મહી નદીના જૂના પુલ પરથી કાર ખાબકતા એકનું મોત
(પ્રતિનિધિ) ગોધરા, લુણાવાડા તાલુકા ના હડોડ પાસેથી પસાર થતી મહીસાગર નદી ઉપર આવેલા એકદમ ક્ષતિગ્રસ્ત અને દર ચોમાસામાં ડૂબકીયા પુલ થી ઓળખાતા જુના બ્રિજ ઉપરથી પસાર થતી એક કાર બેકાબૂ બનીને મહીસાગર નદી મા ધડાકાભેર ખાબકતા કારમાં સવાર કાકચીયા ગામના આશાસ્પદ યુવક મયુર પટેલનુ મોત નીપજ્યું હતું
અને મહીસાગરના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયેલ આ કારને શોધવા માટે અને અન્ય કોઈ કારમાં હતું કે કેમ ? આ માટે ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા મહીસાગર નદીમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. કાકચિયા ગામના આશાસ્પદ યુવકનો ભોગ લેનાર આ ભયવાહ દુર્ઘટનાના પગલે હાડોડ પાસે મહીસાગર નદી ઉપર કરોડો રૂપિયાના ખર્ચે નવો બ્રિજ બનાવ્યા બાદ અત્યંત જોખમી એવા ક્ષતિગ્રસ્ત જુના પુલ ઉપરથી વાહન વ્યવહાર ની અવર-જવરો સદંતર બંધ કરાવવા મા જિલ્લા વહીવટી તંત્ર
અને મુખ્યત્વે માર્ગ અને મકાન વિભાગના સત્તાધીશોની બેદરકારીઓ બહાર આવી હોવાના આક્રોશ મૃતક યુવકના સ્વજનો અને પરિચિતોમાં સ્વાભાવિક જોવા મળ્યો હતો.
લુણાવાડા તાલુકાના હાડોડ ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં જુના પુલ પરથી કાર ખાબકી. મળતી પ્રાથમિક માહિતી મુજબ કારમાંથી હાલ એક વ્યક્તિનો મૃતદેહ નદીમાં જોવા મળી રહ્યો છે. બનાવની જાણ થતા મહીસાગર જિલ્લાની પોલીસે ઘટનાસ્થળે દોડી આવી તાપસ હાથ ધરી છે. જ્યારે કાર નદીના પાણીમાં ગરકાવ થઈ છે, જેને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
બનવા અંગે લુણાવાડા ફાયર વિભાગની ટીમને જાણ થતાં બોટ સાથે પહોંચી મહીસાગર નદીમાં તપાસ હાથ ધરી છે તેમજ નદીમાં ખાબકેલી કારમાંથી લુણાવાડાના કાકચીયા ગામના વતની મયુર પટેલ નામના યુવકની લાશને બહાર કાઢી પીએમ અર્થે લુણાવાડાની સિવિલ હોસ્પિટલ ખસેડાઈ છે. કાર લઈને આવતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
બ્રિજ ખખડધજ અને તૂટેલી હાલતમાં હોવાથી ત્યાંથી પસાર થતા ચાલકે કાબૂ ગુમાવતા બ્રિજના તૂટેલા સ્લેબ પર કારનું ટાયર ચડી જતા કાર બેકાબૂ થઈ નદીમાં ખાબકી હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ બહાર આવ્યું છે. પાલિકાની ફાયર ટીમ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ કાર્યવાહી હાથ ધરી છે. સાથે નદીમાં ખાબકેલી કારમાં અન્ય કોઈ સવાર હતું કે કેમ તે અંગે પણ શોધખોળ કરાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નવો બ્રીજ બની ગયા પછી પણ જૂના અને ખખડધજ પુલ પરથી વાહનવ્યવહાર બેરોકટોક ચાલી રહ્યો છે. માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓએ નોન યુઝ થયેલ આ પુલ પરથી વાહન વ્યવહાર અટકાવવા યોગ્ય પગલાં ન ભરતાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે.