ભરૂચ જીલ્લામાં વિજયાદશમીના દિવસે જવારા વિસર્જન યાત્રા કાઢી નર્મદા નદીમાં વિસર્જન કરાયા
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ શહેર અને જીલ્લામાં માં જગદંબાની આરાધનાનો પર્વ આસો નવરાત્રિની નવ દિવસ ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કર્યા બાદ અંતિમ દિવસે વિજયા દશમીએ માતાજીના મંદિરો અને ઘરમાં નવ દિવસ માટે સ્થાપના કરેલ જવારાની ભવ્ય વિસર્જન યાત્રા સાથે નર્મદા નદીના ઘાટ ઉપર પહોંચી જવારાનું વિસર્જન કરી આસો નવરાત્રીનું સમાપન કર્યું હતું અને ભક્તોએ પણ જવાળાનું વિસર્જન કરી માતાજીની આરાધના કરી હતી.તો બીજી તરફ તવરા ગામે પણ પાંચ દેવી મંદિરેથી ભવ્ય જવારાની વિસર્જન યાત્રા નીકળી હતી.
માં જગદંબાની આરાધનાનો પર્વ એટલે આસો નવરાત્રી.ભક્તો નવરાત્રીની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કર્યા બાદ કેટલાય ભક્તોએ નવ દિવસ માતાજીની આરાધના કરવા માટે જવારાનું સ્થાપન કર્યું હતું અને નવ દિવસ એક ટાણું અથવા તો નકોરા ઉપવાસ કરી માતાજીની આરાધનામાં લીન બન્યા હતા અને નવ દિવસ માતાજીની ભક્તિ ભાવપૂર્વક પૂજા અર્ચના કરવા સાથે માં જગદંબાની આરાધના કરવા માટે ગરબે પણ ગુમ્યા હતા અને નવ દિવસ સુધી માતાજીની ભક્તિ ભાવપૂર્વક ભક્તિ કરી હતી આસો નવરાત્રિના નવ દિવસ બાદ વિજયા દશમીએ સવારથી જ ભરૂચ શહેરમાં વિવિધ વિસ્તારોમાંથી જવારા સાથે ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી અને ભક્તો પણ જુમી ઉઠ્યા હતા.
ભરૂચના મકતમપુર ખાતે જવારા વિસર્જન યાત્રા નીકળી હતી જે પોસ્ટ ફળિયા થઈ નર્મદા નદીના ઘાટ સુધી પહોંચી હતી.પરંતુ નર્મદા નદીના ઘાટ ઉપર તંત્રની લાપરવાહીના કારણે છેલ્લા ઘણા સમયથી લોકો જાેખમી રીતે નર્મદા નદીના ઘાટમાં નીચે દોરડાના સહારે ઉતરીને વિસર્જન કરી રહ્યા છે.પરંતુ તંત્ર નર્મદા નદીના ઘાટ ઉપર નદીના વહેણ સુધી જઈ શકાય તેવી કોઈ સુવિધા કરવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે.
આજે પણ સવારથી જ લોકોએ મકતમપુરના નર્મદા નદીના ઘાટ ઉપર જાેખમી રીતે નદીના ઘાટ સુધી નીચે ઉતરી જવારાનું વિસર્જન કરી આસો નવરાત્રીનું સમાપન કર્યું હતું. તો બીજી તરફ ભરૂચ તાલુકાના જુના તવરા ગામે પાંચ દેવી મંદિરે આહીર સમાજ દ્વારા નવરાત્રીના નવ દિવસ માતાજીના જવારાનું પૂજન કર્યા બાદ દશેરાના દિવસે નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.
આહિર સમાજ દ્વારા નવરાત્રીના નવ દિવસ માતાજીની આરાધના કરવામાં આવે છે અને આધ્યશક્તિ કુળદેવી માતાજીના જવારા આસો નવરાત્રીના પ્રથમ નોરતે વિધિપૂર્વક સ્થાપન કરવામાં આવ્યું હતું. ધામધૂમથી ઢોલ નગારાના તાલે નર્મદા નદીમાં જવારાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.વિસર્જન યાત્રામાં આખું ગામ જાેડાયું હતું.