ONGCના પ્લાન્ટમાં ભીષણ આગ લાગી, પાંચ લોકોના મોત
મુંબઈ: મુંબઈમાં ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ના પ્લાન્ટમાં ભીષણ આગ લાગી છે. માનવામા આવે છે કે, નવી મુંબઈમાં ઓએનજીસીના કોલ્ડ સ્ટોરેજમાં આ આગ લાગી હતી. દુર્ઘટનામાં અત્યાર સુધી પાંચ લોકોના મોત થયા છે અને આઠ લોકો ઘાયલ થયા છે. હજી પણ કોલ્ડ સ્ટોરેજમાં અમુક લોકો ફસાઈ ગયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૃત્યુ આંક વધે તેવી પણ શક્યતા છે. ઘાયલ લોકોને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આજે સવારે સાત વાગે આ આગ લાગી હોવાનું માનવામાં આવે છે. હાલ અહીં ગેસ પ્રોસેસિંગનું કામ રોકી દેવામાં આવ્યું છે.
આગની જ્વાળાઓને જોઈને આજુ-બાજુના 3 કિમી સુધીના વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યા છે. ઘટના સ્થળ પર અડધો ડઝન કરતા વધારે ફાયર ફાઈટરની ગાડીઓ પહોંચી ગઈ છે. ફાયર ફાઈટર સિવાય ઓએનજીસી વિભાગ દ્વારા પણ આગ ઓલવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પરંતુ હજી પણ અમુક લોકો કોલ્ડ સ્ટોરેજમાં ફસાયેલા હોવાની શક્યતા છે.