Western Times News

Gujarati News

ગુજરાતમાં ઊર્જા સલામતી હાંસલ કરવા માટે ઓફશોર વિન્ડમાં રહેલી પ્રચંડ સંભાવના

પાર્ટનર NIIF સાથે પેપર ‘વિન્ડ્સ ઓફ ચેઇન્જ: લર્નિંગ ફોર ધ ઇન્ડિયન ઓફશોર વિન્ડ એનર્જી સેક્ટર ઇન ઇન્ડિયા’ લોંચ કર્યુઃ ‘સ્કેલિંગ ઓફશોર વિન્ડ એન્ડ રીન્યુએબલ એનર્જી, બિસાઇડ્સ સોલર ઇન ઇન્ડિયા’ પર સંવાદ શરૂ કર્યો

નવી દિલ્હી, વર્લ્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ (WRI)  ઇન્ડિયા અને નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફન્ડ(NIIF) એ આજે ભારતમાં સૌર ઊર્જાની જેમ ઝડપી ઓફશોર વિન્ડની સંભાવના ચકાસતું વર્કિંગ પેપર ‘વિન્ડ્સ ઓફ ચેઇન્જઃ લર્નિંગ્સ ફોર ધ ઇન્ડિયન ઓફશોર વિન્ડ એનર્જી સેક્ટર ઇન ઇન્ડિયા’ રજૂ કર્યું હતું. દેશમાં ઝડપથી બદલાઈ રહેલી ઊર્જા સ્થિતિ અંગે સંવાદ સાધવા નવી દિલ્હીમાં WRI દ્વારા આયોજિત બે દિવસનાં વાર્ષિક કાર્યક્રમ ‘એક્સિલરેટિંગ ક્લિન એનર્જી ઇન ઇન્ડિયા એટલે કે ACE 2022’નાં ભાગ રૂપે આ પેપર રજૂ કરવામાં આવ્યું હતું.

ઇજિપ્તમાં શર્મ-અલ-શેખ ખાતે યોજાનાર ‘યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેઇન્જ’ (જે COPનાં નામે લોકપ્રિય છે)નાં સપ્તાહો પહેલાં ઊર્જા ક્ષેત્રનાં અગ્રણીઓએ ACE 2022 ખાતે જળવાયુ પરિવર્તનને અંકુશમાં લાવવા અને ઊર્જા સલામતી હાંસલ કરવા અક્ષય ઊર્જામાં ભારતનો હિસ્સો વધારવા પર ભાર મૂક્યો હતો.

આ પ્રસંગે બોલતા સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના ચેરમેન ઘનશ્યામ પ્રસાદે જણાવ્યું હતું કે, “ભારતે ઊર્જા સંક્રમણ પર ફોકસ કરવાની સાથે સાથે ઊર્જા સલામતી, ઊર્જા સ્વતંત્રતા અને ગ્રાહકો દ્વારા ઊર્જા વિશ્વસનીયતા પર ભાર મૂકવો જોઇએ. ”

કાર્યક્રમ પહેલાં પ્રતિનિધિમંડળને આપવામાં આવેલા સંદેશામાં નવી અને અક્ષય ઊર્જા મંત્રાલયના અધિક સચિવ વંદના કુમાર (IAS)એ જણાવ્યું હતું કે, “ભારત આજે ઊર્જા સંક્રમણનાં આરે ઊભું છે. છેલ્લાં આઠ વર્ષમાં અક્ષય ઊર્જાની ક્ષમતા ત્રણ ગણી થઈ છે, જ્યારે સોલર ક્ષમતા 25 ગણી વધી છે. પણ આપણે સંતોષ માનીને બેસી નથી રહેવાનું. નિર્ધારિત નીતિઓ, કાર્યક્રમો, પ્રયત્નો અને માળખાકીય પરિવર્તનોને કારણે આપણે આ હાંસલ કર્યું છે.”

ACE 2022નું ફોકસ સૌર સિવાયની અક્ષય ઊર્જાની વૃધ્ધિ પર હતું. ઓફશોર વિન્ડ ટેકનોલોજીમાં તાજેતરનાં સુધારાઓ કારણે તે સસ્તી અને કદાચ મોટા ભાગની વૈશ્વિક વસતિ માટે પોષણક્ષમ બની શકે છે. ભારતમાં, ગુજરાત અને તામિલનાડુનાં દરિયાકાંઠા 70 GW (ગિગાવોટ) પવન ઊર્જા ક્ષમતા ધરાવે છે. વર્કિંગ પેપરમાં એ અંગેનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું કે, વિવિધ ટેકનોલોજી દ્વારા 2030 સુધીમાં  500 GW અક્ષય ઊર્જાનાં દેશનાં લક્ષ્યાંકને જોતાં ભારતના ઊર્જા સંક્રમણમાં પવન ઊર્જા કઈ રીતે મહત્વનૂ ભૂમિકા ભજવી શકે છે.

