Western Times News

Gujarati News

એક જ સ્થળેથી અંબાજી મંદિર, ગબ્બર, 51 શક્તિપીઠ સહિતના સ્થળોના દર્શનની અનુભૂતિ મેળવી શકાશે

અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં જિલ્લા કલેકટર વરુણ કુમાર બરનવાલના હસ્તે  વર્ચ્યુઅલ રિયાલિટી કેન્દ્ર ઉદ્ઘાટન કરાયું

માઇભક્તો અને યાત્રિકોને આ નવીન સુવિધાનો લાભ લેવા અપીલ કરતા જિલ્લા કલેકટરશ્રી વરુણ કુમાર બરનવાલ

પાલનપુર,  ગુજરાતના સૌથી મોટા મેળાઓ પૈકીના એક એવા આદ્યશક્તિ મા અંબાના ધામ અંબાજી ખાતેના ભાદરવી પૂનમના મેળા નો આજથી વિધિવત પ્રારંભ થયો છે ત્યારે મેળામાં આ વખતે ઘણી નવી પહેલ કરવામાં આવી છે. આસ્થા સાથે મેળાનું આકર્ષણ જળવાઈ રહે એવા નવીન અભિગમને ધ્યાનમાં રાખી યાત્રિકો અને માઇભક્તો મેળામાં એક સ્થળેથી અંબાજી મંદિર, ગબ્બર, 51 શક્તિપીઠ સહિતના મંદિરોના દર્શન કરી શકે એ માટે વર્ચ્યુઅલ રિયાલિટી કેન્દ્રની સુવિધા ઉભી કરવામાં આવી છે.

જેનું આજે મેળાના પ્રારંભે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કલેકટરશ્રી એ પોતે આ ટેકનોલોજીનો અનુભવ માણી અંબાજી આવતા માઇભક્તોની આ સુવિધાનો લાભ લેવા અપીલ કરી હતી.

અંબાજીના ભાદરવી પૂનમના મેળાની આગવી ઓળખ પગપાળા સંઘ છે. મેળામાં પકૃતિ અને સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. લોકોની રહેવા, જમવાની અને વિશ્રામ એમ તમામ પ્રકારની સવલતો સચવાય એ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભાતીગળ મેળામાં આધુનિક ટેકનોલોજીના માધ્યમથી લોકોને તમામ સુવિધાઓ સાથે મનોરંજન અને આકર્ષણ આપવા વોટ્સએપ ચેટ બોટ, કયું આર કોડ, ગુગલ મેપ્સ જેવી આજના યુગની અનિવાર્ય ટેકનોલોજીની સાથે વર્ચુઅલ રિયાલિટીનો અદભુત અનુભવ મળે એવો નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે.

જેના થકી યાત્રિકો સમગ્ર મેળા ના મહોલનો વર્ચ્યુઅલ અનુભવ એક જ સ્થળે બેસીને માણી શકે છે. વાસ્તવિક મેળો અને તેની વર્ચ્યુઅલ અનુભૂતિના અદભુત સમન્વયથી અંબાજી મેળાનું આકર્ષણ વધશે અને મેળાની લોકપ્રિયતાને નવી ઊંચાઈ મળશે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, ઇ. ચા. પોલીસ અધિક્ષકશ્રી તેજસ પટેલ, મદદનીશ કલેકટરશ્રી સ્વપ્નિલ સિસલે, અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

માહિતી નિયામકશ્રીની કચેરી ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લા માહિતી કચેરી, પાલનપુરના સંયુક્ત ઉપક્રમે અંબાજી ભાદરવી પૂનમના મેળામાં પ્રદર્શન યોજવામાં આવ્યું છે. જેને આજે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલના હસ્તે ખુલ્લું મુકાયું હતું.

માહિતી ખાતાની કચેરીના આ પ્રદર્શનમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને તેની માહિતી આપવામાં આવી છે. તેમજ યોજનાના લાભથી લાભાન્વિત થયેલા લાભાર્થીઓના મંતવ્યો પણ ડિસ્પ્લે પર દર્શવવામાં આવ્યા છે. જેના થકી મેળામાં આવતા લાખો માઇભક્તો સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર બની રહેશે અને તેનો લાભ લેવા માટેની માહિતી મેળવી શકશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જ્વલા યોજના, આયુષ્યમાન કાર્ડ યોજના, ન્યુ સ્ટાર્ટઅપ, રોજગાર, શિક્ષણ અને આરોગ્ય સહિત સામાજિક આર્થિક ઉત્કર્ષની વિગતો અને માહિતી દર્શાવતું આ પ્રદર્શન મેળામાં આવતા લાખો યાત્રિકો માટે સરકારની અનેક યોજનાઓની માહિતી એક જ સ્થળેથી પ્રાપ્ત કરી શકવાનું ઉત્તમ માધ્યમ બની રહેશે.

આ પ્રદર્શનના ઉદ્ધઘાટન પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, ઇ. ચા. પોલીસ અધિક્ષકશ્રી તેજસ પટેલ, મદદનીશ કલેકટરશ્રી સ્વપ્નિલ સિસલે, અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા, નાયબ માહિતી નિયામકશ્રી અમિત ગઢવી, સિનિયર સબ એડિટરશ્રી રેસુંગ ચૌહાણ, માહિતી મદદનીશશ્રી જીજ્ઞેશ નાયક અને શ્રી જીગર બારોટ, સુપરવાઈઝરશ્રી ગુલાબસિંહ પરમાર, ફેલો શ્રી મુકેશ માળી સહિત  નિહારિકાના અમદાવાદ અને પાલનપુરના ફોટોગ્રાફરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.