અકોલામાં પવન સાથે વરસાદ પડતાં જૂનું ઝાડ પડ્યું, ૭નાં મોત
અકોલા, મહારાષ્ટ્રના અકોલામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં રવિવારની મોડી સાંજે એક ભીષણ દુર્ઘટના સર્જાઈ હતી. અહીં પારસ ગામમાં વરસાદ બાદ એક ટીન શેડ પર લીમડાનું જૂનું ઝાડ પડી ગયુ હતુ. આ દુર્ઘટનામાં સાત લોકોનાં મોત નીપજ્યા છે અને ૪૦ લોકો ઘાયલ થયા છે.
અહીં એક ધાર્મિક સમારોહ યોજાયો હતો અને લોકો મંદિર પાસે એકત્ર થયા હતા. સત્તાવાર જાણકારી મુજબ, રવિવારની મોડી સાંજે અકોલામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે અહીં વરસાદ પડ્યો હતો. જેના કારણે એક જૂનું અને વિશાળ ઝાડ મંદિર પરિસરમાં બનાવવામાં આવેલા એક શેડ પર પડ્યું હતું. જૂનું ઝાડ પડતા અનેક લોકો આ શેડ નીચે ફસાઈ ગયા હતા.
આ દુર્ઘટનામાં સાત લોકોનાં મોત થયા હતા. બનાવની જાણ થતા બચાવકાર્ય શરુ કરવામાં આવ્યું હતું. આ ઘટના બાલાપુરમાં આવેલાં પારસ ગામમાં બની હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૪૦ લોકો ઘાયલ થયા છે. અકોલાના કલેક્ટર નીમા અરોરાએ જણાવ્યું કે, એક ધાર્મિક સમારોહ દરમિયાન લોકો મંદિર પાસે એકત્ર થયા હતા. એ સમયે ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો.
જેના કારણે જૂનું ઝાડ ટીન શેડ પર પડ્યું હતું. જેની નીચે લગભગ ૪૦થી પણ વધુ લોકો હતા. જિલ્લા અધિકારીએ જણાવ્યું કે, શેડની નીચે ૪૦થી પણ વધુ લોકો એકત્ર થયા હતા. જેમાંથી ૩૬ લોકો ઘાયલ થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ચાર લોકોનાં મોત નીપજ્યા હતા. એ પછી મૃત્યુઆંક વધ્યો હતો અને તે સાતે પહોંચ્યો હતો. એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે.
તો આ દુર્ઘટના બાદ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પોતાનો શોક વ્યક્ત કર્યો હતો. ડેપ્યુટી સીએમે કહ્યું કે, કેટલાંક ઘાયલ લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જે લોકોને સામાન્ય ઈજા પહોંચી છે તેઓની સારવાર બાલાપુરમાં ચાલી રહી છે.
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સીએમ રાહત કોષ અને રાજ્ય સરકાર દ્વારા પીડિતોના પરિવારને આર્થિક મદદ કરવાની જાહેરાત પણ કરી છે.SS1MS