ગુજરાતમાં 36 GW ઓફશોર વિન્ડ કેપિસિટી છે અને તાજેતરનાં અભ્યાસ પ્રમાણે રાજ્યમાં વિકાસની જરૂર હોય તેવાં પોર્ટ્સને ઓળખી કાઢવામાં આવ્યા છે. ગુજરાતમાં ખંભાતના અખાતમાં એક ગિગાવોટ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારનાં ‘ઇન્ટ્રેસ્ટ લેટર’ને નબળો પ્રતિસાદ સાંપડવા માટે ઊંચા મૂડી ખર્ચનું કારણ ગણવામાં આવ્યું હતું, જ્યારે એ પણ હકીકત છે કે ઓફશોર વિન્ડ શક્ય બનાવવા માટે એન્ટ્રી પોર્ટ્સ પર અનુકુળ મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ચેઇન ઇકોસિસ્ટમ જરૂરી છે.

ઓફશોર વિન્ડ એનર્જી પર પેનલ ડિસ્કશનનાં સૂત્રધાર તરીકે WRI ઇન્ડિયાના સિનિયર મેનેજર, એનર્જી પ્રોગ્રામ અને વર્કિંગ પેપરનાં સહલેખક સુશ્રી કાજોલે જણાવ્યું હતું કે, “ઓફશોર વિન્ડ એનર્જીને કદનાં લાભ મળે તે માટે કોન્ટ્રાક્ટમાં નિશ્ચિતતા, સંભવિત ઓફશોર વિન્ડ પરચેઝ ઓબ્લિગેશન્સ અને સર્જનાત્મક ફાઇનાન્સિંગ મોડલ્સ જરૂરી છે. 2015ની નેશનલ ઓફશોર વિન્ડ એનર્જી પોલિસીમાં સુધારણા અને ફેરફાર આ સેક્ટર માટે પાયાનું કામ કરી શકે છે.”

મેકઆર્થર ફાઉન્ડેશન ઇન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર જર્નૈલ સિંઘે જણાવ્યું હતું કે, “વિશ્વનાં નબળા સમુદાયો આત્યંતિક હવામાનની ઘટનાઓનો સામનો કરી શકે તે સુનિશ્ચિત કરવા વૈશ્વિક દાતાઓ ફોકસ કરી રહ્યા છે. અમે તેનો સામનો કરવાનું શરૂ કરી દીધું છે અને જળવાયુ પરિવર્તનની અસર ઓછી કરવા સ્વચ્છ ઊર્જા તરફ પ્રયાણ કરવું જરૂરી છે. ભારતની નેતાગીરી એ સંક્રમણ હાંસલ કરી રહી છે, જે વૈશ્વિક અર્થતંત્ર અને સમાજ માટે નિઃશંકપણે દોરવણી કરશે.”

ACE ખાતેનાં અન્ય સેશન્સમાં ભારતનાં ઊર્જા સંક્રમણમાં રાજ્યોની અક્ષય ઊર્જા એજન્સીઓની ભૂમિકા સુધારવાનાં માર્ગો પર ચર્ચાનો સમાવેશ થાય છે. પેનલિસ્ટોએ અક્ષય ઊર્જા ક્ષેત્રનાં પ્રારંભિક દિવસો અને દાયકા પહેલાં રાજ્યોની નોડલ એજન્સીઓની સ્થાપના દ્વારા સરકારે ભજવેલી મહત્વની ભૂમિકાને યાદ કરી હતી. એ વખતે દેશભરમાં વિવિધ રીતે અક્ષય ઊર્જા ટેકનોલોજીને પ્રાયોગિક ધોરણે અમલી બનાવવામાં આવી હતી. તેમણે આ એજન્સીઓ ઝડપથી બદલાઈ રહેલાં અક્ષય ઊર્જા ક્ષેત્રની જરૂરિયાતોને પૂરી કરી શકે તે માટે ભૂમિકા અને ફોકસ બદલી શકે તેનાં પર પણ ભાર મૂક્યો હતો.

ACEના ઇતિહાસ અને હેતુને યાદ કરતા WRI ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ભારથ જયરાજે જણાવ્યું હતું કે, “વૈશ્વિક ઊર્જા સંક્રમણ પર હાલના અને ઊભરતા રિસર્ચ અને ભારત પર તેનાં સૂચિતાર્થોની ચર્ચા કરવાનાં હેતથી ACEની રચના કરવામાં આવી હતી. 2020 અને 2021નાં મહામારી વર્ષોમાં ગેરહાજરી બાદ ત્રીજી આવૃત્તિમાં WRI ઇન્ડિયા આ પ્રકારની વધુ ચર્ચા થાય તેમ ઇચ્છે છે જેથી એ સુનિશ્ચિત થાય કે ભારત કાર્બન ન્યુટ્રાલિટી, રીન્યુએબલ્સ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અંગે તેણે આપેલાં વચનોનું પાલન કરી શકે.”

ACE 2022 નાં બીજા દિવસે યોજાનારા સેશન્સમાં ડિસ્ટ્રીબ્યુટેડ રીન્યુએબલ એનર્જી (DRE) જેવાં રીન્યુએબલ્સ ટેકનોલોજીનાં નવાં સ્વરૂપો માટે અસરકારક ફાઇનાન્સ મોડલ, ડીપ ડાકાર્બનાઇઝ હેવી ઇન્ડસ્ટ્રીઝનાં માર્ગ અને ઇલેક્ટ્રિક વ્હિકલ્સ દ્વારા ઊર્જા માંગમાં સંભવિત વધારાને અસરકારક રીતે હાથ ધરવા માટે વીજ વિતરણ કંપનીઓ કઈ રીતે ટુલ્સનો ઉપયોગ કરી શકે જેવાં મુદ્દાઓનો સમાવેશ થાય છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.