ગુજરાત વિધાનસભા ખાતે પૂજ્ય ગાંધી બાપુની જન્મજયંતી નિમિત્તે સ્મરણાંજલિ અપાઈ
વિધાનસભાના ઇન્ચાર્જ સચિવશ્રી સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને નગરજનોએ પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પિત કરી
રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની આજે તા. ૦૨ ઓક્ટોબર જન્મજયંતી નીમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ શ્રી ચેતન પંડ્યાએ પૂજ્ય બાપુની પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ અવસરે વિધાનસભાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નગરજનો એ પણ પૂજ્ય મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ આપી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
સત્ય, અહિંસા અને સત્યાગ્રહ નો માર્ગ ચિંધી સમગ્ર વિશ્વને પ્રેરણા આપનારા પૂજ્ય બાપુની જન્મજયંતીની ગુજરાત સહિત દેશભરમાં ઉજવણી કરાઇ હતી. પૂજ્ય મહાત્મા ગાંધી સ્વચ્છતાના આગ્રહી હતા. ગાંધીજીના વિચારો અને મૂલ્યોને કંડારીને દીર્ઘ દ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂજ્ય બાપુની 150મી જન્મ જયંતી નિમિતે સમગ્ર દેશમાં સ્વચ્છતાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કર્યું હતું.
જેમાં જાહેર સ્થળો સ્વચ્છ અને સુઘડ રહે તે માટે ‘સ્વચ્છતા હી સેવા‘ જન અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૪‘ અભિયાનની તા.૧૭ સપ્ટેમ્બર થી ૩૧ ઓકટોબર ૨૦૨૪ દરમિયાન ઉજવણી થઈ રહી છે.