Western Times News

Gujarati News

2 વડોદરાના અને 4 સુરતના ઠગો જ ગુજરાતીઓ સાથે ઓનલાઈન છેતરપિંડી કરતાં હતા

ઓનલાઈન ઠગાઈના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશઃઅમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે તાઈવાનના ૪ નાગરિકોની કરી ધરપકડ

અમદાવાદના એક સિનિયર સિટીઝનને આ ગેંગે CBIના નામે ડરાવી ધમકાવીને ડિજિટલ અરેસ્ટ કરીને રૂપિયા 80 લાખ પડાવ્યા હતા.

(એજન્સી)અમદાવાદ, શહેર પોલીસના સાયબર ક્રાઈમ સેલે ડિજીટલ એરેસ્ટ ફ્રોડ કેસમાં દેશના વિવિધ સ્થળોએથી ૧૭ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં ૪ તાઇવાનના નાગરિકો છે, જેઓ દિલ્હી અને બેંગલુરુમાંથી પકડાયા હતા.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એસપી સાયબર ક્રાઈમ શરદ સિંઘલે (JCP Sharad Singhal) જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આ ગેંગને લગતી કુલ ૪૫૦ ફરિયાદોની ઓળખ કરવામાં આવી છે અને ભવિષ્યમાં વધુ ફરિયાદો સામે આવી શકે છે. આ ફરિયાદો માત્ર ગુજરાતની જ નથી, પરંતુ દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા અને મહારાષ્ટ્રમાંથી પણ ઘણી ફરિયાદો છે.

આવી ગેંગ દેશભરમાં ફેલાયેલી છે, જેના કારણે અમે કોલ સેન્ટર ચાલતા ૮ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. બે શકમંદોની દિલ્હીથી અને બેની બેંગલુરુમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેઓ ભારત આવતા જતાં હતા. તેમાંથી એક હિમાચલ પ્રદેશમાંથી સ્નાતક થયો હતો અને લાંબા સમય સુધી ભારતમાં રહ્યો હતો, જ્યારે અન્ય લોકો છેતરપિંડી કરવા માટે આવતા હતા અને પછી ચાલ્યા જતા હતા.

અમદાવાદ સાયબર ક્રાઇમે ડિજિટલ અરેસ્ટના નામે ચાલતી ઠગાઈના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઇમે આ ઠગાઇના મુખ્ય સૂત્રધાર એવા ચાર તાઇવાનના નાગરિક, 7 ગુજરાતી સહિત 17 આરોપીઓની ધરપકડ કરી છે. ભારતમાં ડિજિટલ અરેસ્ટનું સૌથી મોટું ષડ્યંત્ર રચવા માટે 4 તાઇવાનીએ એપ ડેવલોપ કરી હતી.

આ એપ એવી રીતે ડેવલોપ કરી હતી કે, આરોપી સામેવાળાના એકાઉન્ટ નંબર અને OTP દાખલ કરે કે તુરંત જ સામેવાળાના એકાઉન્ટમાંથી ઓટોમેટિક પૈસા ટ્રાન્સફર થઈ જતા હતા. આરોપીઓએ આ ષડ્યંત્ર રચવા માટે ભારતમાં 4 વર્ષ રિસર્ચ કર્યું હતું. જે બાદ ડિજિટલ અરેસ્ટ, શેર માર્કેટમાં રોકાણ, ગેમિંગ ઝોનના નામે આરોપીઓએ કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે.

વડોદરા, મુંબઈ, બેંગ્લોર અને અન્ય સ્થળોએ કોલ સેન્ટર કાર્યરત હોવાનું જાણવા મળ્યું હતું. ડિજિટલ ધરપકડ સંબંધિત સાયબર છેતરપિંડીના કિસ્સામાં, ગુનેગારો CBI, ED, DRI જેવા  અધિકારીઓનો ઢોંગ કરે છે. નકલી પોલીસ સ્ટેશન અથવા સરકારી કચેરીઓ સ્થાપવા અને સરકારી ગણવેશ પહેરવા જેવી યુક્તિઓનો ઉપયોગ કરે છે.

અમદાવાદના એક સિનિયર સિટીઝનને આ ગેંગે CBIના નામે ડરાવી ધમકાવીને ડિજિટલ અરેસ્ટ કરીને રૂપિયા 80 લાખ પડાવ્યા હતા. જે મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ એનાલિસીસ કરીને ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, લીંબડી તથા મુંબઈ, ઓડિશા, દિલ્હી, બેંગલોર, ડુંગરપુર સહિત અલગ-અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન કરી સમગ્ર નેટવર્ક ઝડપી પાડ્યું છે.

4 તાઇવાની, 7 ગુજરાતી સહિત કુલ 17 આરોપીની ધરપકડ

7 ગુજરાતી આરોપીના નામ

  1. જયેશ મસરાજી સુથાર (ઉં.વ. 35 રહે. 105 ડી ટાવર, સમૃદ્ધિ ટાઉનશિપ, ગામ તરસાલી, વડોદરા)
  2. ભાવેશ પ્રતાપરામ સુથાર (ઉં.વ. 30 રહે. મકાન નં.212 બી, વલ્લભદર્શન કોમ્પલેક્ષ વૃંદાવન, હાઇટ્સની સામે, વાઘોડિયા, ડભોઇ રિંગ રોડ, વડોદરા)
  3. રવિ અશોકભાઈ સવાણી (ઉં.વ. 30, ધંધો-વેપાર રહે.મકાન નં 502, સી-1, સ્ટાર ધર્મ રેસિડન્સી, નવકાર રેસિડન્સી પાસે, પાસોદરા પાટિયા, સુરત શહેર)
  4. સુમીત અશોકભાઈ મોરડિયા (ઉં.વ.29 ધંધો-વેપાર(સી.એ) રહે.મકાન નં. 188, આત્મીય વિલા, કુમકુમ રેસિડન્સી પાસે, કામરેજ, સુરત શહેર)
  5. પ્રકાશ રમેશભાઈ ગજેરા (ઉં.વ.28 ધંધો-નોકરી રહે.મકાન નં 198, સાકરધામ સોસાયટી, કિરણ શોપ પાસે, વરાછા, સુરત શહેર)
  6. પીયૂષ જયસુખભાઈ માલવિયા (ઉં.વ. 28 ધંધો- નોકરી રહે. મકાન નં એ-168, ભગવતી કૃપા સોસાયટી, કિરણ ચોકી, યોગી ચોક, નાના વારાછા, સુરત)
  7. કલ્પેશ મહાદેવભાઈ રોજાસરા (ઉં.વ. 32 ધંધો- વાયરમેન, રહે- કોળીવાસ ચમારેજ તા. વઢવાણ, જિલ્લો- સુરેન્દ્રનગર)

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.