Western Times News

Gujarati News

જુના વાડજ બસ સ્ટેન્ડથી કિરણ પાર્ક સુધી 24 મીટર નો રોડ બનાવવામાં આવશે.

(પ્રતિનિધિ) અમદાવાદ,   અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા 20-25 વર્ષ પહેલાં બનાવવામાં આવેલા રોડની પહોળાઈ હવે ઓછી લાગે છે. જેના કારણે નવા વિસ્તારોમાં ટી.પી.ખોલી રોડ બનાવવામાં આવી રહ્યા છે.

તેમજ જે વિસ્તારમાં એક- બે દાયકા અગાઉ રોડ બનાવવામાં આવ્યા છે ત્યાં રિડીપી નો અમલ કરવામાં આવી રહ્યો છે. શહેરના પશ્ચિમ ઝોનમાં આ જ રીતે રિડીપી નો અમલ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં 150 જેટલી મિલ્કતો ને નાની મોટી અસર થશે.

શહેરના જુના વાડજ AMTS બસ સ્ટેન્ડથી નવા વાડજ કિરણભાઈ સર્કલ થઈ વિજયનગર ક્રોસીંગ સુધીના રોડને 24 મીટરનો કરવામાં આવશે. હાલમાં બસ સ્ટેન્ડથી કિરણ પાર્ક સુધીનો રોડ નાનો અને અન- ઇવન છે. આ રોડ પર કાચા-પાકા મકાનો તેમજ દુકાનો આવેલી છે, જે તોડવામાં આવશે. કુલ 140  રહેણાંક અને 10  કોમર્શીયલ મિલ્કતોને જરૂરિયાત મુજબ તોડી પાડવામાં આવશે. જે લોકો ની મિલ્કતો ને અસર થશે તેમને યોગ્ય વળતર પણ આપવામાં આવશે.

જુના વાડજ સર્કલ પર અંડર બ્રિજ અને ઓવરબ્રિજ બની રહ્યા છે. આ પ્રોજેકટને પૂર્ણ થવામાં  સમય લાગી શકે તેમ છે. જેના કારણે વૈકલ્પિક રસ્તાની પણ આવશ્યતા રહેશે. તેથી જુના વાડજ બસ સ્ટેન્ડથી કિરણ પાર્ક સુધીના રોડને પહોળો કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. આ રોડ પર દૈનિક સરેરાશ 30થી 40 હજાર કરતાં વધારે વાહનો પસાર  થાય છે.

તેથી  ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લઇ વાડજની ટીપી 28 અને ટીપી 15 વચ્ચે આ રસ્તો 24.4 મીટરનો કરવા માટે મ્યુનિ. કોર્પોરેશન ઘ્વારા 4099 ચો.મી. જગ્યાને ખુલ્લી કરવામાં આવશે.આ રોડ ખોલવામાં આવશે ત્યારે રોડ લાઈનમાં જે જગ્યા પરના માલિકી પુરાવા હશે અને માલિક હશે તેમને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાણાંકીય વળતર, એફએસઆઇનો લાભ કે ટીડીઆરનો લાભ આપવામાં આવશે.

જુના વાડજ બસ સ્ટેન્ડથી કિરણપાર્ક તરફ જતાં ઓડનો ટેકરો, મોચી વાસ સહિતના રોડ પર આવેલા ગેરકાયદેસર કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.