Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લામાં નેનો ફર્ટિલાઇઝરની ખરીદી પર રૂ. ૨.૨૫ કરોડ જેટલી માતબર સહાય ચૂકવાશે

પ્રતિકાત્મક

નેનો ફર્ટિલાઇઝર ખેડૂતોનો સાચો સાથી પુરવાર થશે-ખેતી ખર્ચમાં ઘટાડો કરવા તેમજ પર્યાવરણની જાળવણી માટે નેનો ફર્ટિલાઇઝર ઉત્તમ

અમદાવાદ જિલ્લાના ખેડૂતો ખાતર વિતરણ કરતી તમામ સહકારી સંસ્થાઓ કે ખાતર ડેપો પરથી લાભ મેળવી શકશે

નેનો યુરિયા (પ્રવાહી)  એ ભારત સરકારના ફર્ટિલાઇઝર કન્ટ્રોલ ઓર્ડર (FCO) દ્વારા સૂચિત વિશ્વનું પ્રથમ નેનો ખાતર છે.  જેના થકી,  છોડને નાઇટ્રોજન કે  ફોસ્ફરસ જેવાં તત્ત્વો પ્રવાહી સ્વરૂપમાં સીધા છોડને ઉપલબ્ધ કરાવી શકાશે.  નેનો ફર્ટિલાઇઝર પોષક તત્ત્વોથી સમૃદ્ધ, જમીન, પાણી અને હવાના પ્રદૂષણને ઘટાડવામાં સમર્થ છે. તેમજ ગ્લોબલ વોર્મિંગ ઘટાડવામાં પણ તે ખૂબ ફાયદાકારક નીવડશે. ખેતીમાં યુરિયાના આડેધડ ઉપયોગથી બચવા માટેની ગંભીર સમસ્યાથી છૂટકારો મેળવવા માટે પણ નેનો ફર્ટિલાઇઝર  દરેક તબકકે વરદાન સાબિત થશે.

નેનો ફર્ટિલાઇઝરનો પરિવહન અને જાળવણી ખર્ચ પણ ઓછો છે. સ્પ્રેના કારણે, આ યુરિયા તેમજ ડીએપીનો સંતુલિત ઉપયોગ થાય છે, જે પર્યાવરણ માટે સારું છે. નેનો ફર્ટિલાઇઝરના સંતુલિત ઉપયોગને કારણે છોડમાં રોગો અને જીવાતોનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે તેમજ તેનો ઉપયોગ અનાજ, કઠોળ, શાકભાજી, ફળ, ફૂલ અન્ય સહિત તમામ પાકોમાં ઉપયોગ કરી શકાય છે.

નેનો યુરિયા પ્રવાહીનો ઉપયોગ ર-૪ મી.લી પ્રતિ લીટર અથવા ૨૫૦ મી.લી પ્રતિ એકર પ્રતિ સ્પ્રે મુજબ ઉપયોગ કરી શકાય છે તથા ખેતી પાકોમાં નેનો ફર્ટિલાઇઝરના બે ફોલીઅર સ્પ્રે કરવાની ભલામણ કરવામાં આવી છે, જેમાં પ્રથમ સ્પ્રે વાવેતરના ૩૦-૩૫ દિવસે તથા બીજો સ્પ્રે પ્રથમ સ્પ્રે બાદ ૨૦-૨૫ દિવસે કરવાની ભલામણ કરવામાં આવી છે તથા નેનો ડીએપીની પ્રતિ કિલો બીજ માટે ૩.૫ મીલી મુજબ બીજ માવજત આપી શકાય છે.

નેનો યુરિયા ખેડૂતોને રૂ. ૨૨૫ રૂપિયા પ્રતિ બોટલ તથા નેનો ડીએપી રૂ. ૬૦૦ પ્રતિ બોટલના ભાવે ઉપલબ્ધ થશે. જે, પરંપરાગત યુરિયાની બેગ કરતાં ૧૦ ટકા તથા ડીએપી બેગ કરતાં ૫૦ ટકા ઓછી કિંમતે ઉપલબ્ધ થશે. આથી ખેડૂતો દ્વારા ખેતી પાછળ કરવામાં આવતા  ખાતર ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો કરી શકાશે. વધુમાં રાજ્ય સરકાર દ્વારા એ.જી.આર- ૨ યોજનામાં તમામ ખેડૂતોને કુલ કિંમતના ૫૦ ટકા લેખે,

પ્રતિ હેકટર રૂ ૭૫૦/- ની મર્યાદામાં વધુમાં વધુ ૪ હેકટર માટે રૂ. ૩૦૦૦/- ની મર્યાદામાં નેનો ફર્ટિલાઇઝરની ખરીદી પર સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલ છે. અમદાવાદ જિલ્લાના ખેડૂતો નેનો ફર્ટિલાઇઝર સહાયથી મેળવવા માટે જિલ્લામાં ખાતર વિતરણ કરતી તમામ સહકારી સંસ્થાઓ અથવા ખાતર ડેપો પર જઇ, ૮-અ, આધાર કાર્ડ રજૂ કર્યેથી મેળવી શકશે. આમ, આ યોજનામાં અમદાવાદ જિલ્લાના અંદાજિત ૭૫૦૫ ખેડૂતોને ૨.૨૫ કરોડ જેટલી સહાય ચૂકવવામાં આવશે અને જેના થકી ૩૦૦૨૦ હેકટર વિસ્તાર આવરી શકાશે, એવું ખેતી વિભાગની યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.