ઓનલાઈન ફ્રોડ પછી ઓફલાઈન ફ્રોડઃ પોલીસ કેસના નામે ડરાવી 50 લાખનો તોડ કર્યો
સસ્પેન્ડેડ પોલીસકર્મીએ વેપારીનો રૂપિયા પ૦ લાખનો તોડ કર્યો -ફોરેન કરન્સીના કેસની ધમકી આપી રૂપિયા પડાવ્યા
અમદાવાદ, ક્રાઈમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપીને સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ એક વેપારી પાસેથી પ૦ લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે. આંબલીથી ગાયકવાડ જાય તે પહેલાં સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ તેના ઓળખીતા પોલીસ કર્મચારી સાથે મળીને પ૦ લાખ રૂપિયાનો ખેલ કરી દીધો હતો.
આંબલી પાસે આવેલા સેન્ટોજા પાર્કમાં રહેતા મિહિર પરીખે ક્રાઈમ બ્રાન્ચમાં આકાર પટેલ
(રહે.રાઘે ઉપવન સોસાયટી, સાણંદ)અને બે પોલીસ કર્મચારી વિરૂદ્ધ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને પ૦ લાખ રૂપિયા પડાવી લેવાની ફરિયાદ કરી છે. મિહિર તેના પરિવાર સાથે રહે છે અને એસજી હાઈવે પર આવલા શિવાલિક શિલ્પ કોમ્પલેક્ષમાં એચ.પી.ફાઈનાÂન્સલ નામની કંપની ચલાવે છે. કંપનીમાં મિહિર ઈન્સ્યોરન્સ અને મયુચ્યુઅલ ફંડ સંબંધિત કામ કરે છે.
આ સિવાય મિહિર એમ.પી. વર્લ્ડ ટ્રાવેલ્સ નામથી બીજો ધંધો પણ કરે છે. જેની ઓફિસ આંબાવાડી પાસે આવેલા પ્રેસિડેન્ટ હાઉસમાં છે. ટ્રાવેલ્સના ધંધામાં મિહિર ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ટિકિટ તેમજ વીઝાનું કામ કરે છે. ટ્રાવેલ્સની કંપનીમાં કુલ આઠ વ્યક્તિ કામ કરે છે.
થોડા દિવસ પહેલાં મિહિર પોતાના ઘરે હાજર હતો ત્યારે તેના ફલેટના સિકયોરિટી ગાર્ડનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, પોલીસ આવી છે જે તમને મળવા માંગે છે. સિકયોરિટી ગાર્ડની વાત સાંભળીને મિહિર પોલીસ કર્મચારીને પોતાના ઘરે મોકલવાનું કહ્યું હતું. બિલ્ડીંગના મેનેજર સોમનાથભાઈ પોલીસ કર્મચારીને લઈને મિહિરના ઘરે પહોંચ્યા હતા.
મિહિરના ઘરે પહોંચતાની સાથે જ પોલીસ કર્મચારીએ સોમનાથભાઈને કહ્યું હતું કે, અમે અહીં વાત કરી લઈશું તમે જતા રહો. સોમનાથભાઈ જતા રહ્યા હતા ત્યારે પોલીસ કર્મચારીએ તેની ઓળખ આકાશ પટેલ તરીકે આપી હતી અને તે ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતો હોવાનું કહ્યું હતું.
મિહિરે આકાશ પટેલ પાસે પોલીસ તરીકે ઓળખ કાર્ડ માંગ્યું હતું. જેથી તેણે પોતાનું કાર્ડ બતાવ્યું હતું. મિહિર આઈકાર્ડ પરત આપી દેતા આકાશ પટેલે જણાવ્યું હતું કે, તમારી ઉપર ફોરેન કરન્સીનો કેસ થયો છે તો તમારે મારી સાથે આવવું પડશે.
મિહિર તેની વાત માની ગયો હતો કહ્યું હતું કે, હું તૈયાર થઈને આવું છું. મિહિર કપડા બદલવા માટે ગયો ત્યારે તેણે તેની પત્ની ધારાને કહ્યું હું પોલીસવાળા સાથે જાઉં છું. મીહિર તેના ડ્રાઈવર અમરતભાઈને ફોન કરીને ગાડી ફલેટના મુખ્ય ગેટ પાસે લાવવાનું કહ્યું હતું. આકાશ પટેલ અને મિહિર બન્ને ફલેટના મેઈન ગેટ પાસે ગયા હતા જ્યાં અમરતભાઈ ગાડી લઈને ઊભા હતા.
