Western Times News

Gujarati News

ટ્રમ્પની જાહેરાત બાદ ઓઈલની કિંમતમાં ઘટાડો

પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાની શક્યતા

(એજન્સી) નવી દિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ ત્રણ વર્ષથી ચાલી રહેલું યુદ્ધ હવે પૂરું થઈ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સમજૂતી ઈચ્છે છે અને આ માટે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ટ્રમ્પે કહ્યું છે કે, ‘હું આ મામલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પણ મળીશ.’ આ મુલાકાત સાઉદી અરબમાં થશે. એવામાં હવે રશિયા અને યુક્રેન વચ્ચે સંભવિત શાંતિ સમજૂતીના કારણે ક્રૂડ ઓઈલની કિંમતો ઘટી રહી છે.

ટ્રમ્પના ટેરિફની અસર ક્રૂડ ઓઈલની કિંમતો પર પણ પડી રહી છે. સોમવારે વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૨૦ સેન્ટ્‌સ અથવા ૦.૨% ઘટીને ૭૪.૫૯ ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વહીવટી અધિકારીઓએ યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે રશિયા સાથે વાતચીત શરૂ કરી ત્યારથી બ્રેન્ટ ક્રૂડના ભાવ ચાર સત્રોમાં ૩.૧% ઘટ્યા છે.તેમજ અમેરિકાનું વેસ્ટ ટેક્સાસ ક્રૂડ સોમવારે ૨૩ સેન્ટ અથવા ૦.૩% ઘટીને ઇં૭૦.૫૧ પ્રતિ બેરલ પર હતું.

ડબ્લ્યુટીઆઈ છેલ્લા ચાર સત્રોમાં ૩.૮% ઘટ્યું છે અને સોમવારે ઘટીને ૭૦.૧૨ ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે. ૩૦ ડિસેમ્બર પછી ડબલ્યુટીઆઈમાં આ સૌથી મોટો ઘટાડો છે. રોઇટર્સ અનુસાર, નિસાન સિક્યોરિટીઝના એકમ એનએસ ટ્રેડિંગના પ્રમુખ હિરોયુકી કિકુકાવાએ જણાવ્યું હતું કે, ‘રશિયા-યુક્રેન યુદ્ધવિરામ અને રશિયા પરના પ્રતિબંધો હળવા થવાની સંભાવના પર બજારો મંદી છે. ટ્રમ્પ જે ટેરિફ લાદી રહ્યા છે તેના કારણે મંદીની પણ સંભાવનાઓ છે. જેની અસર ક્રૂડ ઓઈલનાં ભાવ પર થઇ રહી છે.’

૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ, યુએસ અને યુરોપીય સંઘએ યુક્રેન સાથે યુદ્ધ શરૂ કરવા બદલ રશિયા પર સખત પ્રતિબંધો લાદ્યા હતા, જેમાં તેની ઓઈલની નિકાસને પણ અસર થઈ હતી. રશિયન ઓઈલ પરના પ્રતિબંધને કારણે, રશિયાના સમુદ્ર દ્વારા ઓઈલની સપ્લાય ઘણી ઓછી થઇ ગઈ હતી.

જાણો રશિયા અને યુક્રેનની શાંતિ સમજૂતીથી ભારતને શું ફાયદો થશે ભારત વિશ્વમાં ક્રૂડ ઓઈલનો ત્રીજો સૌથી મોટો ઉપભોક્તા છે અને તેની ૮૫%થી વધુ જરૂરિયાતો પૂરી કરવા માટે આયાત પર નિર્ભર છે. આથી રશિયા ભારતનું ટોચનું ક્રૂડ ઓઈલ સપ્લાયર હોવાથી રશિયા અને યુક્રેન વચ્ચેના શાંતિ કરારથી ભારતને ઘણો ફાયદો થવાનો છે.

એનર્જી કાર્ગો ટ્રેકિંગ ફર્મ વોર્ટેક્સા અનુસાર, ડિસેમ્બર ૨૦૨૪માં ભારતની કુલ ક્રૂડ ઓઈલની આયાતમાં રશિયન ઓઈલનો હિસ્સો ૩૧% હતો, જ્યારે નવેમ્બર ૨૦૨૪માં તે ૩૬% હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.