મચ્છરના બ્રિડિંગ મળતાં 198 દુકાનોને સ્થળ પર જ નોટિસ ફટકારવામાં આવી
અમદાવાદ જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિવિધ સ્થાનો પર ડ્રાય ડેની ઉજવણી અંતર્ગત કામગીરી હાથ ધરાઇ
અમદાવાદ જિલ્લામાં કુલ 2668 સ્થાનો પર 274 પાત્રોમાં પોરા જોવા મળેલ
અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની મેલેરિયા શાખાના સંકલનમાં રહી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓ દ્વારા ટાયર પંચરની દુકાન, ભંગારની દુકાન, આંગણવાડી કેન્દ્રો, સરકારી / ખાનગી શાળાઓ, ગ્રામ પંચાયત, એસટી ડેપો, ધાર્મિક સ્થળો સહિતનાં સ્થાનો પર ડ્રાય ડેની ઉજવણી અંતર્ગત કામગીરી કરવામાં આવી હતી.
કર્મચારીઓ દ્વારા શંકાસ્પદ મચ્છર ઉત્પત્તિ સ્થાનોની તપાસ કરવામાં આવી અને મચ્છરના બ્રિડિંગ મળ્યા તેનો કર્મચારીઓ દ્વારા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ જિલ્લામાં કુલ 2668 સ્થાનો પર 274 પાત્રોમાં પોરા મળેલ અને 198 વ્યક્તિઓ/દુકાનોને સ્થળ પર જ નોટિસ ફટકારવામાં આવી હતી.
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી એમ.કે.દવે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શૈલેષ પરમાર અને જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ આરોગ્ય કર્મચારીઓ દ્વારા નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કન્ટ્રોલ પ્રોગ્રામ (એન.વી.બી.ડી.સી.પી) અંતર્ગત કામગીરી સઘન કરવામાં આવી છે.
અમદાવાદ જિલ્લામાં વાહનજન્ય રોગચાળાને નિયંત્રણમાં રાખવા માટે સફળતા મળી છે. જોકે હાલનું વાતાવરણ મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે સૌથી સાનુકૂળ હોવાથી પોરાનાશક કામગીરીને વેગવંતી બનાવવામાં આવી છે. ઉલ્ટી ઉબકા થાય, માથામાં દુખાવો થાય,
શરીરમાં કળતર થાય, ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખાનામાં જઇને નિઃશુલ્ક લોહીની તપાસ કરાવવી જોઇએ. મેલેરિયાથી બચવા માટે પાણીના ખુલ્લા વાસણો હવા ચુસ્ત ઢાંકણથી ઢાકીને રાખવા. પાણીની ટાંકી, ફુલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડિયામાં એક વખત અવશ્ય સાફ કરો.
ઘરની આસપાસ પાણી ન ભરાવા દો. પાણીના ખાડા ખાબોચિયા પૂરી દો અથવા તો વહેવડાવી દો. કોઇ પણ તાવ મેલેરિયા હોય શકે છે. મેલેરિયાનો ફેલાવો મચ્છરથી જ થાય છે એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો મેલેરીયા થતો રોકી શકાશે તેમ અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું.