પોષી પૂનમે શામળાજી મંદિર પ્રજાના પ્રતિનિધિથી છલકાયું
પ્રતિનિધિ.મોડાસા. ગુજરાતના પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પોષ સુદ પૂનમ મનાવવામાં આવી હતી. અસહ્ય ઠંડી વચ્ચે વહેલી સવારે ભકતોની ભીડમાં આંશીક ઘટાડો જાેવા મળી રહ્યો હતો. પરંતુ દિવસ ઉગતાની સાથે સવારની ૮-૩૦ વાગ્યાની શણગાર આરતીમાં ભકતોની ભીડ જામી ગઇ હતી. જે અવિરતપણે ચાલુ રહી હતી. ભગવાન કાળીયા ઠાકરજીના દર્શન કરી હજારો ભકતોએ ધન્યતા અનુભવવાની સાથે માનતાઓ પુરી કરી હતી.
મોડાસાના ધારાસભ્ય અને મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર, ભીલોડાના ધારાસભ્ય શ્રી પી.સી. બરંડા, માજી મંત્રીશ્રી અને દીવના વહીવટદાર શ્રી પ્રફુલ પટેલ, ધારાસભ્ય શ્રી વી.ડી.ઝાલા સહિતના રાજકારણીઓએ પણ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
પૂનમ પ્રસંગે આસપાસના વિસ્તારમાંથી કેટલાક ભકતો પદયાત્રાએ આવી ઠાકરજીની પૂનમ ભરી હતી. જ્યારે તાજેતરમાં સંપન્ન થયેલ ચૂંટણીઓમાં વિજેતા બનેલા કેટલાક ધારાસભ્યોએ ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવી ભગવાનનો આભાર માન્યો. હજારો ભકતોએ વાજતે-ગાજતે મંદિરે ધજા ચઢાવી પોતાની માનતાઓ પુરી કરી હતી. બીજી બાજુ દિવસ દરમિયાન દરપૂનમે ભરાતો પૂનમનો મેળો પણ ભરાયો હતો. જેમાં પણ હજારો આદિવાસી યુવક-યુવતીઓએ યાત્રાધામ ખાતે આવી ભગવાનના દર્શનની સાથે મેળાની મજા માણી હતી.