વિધિના બહાને કિન્નરે મહિલા સાથે 22 હજારની છેતરપિંડી કરી
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાં વિધિ કરવાના બહાને કિન્નર એક પરિવાર પાસેથી એક જાેડી કપડાં અને ૨૨,૩૨૧ રૂપિયા લઇ ફરાર થઇ જતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. તમે બહુચરાજી માતાના ભગત છો અને ભક્તિમય વિચારો ધરાવો છો એટલે હું તમારા ઘરે આવ્યો છું,
મને માતાજીએ તમારા ઘરે મોકલ્યો છે, મારે તમારા ત્યાં એક વિધિ કરવી છે, જેનાથી તમારી બધી જ તકલીફ દૂર થઈ જશે તેમ કહી એક પરિવારને વિશ્વાસમાં લીધો હતો. વિશ્વાસમાં આવી જતાં પરિવારે કિન્નરને ઘરે બોલાવ્યા હતા. જ્યાં વિધિ કરવાના બહાને તેણે ચીટિંગ આચર્યું છે.
અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા આશ્રય એપાર્ટમેન્ટમાં રહેતા પ્રજ્ઞેશ રામીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં એક કિન્નર વિરુદ્ધ ચીટિંગની ફરિયાદ કરી છે. પ્રજ્ઞેશ રામી મૂળ મહેસાણા જિલ્લાના પિલવાઇ ગામના રહેવાસી છે. છેલ્લા ઘણા સમયથી પ્રજ્ઞેશ તેમનાં પત્ની, દીકરા ખુશાલ અને દીકરી બંસરી સાથે ન્યૂ રાણીપમાં રહે છે.
ગઈ કાલે સવારે પ્રજ્ઞેશ પત્ની ધારા અને દીકરા ખુશાલ સાથે ઘરે હાજર હતા ત્યારે એક કિન્નર દરવાજા પાસે આવીને ઊભા હતા. કિન્નરને જાેતાંની સાથે જ પ્રજ્ઞેશ તેમની પાસે ગયા હતા. પ્રજ્ઞેશના ઘરની બહાર બહુચર માતાનો ફોટોગ્રાફ્સ લગાવેલો હતો, જે જાેઇ કિન્નરે તેની સાથે ચીટિંગ કરવાનો પ્લાન બનાવી લીધો હતો.
કિન્નરે પ્રજ્ઞેશને કહ્યું હતું કે, તમે બહુચરાજી માતાના ભગત છો અને ભક્તિમય વિચારો ધરાવો છો એટલે હું તમારા ઘરે આવ્યો છું, મને માતાજીએ તમારા ઘરે મોકલ્યો છે, મારે તમારા ત્યાં એક વિધિ કરવી છે, જેનાથી તમારી બધી જ તકલીફ દૂર થઇ જશે. માતાજીનું નામ આપતાંની સાથે જ પ્રજ્ઞેશને તેના ઉપર વિશ્વાસ આવી ગયો હતો.