ધ્રાંગધ્રા-અમદાવાદ-કચ્છ બાયપાસ રોડ પર ઓઈલ ઢોળાતા વાહનો પલટી ગયા

સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા-અમદાવાદ-કચ્છ બાયપાસ રોડ પર ટેન્કરમાંથી ઓઈલ ઢોળાતા અનેક વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
વાહનો પલટી જવાના બનાવો પણ બન્યા હતા. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને એક તરફનો રસ્તો બંધ કરાવી બંદોબસ્ત ગોઠવ્યો હતો.ધ્રાંગધ્રા-અમદાવાદ-કચ્છ બાયપાસ રોડ પર મોડીસાંજે ઓઈલ ભરેલા ટેન્કરનો અચાનક પાછળથી વાલ્વ ખુલી જતા રસ્તા પર ઓઈલ ઢોળાઈ ગયું હતું.
જેના કારણે ત્યાંથી પસાર થતા અનેક વાહનચાલકોને મુશ્કેલી પડી હતી અને રસ્તા પર ઓઈલના કારણે વાહનો પલટી મારી જવાના બનાવો પણ બન્યા હતા. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પીટલ લઈ જવામાં આવ્યા હતા તેમજ બીજી બાજુ ટુ વે રસ્તા પર ટ્રાફિકજામ સર્જાતા વાહનોની લાંબી કતારો લાગી જવા પામી હતી.
ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી એક તરફનો રસ્તો બંધ કરાવી બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જો કે સદ્દનસીબે કોઈ જાનહાનિનો બનાવ બન્યો નહોતો.SS1MS