુજબનું સરનામુ નેપાળમાં લાગતુ હતું. દેશ બદલાતો હોવાના કારણે ઘર તપાસ અર્થે બિહાર બોર્ડર ક્રોસ કરી નેપાળ પહોંચવાની મંજૂરી પોલીસ કમિશ્નરશ્રી દ્વારા મેળવવામાં આવી હતી. નેપાળ પહોંચી સાવિત્રીબહેનના ઘરની તપાસ કરતા અહીં તેઓનો પરિવાર મળી આવ્યો હતો. પરિવારમાં તેઓના દાદી-દાદા અને પડોશી હાજર હતા.
તેઓએ સાવિત્રીના પિતા મજૂરી અર્થે ગયેલા હોવાથી તેમને ફોન કરીને બોલાવ્યા હતા. સાવિત્રીબહેનના પિતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેમણે સાવિત્રીની ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. સાવિત્રીબહેન દ્વારા તેઓના પરિવારની તથા તેમના પરિવાર દ્વારા સાવિત્રીબહેનની ઓળખ કરવામાં આવી હતી.
ત્યારબાદ નારી ગૃહના સ્ટાફ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, અમદાવાદ દ્વારા સાવિત્રીબહેન અને નેહાને નેપાળ પરત મોકલવા માટે અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રીની મંજૂરી મેળવવામાં આવી હતી. મંજૂરી મળ્યા બાદ તા. 30/01/25ના રોજ અમદાવાદ પોલીસ કમિશ્નરશ્રીની મંજૂરીથી પોલીસ એસ્કોર્ટ મેળવી સાવિત્રીબહેન દ્વારા આપેલ સરનામે શાહપુર, ડુંડવા, નેપાલગંજ, નેપાળ ખાતેના સરનામે નારી સંરક્ષણ ગૃહનો સ્ટાફ સાવિત્રીબહેનના પુન:સ્થાપન અર્થે નીકળી ગયો હતો.
આ સમય દરમિયાન સાવિત્રીબહેનની દીકરી નેહા મહિપતરામ રૂપરામ આશ્રમ ખાતે સાર-સંભાળ હેઠળ હતી ત્યાંથી દીકરીને પણ લેવામાં આવી હતી. મહિપતરામ આશ્રમ, નારી સંરક્ષણ ગૃહના મેનેજર તથા જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી, અમદાવાદને સાથે રાખી દીકરી નેહા તથા સાવિત્રીબહેનને લઈ નારી સંરક્ષણ ગૃહનો સ્ટાફ તથા પોલીસ વિભાગનો સ્ટાફ પુન:સ્થાપન અર્થે આપેલ સરનામે જવા રવાના થઈ ગયા હતા.
નેપાળ ખાતે તા. 01/02/25ના રોજ સાંજે 05:00 કલાકે પહોંચ્યા બાદ ત્યાંના સમાજ સેવકોની મદદથી રૂપેરિયા પોલીસ સ્ટેશન પહોંચી પોલીસ સ્ટાફ દ્વારા સાવિત્રીબહેનના પરિવારજનો સાથે પુષ્ટિ કરવામાં આવી હતી અને પરિવાર સાથે સાવિત્રીબહેન અને દીકરી નેહાના પુન:સ્થાપનની કામગીરી સુલેહ અને શાંતિપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
નેપાળથી ભારત પહોંચી ગયેલા માનસિક રોગથી પીડિત એક ગર્ભવતી મહિલા ભારત દેશમાં સાજા થઈને પોતાના દેશમાં શાંતિપૂર્ણ અને સ્વસ્થ થઈને પહોંચવાની આ હૃદયસ્પર્શી ઘટના છે. સાવિત્રીબહેન અને તેમની દીકરી નેહાનું નારી સંરક્ષણ ગૃહ, ઓઢવ દ્વારા 1 વર્ષ અને 10 મહિના બાદ તેઓના પરિવાર સાથે પુન:સ્થાપન કરવામાં આવ્યું અને તેઓ ખુશી ખુશી પોતાના વતન પરત ફર્યા. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ ચાલતું નારી સંરક્ષણ ગૃહ આવી અનેક મહિલાઓની પડખે ઊભું રહી તેમને સહારો આપે છે. – શ્રદ્ધા ટીકેશ, અમદાવાદ પ્રાદેશિક માહિતી કચેરી