૧૯ નવેમ્બરે દેશની બેંકોનું હડતાળનું એલાન, બેન્કિંગ સેવા ખોરવાશે
નવી દિલ્હી, જાે તમારી પાસે ૧૯મી નવેમ્બર એટલે કે, શનિવારના રોજ બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો તે કામ થોડા દિવસ પહેલા જ પતાવી લેજાે. કારણ કે, આ દિવસે દેશભરની બેંકો બંધ રહી શકે છે. વાસ્તવમાં, ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (એઆઈબીઈએ)નું કહેવું છે કે, ૧૯ નવેમ્બરે દેશભરમાં બેંક હડતાળ થશે. જેના કારણે, આગામી સપ્તાહે દેશભરની બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, ૧૯ નવેમ્બરે ત્રીજાે શનિવાર છે. જ્યારે તમામ બેંકો પ્રથમ અને ત્રીજા શનિવારે ખુલ્લી રહે છે.
સોમવારે એક નિયમનકારી ફાઈલિંગમાં, બેંક ઓફ બરોડા (બીઓબી) એ જણાવ્યું હતું કે, ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ યુનિયનના જનરલ સેક્રેટરીએ ઈન્ડિયન બેંક્સ એસોસિએશનને હડતાલની નોટિસ આપી છે. જેમાં જણાવ્યું છે કે, તેમના સભ્યો તેમની માંગણીઓ માટે ૧૯ નવેમ્બરના રોજ હડતાળ પર ગયા હતા. ત્યારે બેંકે જણાવ્યું હતું કે, બેંક હડતાળના દિવસોમાં બેંકની શાખાઓ અને કાર્યાલયોની કામગીરી સારી રીતે ચાલે તે માટે જરૂરી પગલાં લઈ રહી છે.
પરંતુ હડતાળના સંજાેગોમાં શાખાઓ અને કચેરીઓના કામકાજને અસર થઈ શકે છે. આ સાથે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ૧૯ નવેમ્બરે હડતાળના કારણે એટીએમ સેવાઓ પણ પ્રભાવિત થઈ શકે છે. તેથી, તમારા માટે મહત્વપૂર્ણ છે કે, ૧૯ તારીખે જે બેંક સંબંધિત કામ પતાવવું છે તે થોડા દિવસ પહેલા જ પતાવી લેવું જાેઈએ.
જેથી તમારા બેંક સંબંધિત કોઈપણ કામમાં અડચણ ન આવે. તમને જણાવી દઈએ કે, આજે નાનક જયંતિ/કાર્તિક પૂર્ણિમા/રહસ પૂર્ણિમાના કારણે આઈઝોલ, કાનપુર, કોલકાતા, ચંદીગઢ, જમ્મુ, જયપુર, દેહરાદૂન, નવી દિલ્હી, નાગપુર, બેલાપુર, ભુવનેશ્વરમાં બેંકો બંધ છે.