સિરપકાંડમાં વધુ એક યુવકનું મોત: મૃત્યુઆંક 6 પર પહોંચ્યો
(એજન્સી)મહેમદાવાદ, આજરોજ મહેમદાવાદના સોજાલી ગામના ૨૨ વર્ષના વિપુલ સોઢાનું સારવાર દરમિયાન વહેલી સવારે મોત નિપજ્યું છે. વિપુલ સોઢા સોજાલી ગામનો વતની છે. તે તેના મામાના ગામ સિહુંજથી બિલોદરા ગામમાં માંડવી જાવા ગયો હતો. વિપુલ સોઢાએ સિરપ પિતા તેની તબિયત લથડી હતી. જેથી તેને પહેલા નડિયાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
બાદમાં વધુ સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે તેનું મોત નીપજ્યું છે. આ સાથે જ ખેડા જિલ્લામાં સિરપકાંડમાં મૃત્યુઆંક ૬ થયો છે.
ખેડામાં આયુર્વેદિક સીરપ કાંડ મામલે ૫ વ્યક્તિઓ સામે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ નોંધાઈ છે. ખેડા એસ.ઓ.જી પીઆઈ ડી.એન.ચુડાસમા ફરીયાદી બન્યા છે. તમામ આરોપીઓ સામે માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ખેડામાં સીરપના કારણે થયેલા મોતનો મામલે સિરપ વેચતાં વિક્રેતાઓ પર રાજ્યવ્યાપી દરોડા પાડવામા આવ્યા હતા. સિરપ વેચતા રાજ્યવ્યાપી ૩,૨૭૧ સ્થળો પર પોલીસે દરોડા પાડ્યા. જેમાં ગેરકાયદેસર સીરપ વેચતા ૬૭ આરોપીઓની ધરપકડ કરાઈ છે. સીરપ મામલે ૧૨ એફઆઈઆર તથા ૯૨ જાણવાજાગ ફરિયાદ દાખલ થઈ છે. રાજ્યમાં સીરપ મામલે કુલ ૨૨ આરોપીઓની ધરપકડ તો ૩૯૧ લોકો સાથે બેઠકો કરવામાં આવી છે.
આરોપીઓના નામઃ નડીયાદના યોગેશભાઈ પારૂમલ સિંધી, બિલોદરાના નારાયણ ઉર્ફે કિશોરભાઈ સાકળભાઈ સોઢા, ઈશ્વરભાઈ સાંકળભાઈ સોઢા, વડોદરાના નીતીન કોટવાણી, ભાવેશ સેવકાણી. ખેડાના ડીએસપી રાજેશ ગઢીયાએ જણાવ્યું કે, આ આરોપીઓ દ્વારા KALMEGHASAVA ASAVA ARISHTA નામની આયુર્વેદીક ઔષધી તરીકે વપરાતી પ્રોડક્ટની ખોટા અને બનાવટી લેબલ લગાવેલી બોટલો મંગાવી વેચાણ કરાતું હતું.
આ બોટલોમાં રહેલ પીણું મીથાઇલ આલ્કોહોલ યુક્ત હોવાનુ અને આ પીણું પીવાથી પીનાર વ્યક્તિને શારીરીક નુકશાન થઇ શકે છે. તમામ સામે આઇપીસી કલમ ૩૦૪, ૩૦૮, ૩૨૮, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૨૭૪, ૨૭૫, ૨ ૭૬, ૩૪, ૨૦૧ તથા ગુજરાત પ્રોહિબિશન એક્ટ કલમ ૬૫(એ)મુજબ ગુનો નોંધાયો છે.