વન નેશન-વન ઇલેક્શનઃ JPCમાં ભાજપના સભ્યોનું સમર્થન
વિપક્ષે બંધારણ પર હુમલો ગણાવ્યો
ટીએમસીના એક સાંસદે કહ્યું હતું કે પૈસા બચાવવા કરતાં લોકતાંત્રિક અધિકારોનું સમર્થન કરવું વધુ મહત્વનું છે
નવી દિલ્હી,
વન નેશન-વન ઇલેક્શન અંગેની સંયુક્ત સંસદીય સમિતિ(જેપીસી)ની પ્રથમ બેઠકમાં વિપક્ષી સભ્યોએ તેનો જોરદાર વિરોધ કર્યાે હતો અને આ સૂચિત કાયદો બંધારણ અને સંઘિય માળખા પરનો હુમલા છે.બીજી તરફ ભાજપના સાંસદોએ તેને જનતાનો મત હોવાનું કહીને તેને આવકાર્યાે હતો.૩૯-સભ્યોની સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાં આ અંગેના બે બિલોની જોગવાઈઓ અંગે કાયદા અને ન્યાય મંત્રાલયે એક પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ પછી સભ્યોએ તેમના વિચારો રજૂ કર્યા હતા અને સવાલો કર્યા હતાં. કોંગ્રેસ સહિતના વિપક્ષી સભ્યોએ એકસાથે ચૂંટણીથી ખર્ચમાં ઘટાડાના સરકારના દાવા સામે સવાલ ઉઠાવતા જણાવ્યું હતું ૨૦૦૪ની લોકસભા ચૂંટણી તમામ બેઠકો પર ઇવીએમનો ઉપયોગ કરવામાં આવ્યા પછી ખર્ચમાં ઘટાડો થયો હોવાનો સરકારે કોઇ અંદાજ કાઢ્યો હતો કે નહીં.
ભાજપના સાંસદ વી ડી શર્માએ જણાવ્યું હતું કે વન નેશન-વન ઇલેક્શનને જનતાનું સમર્થન છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની ઉચ્ચ-સ્તરીય સમિતિએ ૨૫,૦૦૦થી વધુ લોકોના અભિપ્રાય લીધા હતા અને બહુમતી લોકોએ તેનું સમર્થન કર્યું હતું.ટીએમસીના એક સાંસદે કહ્યું હતું કે પૈસા બચાવવા કરતાં લોકતાંત્રિક અધિકારોનું સમર્થન કરવું વધુ મહત્વનું છે. કેટલાક વિપક્ષી સાંસદોએ માગણી કરી હતી કે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી પી ચૌધરીની અધ્યક્ષતાવાળી આ સમિતિ એકસાથે બે બિલોની ચકાસણી કરી રહી છે અને આ કવાયત ઘણી મોટી છે, તેથી સમિતિનો કાર્યકાળ ઓછામાં ઓછા એક વર્ષનો રાખવો જોઇએ.
જે સાંસદોએ બિલનું સમર્થન કર્યું તેમની દલીલ હતી કે ૧૯૬૭ સુધી જ્યારે દેશમાં એક સાથે ચૂંટણી થઈ શકતી હતી તો તેના પર હવે શા માટે વાંધો દર્શાવાઈ રહ્યો છે. જો ૧૯૬૭ સુધી તે રાજ્યોના અધિકારી છીનવનારો કાયદો ન હતો તો પછી હવે તેને રાજ્યોના અધિકારમાં હસ્તક્ષેપ વાળું બિલ શા માટે કહેવામાં આવી રહ્યું છે? ઉલ્લેખનીય છે કે, ૧૭ ડિસેમ્બરે કાયદા પ્રધાન અર્જુનરામ મેઘવાલે લોકસભામાં વન નેશન વન ઇલેક્શન સંબંધિત બંધારણ સંશોધન બિલ રજૂ કર્યું હતું. વિપક્ષી સાંસદોએ તેનો વિરોધ કર્યાે હતો. આ પછી બિલ રજૂ કરવા માટે ઈલેક્ટ્રોનિક વોટિંગ કરવામાં આવ્યું હતું. ss1