‘રમી રમો, કેશ જીતો !’ જાહેરાત જાેઈ પત્તા રમીને યુવકે લાખો રૂપિયાનું દેવું કર્યુ
જૂગાર રમી પૈસા કમાવા માટે દેશમાં લગભગ ૮૦ લાખ લોકો રોજ ઓનલાઈન લુડો રમે છે
અમદાવાદના એક ડોકટરને ઓનલાઈન ગેમ્બલિંગની લત – આખો દિવસ હોસ્પિટલમાં બેસી પેશન્ટ જાેવાને બદલે ગેમ રમ્યા કરતા.
લોભનું ઓસડ એક જ છે અને એ છે મહેનત. મહેનતનો બીજાે કોઈ ઓપ્શન હોતો નથી તમારે પૈસા કમાવા હોય તો તમારે સંઘર્ષ કરવો પડે છે
(એજન્સી) સત્તર વર્ષનો રમેશ નામનો છોકરો, સૂરતમાં રહે. એના પપ્પાએ એને લેટેસ્ટ મોબાઈલ અપાવેલો. એની પાસે આઈપેડ પણ ખરું. સ્કૂલ સિવાયના સમયમાં એ આખો દિવસ બેડરૂમનું બારણું બંધ કરી રૂમમાં બેસી રહે. જમવા પણ માંડ આવે. એક દિવસ રમેશ સ્કૂલે ગયો એ ગયો. ઘરે પાછો જ ન આવ્યો. મમ્મી રડી-રડીને અડધી થઈ ગઈ.
પપ્પાનું બ્લડ-પ્રેશર વધી ગયું. મામા-કાકા-માસા-ફુઆ બધા રમેશના ઘરે દોડી આવ્યા. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. પહેલાં તો પોલીસે મમ્મી-પપ્પાને પૂછયું કે તમે એને વઢયા છો? તમારી એની સાથે બોલાચાલી થઈ છે? મમ્મી-પપ્પાએ કહ્યું.. અરે, હોય.. અમે કયારેય એની સાથે ઉંચા અવાજે વાત પણ નથી કરી, પોલીસે તપાસ ચાલુ કરી,
‘રમી’ રમીને પૈસાદાર થવાનો આઈડિયા આવતો હોય તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરજાે !
પોલીસની તપાસમાં રમેશનું લોકેશન હૈદરાબાદ પાસે મળ્યું. પોલીસની એક ટુકડી તપાસમાં એવી ખબર પડી કે રમેશ ઓનલાઈન ગેમિંગનો એડિક્ટ થઈ ગયો હતો અને અનુ કપૂરની ‘રમી રમો, કેશ જીતો !’ એડવર્ટાઈઝમેન્ટ જાેઈને ઓનલાઈન રમી રમી-રમીને લાખો રૂપિયાનું દેવું કરી ચુકયો હતો અને છેલ્લે ડરીને ભાગી ગયો.
તમે મોબાઈલ પર કોઈપણ ગેમ રમતા હો અથવા તો ફેસબુક પર સર્ફીંગ કરતા હો ત્યારે એક એડવર્ટાઈઝમેન્ટ વારંવાર દેખાયા કરે છે જેમાં અનુ કપુર અથવા તો હ્યતિક રોશન પૈસા કમાવા રમી રમવા માટે ઉકસાવતા રહે છે. મારો સૌથી પહેલો વિરોધ આ એડવર્ટાઈઝમેન્ટ માટે છે.
બીજાે વિરોધ આવી એડવર્ટાઈઝમેન્ટ કરનાર હ્ય્તિક રોશન અને અનુ કપુર સામે પણ છે અને ત્રીજાે વિરોધ આવા ટૂંકા રસ્તે પૈસા કમાવવાના લોભ સામે છે. અમદાવાદના એક ડોકટરને ઓનલાઈન ગેમ્બલિંગની લત લાગી. એ આખો દિવસ હોસ્પિટલમાં બેસી પેશન્ટ જાેવાને બદલે ગેમ રમ્યા કરતા.
ગેમ રમતાં-રમતાં એ લાખો રૂપિયા હારી ગયા. આ પૈસા ચૂકવવાના આવ્યા ત્યારે તેમણે પોતાના જ અપહરણનું નાટક રચ્યું. નવાઈની વાત એ છે કે ઓનલાઈન ગેમ્બલિંગ કરી પૈસા કમાઈ લેવાનો લોભ માત્ર યુવાનો-બેકારોને જ છે એવું નથી. ધીકતો ધંધો ધરાવતા ડોકટરો, એન્જીનીયરો, પ્રોફેસરો વગેરે વગેરેએ પણ એમાં ઝંપલાવ્યું છે.
