ઓફિસમાં પ્રવેશ્યા પછી જ લાઈટ, પંખો અને એ.સી.;ઑન કરવા અને બહાર નીકળતાં તરત ઑફ કરવાનો સંકલ્પ કરીએ : રાજ્યપાલ
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પર્યાવરણના જતન અને પ્રદૂષણ નિવારણ માટે વ્યક્તિગત વીજ વપરાશ ઘટાડવા આહવાન કર્યું છે. તેમણે કહ્યું છે કે, “ઓફિસમાં કામ કરતી હર કોઈ વ્યક્તિ સંકલ્પ કરે કે, હું ઓફિસમાં દાખલ થઈશ ત્યારે જ લાઈટ, પંખો કે એ.સી. ‘ઑન’ કરીશ અને ઓફિસની બહાર નીકળીશ કે તરત જ ‘ઑફ’ કરીશ.”
આવા એક નાનકડા નિયમથી આપણે વીજળીની મોટી બચત કરી શકીશું. આ રીતે વીજ ઉત્પાદન માટે વપરાતો કોલસો બચશે એટલું જ નહીં નિરર્થક વેડફાઈ જતી વીજળી કોઈ કારખાનામાં વાપરી શકાશે કે કોઈ કિસાનના ખેતર સુધી પહોંચશે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, “હું રાજભવનમાં આ નિયમનું પાલન કરું છું.” તેમણે કહ્યું કે, “ગુજરાતના રાજ્યપાલ તરીકે મને ત્રણ વર્ષ થયા. આ ત્રણ વર્ષનું તારણ નીકળ્યું છે કે, રાજભવનના વીજ બીલમાં ૫૦% નો ઘટાડો થયો છે. હું જ્યારે હિમાચલ પ્રદેશનો રાજ્યપાલ હતો ત્યારે ત્યાં પણ મેં વીજ બચત માટે આ નીતિ અપનાવી હતી, અને ચાર વર્ષમાં ૫૦ ટકા વીજળીની બચત કરી હતી.”
નગરો અને મહાનગરોમાં મધ્યરાત્રીના ૧૨.૦૦ વાગ્યા પછી પરોઢના ત્રણ કે ચાર વાગ્યા સુધી મુખ્ય માર્ગોની લાઇટ્સ બંધ કરવાથી પણ વીજળીની મોટી બચત થઈ શકે તેમ છે.
મધ્યરાત્રીના આ કલાકોમાં નગરો અને મહાનગરોના મુખ્ય માર્ગો પર ઓછામાં ઓછી અવરજવર હોય છે. એટલું જ નહીં, પૂનમની રાત્રીએ પણ નગરો અને મહાનગરોમાં મુખ્ય માર્ગોની લાઈટ્સ બંધ રાખવાથી વીજળીની મોટી બચત થશે અને પર્યાવરણને લાભ થશે. આ દિશામાં વિચારવા તેમણે અનુરોધ કર્યો હતો.
પ્રાકૃતિક સંપદાની જાળવણી આપણી જવાબદારી છે, એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, “રાજ્યપાલ તરીકે હું વાહનમાં બેસું તે પૂર્વે મારા વાહનચાલક કારનું એન્જિન ચાલુ કરીને એ.સી. ઑન કરી દેતા હતા. ડીઝલ-પેટ્રોલ જેવી પ્રાકૃતિક સંપદાના જતન માટે મેં આ પદ્ધતિ બંધ કરાવી. હવે હું કારમાં બેસું તે પછી જ એન્જિન અને એ.સી. ઑન થાય છે. આવી નાની નાની વસ્તુઓથી આપણે પર્યાવરણનો મોટો ફાયદો કરી શકીશું.” – હિરેન ભટ્ટ