OLX પર બાઈકના ફોટા બતાવી ૫૦,૨૭૯ રૂપિયાનુ ગુગલ પે ઓનલાઈન પેમેન્ટ કરાવી યુવક સાથે છેતરપિંડી
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડિયાના ઉમલ્લાના યુવકને ઓએલએક્ષ પર કેટીએમ બાઈકના ફોટા બતાવી ૫૦,૨૭૯ રૂપિયાનુ ગુગલ પે ઓનલાઈન પેમેન્ટ કરાવી યુવકને બાઈક નહીં આપી છેતરપિંડી કરી છે.ભોગ બનનાર યુવકે ઉમલ્લા પોલીસ મથકમાં ઓનલાઈન મોબાઈલ નંબર તથા ગુગલ પે એકાઉન્ટ નંબર સાથે ફરિયાદ નોંધાવી છે.
ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામના બાપજી ફળિયામાં રહેતો વિશાલ મોતીભાઈ વસાવા ઉમલ્લા નજીકની આર.પી.એલ કંપનીમાં કોન્ટ્રાક્ટ માં કામ કરે છે.ગત જાન્યુઆરી માસમાં વિશાલે તેના મોબાઇલ પર ઓએલએક્ષ એપ્લિકેશન ખોલીને જોતા તેમાં એક કેટીએમ બાઈક વેચાણ કરવા માટે મૂકી હતી, જેનો આરટીઓ રજિસ્ટ્રેશન સુરતનું હતું.
વિશાલને આ બાઈક પસંદ પડતા તેણે તેના માલિકના મોબાઈલ નંબર પર સંપર્ક કર્યો હતો.ઓએલએક્ષ પર બાઈક વેચવા મૂકેલી ઈસમે તેની ઓળખાણ ભારતીય સેનામાં સૈનિક તરીકે નોકરી કરે છે તેમ જણાવતાં વિશાલ તેના વિશ્વાસમાં આવી ગયો હતો.
બાઇક સુરત એરપોર્ટ ઉપર છે અને વિશાલના ફોટા તેમજ આધારકાર્ડ ગાડી ટ્રાન્સફર કરવા માટે માંગ્યા હતા જે તેણે તેના વોટ્સએપ નંબર પર મોકલી આપ્યા હતા, ત્યારબાદ ઠગે વિશાલને ઓનલાઈન પેમેન્ટ માટે ફેસલખાન નામના ઈસમનો ગુગલ પે એકાઉન્ટ નંબર આપી ઓનલાઇન પેમેન્ટ માટે જણાવ્યું હતું. જેથી વિશાલે અલગ અલગ દિવસે પાંચ વખત ગુગલ પે દ્વારા તેના મિત્ર ગોવિંદભાઈ ના મોબાઇલ પરથી રૂપિયા ૫૦,૨૭૯ ટ્રાન્સફર કર્યા હતા.
ઓનલાઇન પેમેન્ટ કર્યા બાદ પણ વિશાલને તેની પસંદ કરેલ બાઈક ભારતીય સૈનિકની ઓળખાણ આપનાર ઠગે આપી ન હતી, જેથી વિશાલે તેનો કોન્ટેક કરતાં તેની તેનો સંપર્ક થયો ન હતો.જેથી તેને એમ લાગ્યું હતું કે તેની સાથે ઓનલાઈન ચેટિંગ થયેલ છે.વિશાલે ભરૂચ સાયબર સેલમાં ગત ફેબ્રુઆરી માસમાં ઓનલાઈન ફરિયાદ કરી હતી પરંતુ હજુ સુધી તેનો કોઈ નિકાલ નહી આવતા ગત રોજ વિશાલ મોતીભાઈ વસાવાએ તેની સાથે ઓનલાઈન ઠગાઈ કરનાર અને ભારતીય સૈનિક ની ઓળખાણ આપનાર ઈસમ વિરૂદ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.