એક સર્વે પ્રમાણે પૈસા કમાવા માટે દેશભરમાં લગભગ ૮૦ લાખ લોકો રોજ ઓનલાઈન લુડો રમે છે. લુડો રમીને પૈસા કમાઈ આપતી આ એપ છેલ્લા ત્રણ વર્ષમાં ૪૦ લાખ લોકોએ ડાઉનલોડ કરી છે. ઓનલાઈન ગેમ્બલિંગની ૧ર૦૦થી વધારે એપ્લિકેશન પ્લે સ્ટોરમાં છે.
આપણા દેશમાં ૧ કરોડ ૩ લાખ લોકોએ ઓનલાઈન ગેમ્બલિંગની એપ્લીકેશન ડાઉનલોન કરી છે. પૈસા કમાની આપવાનો દાવો કરતી ઓનલાઈન લુડોનું માર્કેટ ૧પ૦ કરોડથી વધારેનું છે. આ આંકડાઓ ચોંકાવનારા છે. આ આંકડા દરેક મા-બાપે- દરેક પતિ-પત્નીએ કે દરેક ગર્લફેન્ડ બોયફ્રેન્ડે વાંચવા જાેઈએ અને પોતાના સંતાનો કે પાર્ટનરના મોબાઈલના વોટ્સએપ કે લોકેશન્સ ચેક કરવાને બદલે એમના મોબાઈલમાં આવી એપ્લિકેશન તો નથી ને..
એવું ચોક્કસ જ ચેક કરવું જાેઈએ. ઓનલાઈન ગેમ્બલિંગની આ એપ્લિકેશન્સ યુઝર્સને સાઈકોલોજિકલ ટ્રેપમાં લે છે. સૌથી પહેલા તો જયારે તમે ઓનલાઈન હો, ફેસબુક સર્ફ કરતા હો કે બીજી કોઈપણ ગેમ રમતા હો ત્યારે તમને આ એપ્લિકેશનની જાહેરાતો દેખાય.
એ પછી તમારા સ્ક્રીન પર વિડીયો આવે જેમાં ખૂબસુરત છોકરીઓ, હાઉસ વાઈફસ, છોકરાઓ પોતે લાખો રૂપિયા જીત્યા અને ઘર ખરીદી લીધું અથવા તો કાર ખરીદી લીધી વગેરે વગેરે બોલે. એમની જીતની કહાની લલચાઈ તમે એ એપ્લિકેશન ડાઉનલોડ કરો. એન્ટ્રી ફી ભરો એટલે આ એપ્લિકેશન્સ શરૂઆતમાં તમને જીતવા દે. તમે જીતતા જાઓ.. જીતતા જાઓ એટલે તમારી કિસ્મત પર તમને વિશ્વાસ બેસી જાય.
જેવો તમે મોટો દાવ લગાડો કે એપ્લિકેશન તમને હરાવી દે. આ પૃથ્વી પર ઉપરવાળાની મરજી વિરુદ્ધ એક પાદડું પણહલતું નથી… આ વાત ઓનલાઈન ગેમ્બલિંગની દુનિયા માટે પણ એટલી જ સાચી છે. એમાં કોડિંગ જ એવી રીતે કરાયું હોય કે તમે ઉપરથી નીચે હેઠાં પડી જાઓ તો પણ એ લોકો અમુકથી વધારે રૂપિયા તમને જીતવા જ ન દે !
ગુજરાતમાંથી ઘણા લોકો બે કારણોસર ગોવા જતા હોય છે. એક કસીનો અને બીજાે દારૂ. ગોવાના કસીનોમાં હારી જનારા લોકોને સૌથી વધારે માન-પાન આપવામાં આવે છે. એમના કસીનોમાં રમવા આવતા અને હારીને જતા લોકોને એરપોર્ટ પરથી પિકઅપની સુવિધા સાથે સારી હોટલમાં રહેવાનો ઈન્તઝામ પણ કરી આપવામાં આવે છે.
જુગારીઓ જુગાર રમતાં-રમતાં પૈસા ભલે હારી જાય પણ જીતી જવાના એમના વિશ્વાસને હાીર જતા નથી અને એટલે હાર્યો જુગારી બમણું રમે એ કહેવતને સાર્થક કરવા જન્મ્યા હોય એમ એક ગેમમાં હારી ગયા બાદ એના પછીની ગેમમાં તો જીતી જ જઈશના વિશ્વાસ સાથે રમવાનું ચાલુ રાખે છે અને હાર્યે જાય છે.
મારે એક જ વાત કહેવી છે કે લોભનું ઓસડ એક જ છે અને એ છે મહેનત. મહેનતનો બીજાે કોઈ ઓપ્શન હોતો નથી. તમારે પૈસા કમાવા હોય તો તમારે સંઘર્ષ કરવો પડે છે અને ખૂબ સંઘર્ષ કરવો પડે છે. રાતોરાત લોટરી લાગી જતી નથી અને રાતોરાત લાગી ગયેલી લોટરી ઝાઝું ટકતી પણ નથી.