મહાશિવરાત્રીના પાવન પર્વ પર સોમનાથના સમુદ્ર કિનારે થશે પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન
સોમનાથ, મહાશિવરાત્રીના પાવન પર્વ પર શિવભક્તો મહાદેવની વિવિધ પ્રકારે આરાધના કરતા હોય છે. વિશેષ રૂપે જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં શિવ પૂજન નું શાસ્ત્રમાં અનેરૂ મહાત્મય વર્ણવવામાં આવ્યું છે. ત્યારે આગામી ૧૮ ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના પાવન પર્વે ભક્તો સોમનાથના ચરણોમાં રત્નાકર સમુદ્રના તટ ઉપર પાર્થિવ લિંગ ની પૂજા કરી શકે તેવો ઉત્તમ કાર્યક્રમ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
આપણા શાસ્ત્રો અનુસાર, આવી જ પાર્થિવેશ્વર પૂજા ભગવાન શ્રી રામ અને માતા સીતા દ્વારા ગંગા પાર કરતી વખતે કરવામાં આવી હતી. તેમજ પાંડવ પુત્ર અર્જુને ભગવાન શિવના પાર્થિવ લિંગની પૂજા કરી હોવાનો ઉલ્લેખ છે. આ રીતે શિવના પાર્થિવ લિંગની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તેની શાસ્ત્રો સાબિતી આપે છે. શાસ્ત્રોકત નીતિ નિયમ અનુસાર આમંત્રણ આપેલી પવિત્ર ભૂમિમાંથી ખનન કરીને મંત્રોચ્ચાર સાથે નિર્માણ કરાયેલ શિવજીના પાર્થિવેશ્વર શિવલિંગ, પૂજા સામગ્રી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભકતોને આપવામાં આવશે.
મહાશિવરાત્રી ના પર્વે સવારે ૧૦ થી ૧૧ વાગ્યે સોમનાથ મંદિર પરિસર નજીક પ્રમોનેડ વોક-વે પર મારુતિ બીચ ખાતે આ વિશેષ પૂજા નું સુંદર આયોજન થનાર છે ત્યારે આ પૂજામાં સીમિત સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લઈ શકે તેમ હોય વહેલા તે પહેલા ના ધોરણે સોમનાથ મંદિર ખાતે પૂજા નોંધાવાની રહેશે.