જૂની પેન્શન યોજના સંદર્ભે ગુજરાત સરકારે લીધેલ મહત્વપૂર્ણ નિર્ણયને ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વધાવવામાં આવ્યો
(તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં શિક્ષકો સહિત અન્ય કર્મચારીઓએ ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી આનંદ વ્યક્ત કર્યો.)
ગાંધીનગર ખાતે ગતરોજ યોજાયેલ કેબિનેટ બેઠકમાં 1 એપ્રિલ 2005 પહેલાં નિમણૂક પામેલ વિવિધ સંવર્ગનાં ફિક્સ પગારનાં કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનો સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ છે.
રાજ્યનાં કર્મચારીઓનાં હિતમાં ગુજરાત સરકારે લીધેલ આ મહત્વપૂર્ણ નિર્ણયને વધાવવા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે દરેક તાલુકા ઘટક સંઘને સંદેશ પાઠવેલ છે. જે સંદર્ભે આજરોજ ઢળતી સંધ્યાએ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલનાં નેજા હેઠળ તાલુકા પંચાયત કચેરી ખાતે ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કરવાનો તથા સરકારશ્રીનો આભાર વ્યક્ત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ જણાવ્યું હતું કે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલ પાંચ મંત્રીઓ સાથેની કેબિનેટ બેઠકમાં ગુજરાતનાં 2005 પહેલાનાં કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેને ગુજરાત રાજય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજય સંયુક્ત મોરચા સહિત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આવકારે છે.
આ તકે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારશ્રીનાં આ નિર્ણયથી ઓલપાડ તાલુકાનાં 126 શિક્ષક ભાઈ-બહેનોને લાભ થવા જઈ રહ્યો છે જે ખૂબજ આનંદની વાત છે.
અત્રેનાં કેમ્પસમાં તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર અને હોદેદારો સહિત મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ-બહેનો ઉપરાંત અન્ય કર્મચારીઓએ ઉત્સાહભેર ઉપસ્થિત રહીને ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી આનંદ વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.