“ડુંગળી-બટાકા, ઘઉં-ચોખા સહિતની ચીજવસ્તુઓનો જથ્થો પૂરતો છે-ગભરાવાની જરૂર નથી”

પ્રવર્તમાન પરિસ્થિતિમાં રાજ્ય સરકાર પાસે જીવન આવશ્યક ચીજવસ્તુઓ, દવાઓ, ઇંધણ સહિતનો જથ્થો પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે.
Ahmedabad, રાજ્યના સરહદી જિલ્લાઓના કલેક્ટરશ્રીઓ, તેમના જિલ્લાઓમાં આવી કોઇ પણ ચીજ વસ્તુઓની જરૂરિયાત જણાય કે તુરત જ તેઓ રાજ્ય સરકારનો સંપર્ક કરીને તાત્કાલિક તે મેળવી શકશે તેમ હાલની સ્થિતિમાં રાજ્યના જિલ્લાઓના વહિવટી તંત્ર સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે યોજેલી વિડીયો કોન્ફરન્સ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.
સંબંધિત સરહદી જિલ્લાઓના પ્રભારી સચિવશ્રીઓને જિલ્લા તંત્રનું પ્રવર્તમાન સ્થિતિમાં માર્ગદર્શન કરવા માટે મોકલવામાં આવ્યાં છે તેમ પણ આ બેઠકમાં જણાવાયું હતું.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે દેશમાં સર્જાયેલી પ્રવર્તમાન સ્થિતિમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાત અને ખાસ કરીને સરહદી જિલ્લાઓના નાગરિકોની જાનમાલ સુરક્ષા તથા માલ મિલકતની સલામતી સહિત જનજીવન રાબેતા મુજબ રહે તે માટે જિલ્લાતંત્રના આયોજનોની વિસ્તૃત સમીક્ષા ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી અને મુખ્યસચિવ પંકજ જોષીની ઉપસ્થિતિમાં કરી હતી.
તેમણે બનાસકાંઠા, કચ્છ, પાટણ, જામનગર જેવા સરહદી જિલ્લાઓના વહિવટી વડાઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને તેમના જિલ્લાની સ્થિતીનો જાયજો મેળવ્યો હતો.
પ્રવર્તમાન સ્થિતિમાં સરહદી જિલ્લાઓમાં કોમ્યુનિકેશન નેટવર્ક જળવાઈ રહે અને લોકોને સમયે-સમયે સૂચનાઓ યોગ્ય રીતે પહોંચી શકે તે માટે સેટેલાઇટ ફોન, વાયરલેસ સિસ્ટમ, વોકીટોકીની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે સંબંધિત જિલ્લા અધિકારીઓને જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ સરહદના ગામોમાં જરૂર જણાયે લોકોનું સલામત સ્થળે સ્થળાંતર થઈ શકે તે માટે વિલેજ ઇવેક્યુએશન પ્લાન વધુ સંગીન બનાવવા માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે સેફર પ્લેસ પણ તાત્કાલિક પહોંચી શકાય તેવા સ્થળોએ ઉભા કરવા અને સ્થળાંતર માટે પુરતાં વાહનોનો પ્રબંધ કરવા પણ દિશા નિર્દેશો આપ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવર્તમાન પરિસ્થિતિમાં જો કોઇ વિકટ સ્થિતિ સમયે માર્ગોને નુકશાન થાય તો વાહન-વ્યવહારને અસર ન પહોંચે અને અસરગ્રસ્ત માર્ગો ત્વરાએ મોટરેબલ થઈ શકે તે માટે સરહદી જિલ્લાઓ સહિત રાજ્યમાં માર્ગમકાન વિભાગની ટીમોને અદ્યતન સાધન-સામગ્રી અને પુરતા મેનપાવર સાથે સતર્ક રહેવા સૂચનાઓ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં સરકારના સંબંધિત અન્ય વિભાગોના વરિષ્ઠ સચિવો પાસેથી તેમના વિભાગોની હાથ ધરાયેલી કામગીરીની વિગતો પણ મેળવી હતી.
તદઅનુસાર, અન્ન અને નાગરિક પુરવઠા અગ્રસચિવશ્રી આર.સી.મીનાએ ૩૮ જેટલી આવશ્યક ચીજ વસ્તુઓના ભાવો નિયંત્રણમાં રહે તે માટે વિભાગ દ્વારા સતત નિગરાની રાખવામાં આવે છે તેની માહિતી આપી હતી.
તેમણે ઘઉં, ચોખા, દાળ, ડુંગળી-બટાકા જેવી રોજ-બ-રોજની ચીજ વસ્તુઓનો પુરતો પુરવઠો રાજ્યમાં છે એમ જણાવી આ જથ્થાનો રોજ-બ-રોજનો સ્ટોક જિલ્લા તંત્ર દ્વારા અપડેટ કરવામાં આવે છે તેની વિગતો આપી હતી. પેટ્રોલ ડિઝલની પણ કોઈ તંગી ઉભી ન થાય તે માટે પેટ્રોલ કંપનીઓ સાથે સંકલન કરવામાં આવે છે તેમ તેમણે જણાવ્યું હતું.
આરોગ્ય અગ્રસચિવશ્રી ધનંજય દ્વિવેદીએ રાજ્યના આરોગ્ય વિભાગની સજ્જતાની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સરહદી જિલ્લાઓમાં અન્ય જિલ્લાઓના મેડીકલ સ્ટાફ, તબીબો પહોંચાડયાં છે એટલું જ નહિ, ભૂજ, જામનગર, પાટણ, બનાસકાંઠામાં વધારાની એમ્બ્યુલન્સ ફાળવી છે. લોહીની જરૂરીયાતના સમયે સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તેવા હેતુથી મેગા બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવી રહ્યાં છે.
મુખ્યસચિવશ્રી પંકજ જોષીએ રાજ્યના બધાં જ જિલ્લાના કલેક્ટરોને સતત સતર્ક રહીને રાજય સરકારના કંટ્રોલરૂમ સાથે સંપર્કમાં રહેવા સૂચનાઓ આપી હતી.
આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્યસચિવ શ્રી એમ.કે. દાસ, પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાય, મહેસૂલ, સામાન્ય વહિવટ વિભાગ તથા ઉર્જા અને શ્રમ રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીઓ તથા BSF અને આર્મીના અધિકારીઓ તેમજ મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, રાહત કમિશ્નરશ્રી આલોક પાંડે અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.