Western Times News

Gujarati News

વસંત પંચમીના દિવસે ૨.૩૩ કરોડ શ્રદ્ધાળુઓએ અમૃત સ્નાનનો લાભ લીધો

મહાકુંભનગર, દેશ-વિદેશમાંથી આવેલા કરોડો શ્રદ્ધાળુઓએ વસંત પંચમીના પાવન દિવસે મહાકુંભમાં યોજાયેલાં ત્રીજા ‘અમૃત સ્નાન’નો અમૂલ્ય લ્હાવો લીધો હતો. વહેલી સવારે વિવિધ અખાડાઓના રાખ લગાવેલા નાગા સાધુ સહિત સંતો-સાધુઓએ ત્રિવેણી સંગમ તરફ પ્રયાણ શરૂ કર્યું અને સંગમમાં સ્નાન કર્યું હતું.

એક અંદાજ પ્રમાણે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૨.૩૩ કરોડથી વધુ લોકોએ ગંગા, યમુના અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમમાં આસ્થાની ડુબકી લગાવી હતી.

ગત સપ્તાહે મૌની અમાવસ્યા દરમિયાન યોજાયેલાં ‘અમૃત સ્નાન’ દરમિયાન થયેલી નાસભાગમાં ૩૦ જેટલાં લોકોના મૃત્યુને પગલે આ વખતે સ્થાનિક પ્રશાસન દ્વારા ભીડના નિયંત્રણ માટે ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સમગ્ર વ્યવસ્થા પર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી સીધી નજર રાખી રહ્યાં હતાં.

મહાકુંભમાં વ્યવસ્થાપનની જવાબદારી સંભાળી રહેલાં અધિકારીઓના જણાવ્યાં અનુસાર, મુખ્યમંત્રી યોગીએ લખનૌમાં આવેલાં તેમના સત્તાવાર નિવાસસ્થાનેથી વહેલી સવારે ૩.૩૦ કલાકથી જ સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ શરૂ કરી દીધું હતું.

મહાકુંભના ડીઆઈજી વૈભવ કૃષ્ણએ જણાવ્યું હતું કે, ગત ૨૯મી જાન્યુઆરીએ સર્જાયેલી અવ્યવસ્થાનું પુનરાવર્તન ના થાય તે માટે ભીડના નિયંત્રણ માટે તમામ મહત્વના સ્થળોએ પોલીસદળના વધારાના જવાનોને તૈનાત કરવામાં આવ્યાં હતાં. એટલું જ નહીં તેમણે સમગ્ર મેળા વિસ્તારમાં પેટ્રોલિંગ પણ કર્યું હતું.

ઉત્તરપ્રદેશ સરકારના જણાવ્યાં અનુસાર, સાંજે છ વાગ્યા સુધીમાં આશરે ૨.૩૩ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ અમૃત સ્નાનનો લાભ લીધો હતો. આ આંકડો પાંચ કરોડે પહોંચવાની સંભાવના છે. મહાકુંભમાં પવિત્ર સ્નાન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી ફેબ્રુઆરીએ પ્રયાગરાજ જશે. આ માટે પ્રોટોકોલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ ખૂબ ટૂંકો કરવામાં આવ્યો છે.

આ અંતર્ગત પીએમ મોદી હવે ફક્ત એક કલાક જ પ્રયાગરાજમાં રહેશે. આ દરમિયાન એ સંગમ સ્નાન અને ગંગા પૂજન કરશે. આ સિવાય પહેલાથી નક્કી કરાયેલા કાર્યક્રમો થશે નહીં.

વડાપ્રધાનના કાર્યક્રમને જોતા જ તેમની ટુકડીએ સોમવારે રિહર્સલ પણ કર્યું. પીએમ મોદીના આગમન પહેલા મંગળવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પ્રયાગરાજ આવી રહ્યા છે. એ ભૂતાનના રાજાની સાથે સંગમ સ્નાન માટે પહોંચી રહ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે આ દરમિયાન યોગી પીએમ મોદીના કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરશે.

પીએમ મોદી પાંચમી ફેબ્રુઆરીએ સવારે ૧૦ કલાકની આસપાસ પ્રયાગરાજ પહોંચશે. બમરોલી એરપોર્ટથી ડીપીએસ હેલીપેડ અને ત્યાંથી નિષાદરાજ ક્‰જથી વીઆઈપી જેટી પહોંચશે. આ અંગે મહાકુંભ મેળના અધિકારીઓનું કહેવું છે કે નવા પ્રસ્તાવિત કાર્યક્રમમાં પહેલાંના કાર્યક્રમ નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.