અમરતભાઈને જોતાની સાથે જ આકાશે મિહિરને કહ્યું હતું કે, ડ્રાઈવરની કોઈ જરૂર નથી જેથી તેને નથી લેવાનો. અમરતભાઈને ગાડીમાંથી ઉતારીને મિહિર ડ્રાઈવર સીટ પર બેસી ગયો હતો અને તેની બાજુમાં આકાશ પટેલ બેઠો હતો. મિહિર ગાડી ચલાવતો હતો ત્યારે આકાશ પટેલે કહ્યું કે મારા પોલીસ સ્ટાફના માણસો આગળ ઊભા છે. જો તમે કહો તો ગાડીમાં બેસાડી દઈએ નહીં તો અમારા સ્કવોડની ગાડી બોલાવી લઉં. મિહિરે આકાશને કહ્યું કે ગાડી બોલાવવાની કોઈ જરૂર નથી. પોલીસ કર્મચારીઓને આપણી ગાડીમાં બેસાડી દઈએ.
મિહિરે બે માણસોને ગાડીમાં બેસાડી દીધા બાદ આકાશે બન્નેને કહ્યું કે, આ મિહિરને હથકડી પહેરા દો અને હું ગાડી ચલાવી લઉ છું. આકાશની વાત સાંભળીને મિહિરે જવાબ આપ્યો કે સાહેબ હું કયાંક નથી ભાગી જવાનો મને હાથકડી ન પહેરાવો. આકાશે મિહિરની વાત માનીને તેને હાથકડી પહેરાવી નહીં. મિહિરે આકાશ પટેલને પૂછયું કે આપણી ક્યાં જવાનું છે તો તેણે જવાબ આપ્યો કે આપણે ગાયકવાડ હવેલી જવાનું છે.
મિહિરે ગાડી ગાયકવાડ હવેલી તરફ જવા રવાના કરી તો આકાશ પટેલે જણાવ્યું કે, બે ગુનેગાર પકડાયા છે. તેમણે તમારું નામ આપ્યું છે. આકાશે મિહિરને કહ્યું કે તમે ફોરેન કરન્સીના લાઈસન્સ વગર ખોટું કામ કરો છો, તમે આ કેસમાં પકડાશો તો ૧૪થી ૧પ વર્ષની સજા થશે. આખી જિંદગી જેલમાં જશે, આ ગુનો નોનબેલેબલ છે. જો તમે પતાવટ કરવા માંગો તો હું અમારી ઉપરી અધિકારી સાથે વાત કરું.
આકાશની વાત સાંભળીને મિહિરે તેના પર થયેલા કેસ બાબતે પૂછયું હતું અને ઉપરી અધિકારી સાથે વાત કરવાનું જણાવ્યું હતું. મિહિરની વાત સાંભળીને આકાશ પટેલ ઉશ્કેરાયો હતો અને સીધી ધરપકડ કરવાની વાત કરી હતી. આકાશની વાત સાંભળીને મિહિર ગભરાઈ ગયો હતો. આકાશે મિહિરને કહ્યું હતું કે તમે ફોરેન ટ્રાવેલિંગનું કામ કરો અને ફોરેન કરન્સીની એકસચેન્જનો ધંધો લાઈસન્સ વગર કરો છો, જો બચવું હોય તો સેટલમેન્ટ કરવાની વાત કરો.
મિહિરે આકાશને કહ્યું કે મારી ઓફિસ આંબાવાડી છે તો આપણે ત્યાં જઈને વાત કરીએ. આકાશે ઓફિસ જવાનો ઈન્કાર કરી દીધો હતો અને પાંજરાપોળ પાસે આવેલા બોબી ટી સ્ટોલ પર ઊભા રહ્યા હતા. આકાશ પટેલે બન્ને પોલીસ કર્મચારીને નીચે ઉતરી જવાનું કહ્યું હતું જેથી તે બન્ને ઉતરી ગયા હતા. આકાશ પટેલે મિહિરને કહ્યું કે તમે કેટલા રૂપિયા આપશો. મિહિરે જવાબ આપ્યો કે હું તમને ૧૦થી ૧પ લાખ રૂપિયા આપી શકું છું.
આકાશ પટેલે જણાવ્યું કે આટલા રૂપિયામાં કાંઈ ના થાય તેમ છતાંય હું સાહેબ જોડે વાત કરું છું. બન્ને ગાડીમાંથી નીચે ઉતરી ગયા હતા જ્યાં આકાશ પટેલે દૂર જઈને ફોન ઉપર વાત કરી હતી. આકાશે વાત કરી લીધા બાદ બન્ને ગાડીમાં બેસી ગયા હતા અને પ૦ લાખ રૂપિયાનું આંગડિયું કરાવી દેવાનું કહ્યું હતું. મિહિર પાસે આટલા રૂપિયા ન હોવાથી તેણે આકાશને આજીજી કરી હતી.
આકાશે જેલમાં જવાનો ડર બતાવ્યો હતો. મિહિરે આકાશને પ૦ લાખ રૂપિયા આપી દેતાં તેને ઉતારી દીધો હતો. ત્યારબાદ મિહિરને જાણવા મળ્યું હ તું કે, આકાશ પટેલ સાણંદમાં સસ્પેન્ડ થયેલો પોલીસ કર્મચારી છે અને તેની સાથે બીજા બે પોલીસ કર્મચારી હતા. મિહિરે તરત જ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.