જુની વીએસની મેટરનીટી બિલ્ડીંગનું 15 કરોડના જંગી ખર્ચે સમારકામ કરાશેઃ મેયર

(એજન્સી)અમદાવાદ, શહેરના વી.એસ. હોસ્પિટલમાં આવેલી ચીનુભાઈ પ્રસુતીગૃહ બિલ્ડીંગને હવે રીટ્રોફીટીગ કે રીપેરીગ કરવાના કામને વી.એસ. બોર્ડ દ્વારા મંજુરીની મહોર લગાવવામાં આવી છે.
નોધનીય છેકે જુની બિલ્ડીંગને અગાઉ જમીન દોસ્ત કરીને ત્યાં નવી બિલ્ડીંગ બનાવવા માટેની દરખાસ્ત હતી જોકે તેમાં ઉગ્ર વિરોધ થયા બાદ આ બિલ્ડીંગના રીટ્રોફીટીગની દરખાસ્તને મંજુર કરવામાં આવી છે. આ બિલ્ડીંગના રીટ્રીફીટીગ માટે અંદાજે રૂ.૧પ કરોડનો ખર્ચ થવાની શકયતા છે.
મેયર પ્રતીભા જૈનની અધ્યક્ષતામાં મળેલી વી.એસ. બોર્ડની બેઠકમાં ચીનુભાઈ પ્રસુતીગૃહ બિલ્ડીગના રીટ્રોફીટીગ માટેની દરખાસ્ત રજુ કરવામં આવી હતી. દરમ્યાન કમીટીના સભ્યો દ્વારા ચીનુભાઈ પ્રસુુતિગૃહ બિલ્ડીગની મુલાકાત પણ લેવામાં આવી હતી. અત્યંત જર્જરીત થઈ ગઈ હોવાથી આ બિલ્ડીંગને રીટ્રોફીટીગ કે રીનોવેશન માટેની મંજુરી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
તે માટે સ્ટ્રકચરલ એન્જીનીયરીગ નિમણુંક કરવામાં આવી છે. જેને કુલ ખર્ચના ૦.૯૦ ટકા જેટલી રકમ ચુકવવામાં આવશે. ઉલ્લેખનીય છેકે અગાઉ આ બિલ્ડીંગને તોડી પાડી ત્યાં એસવીપીમાં જવા માટેનો રસ્તો બનાવવાનો પ્લાન તૈયાર કરાયો હતો.
જોકે તે સમયે આ બિલ્ડીંગ તોડવાનો વિરોધ થયો હતો. પરીણામે તે સમયે આ કામગીરી થઈ શકી ન હતી. દરમ્યાન ફરી એક વખત રીટ્રોફીટીગના નામે આ બિલ્ડીંગને જમીનદોસ્ત ન કરી દેવામાં આવે તે માટે પણ કેટલાક લોકો દ્વારા આશંકા વ્યકત કરવામાં આવી છે.