Western Times News

Gujarati News

ઓનલાઇન પોર્ટલ મારફતે એડવાન્સ ટેક્ષ ભરનારા કરદાતાને વધારાનું પાંચ ટકા રિબેટ મળશે

આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજનાના ધોરણો વધુ ઉદાર બનાવાયા-તા.૩૧ માર્ચ-ર૦રર સુધીની કે તે પહેલાંના બાકી તમામ વેરા તા.૩૧ માર્ચ-ર૦ર૩ સુધીમાં ભરપાઇ કરનારા નાગરિકોને નોટિસ ફી-વ્યાજ-પેનલ્ટી અને વોરંટ ફી માંથી ૧૦૦ ટકા માફી અપાશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને નગરપાલિકાઓના તમામ પ્રકારના બાકી વેરા ભરપાઇ કરવા માટે રાહત આપતા બે મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની તમામ વર્ગની નગરપાલિકાઓ પૂરતા નાણા ભંડોળ અને નાણાંકીય વ્યવસ્થાપન દ્વારા આત્મનિર્ભર બને અને નગરોના કરદાતાઓને પણ કર ભરવામાં પ્રોત્સાહન મળે તેવા હેતુથી આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના જાહેર કરેલી છે.

આ સંદર્ભમાં આ વળતર યોજનાના ધોરણો વધુ ઉદાર બનાવવાના જનહિતકારી બે નિર્ણયો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ કરેલા આ નિર્ણય અનુસાર, જે કરદાતાઓ તેમની મિલ્કત ઉપરના તા.૩૧મી માર્ચ-ર૦રર સુધીના કે તે પહેલાના માંગણા બિલના તમામ પ્રકારના વેરાની બાકી રકમ તા.૩૧મી માર્ચ-ર૦ર૩ સુધીમાં ભરપાઇ કરે તેમને નોટિસ ફી, વ્યાજ પેન્લટી અને વોરંટ ફી ની રકમ ૧૦૦ ટકા માફ કરી દેવાશે.

શ્રી ભૂપેન્દ્ર પટેલે એવો પણ નિર્ણય કર્યો છે કે, આગામી નાણાંકીય વર્ષ ર૦ર૩-ર૪ ની વેરાની રકમ તા.૩૦ જૂન-ર૦ર૩ સુધીમાં એડ્વાન્સ ભરી દે તેવા કરદાતાઓને આ આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત ૧૦ ટકા રિબેટ-વળતર અપાશે.

આવી વેરાની એડ્વાન્સ રકમ તા.૩૦ જૂન-ર૦ર૩ સુધીમાં મોબાઇલ એપ્લીકેશન કે ઇ-નગર ઓનલાઇન પોર્ટલ દ્વારા ભરપાઇ કરે તેવા કરદાતાઓને વધારાનું પાંચ ટકા વળતર આપવામાં આવશે.

એટલે કે, ઓનલાઇન એડ્વાન્સ ટેક્ષ ભરનારા નાગરિકોને કુલ મળીને ૧પ ટકા રિબેટ વર્ષ ર૦ર૩-ર૪ના ભરવાપાત્ર વેરાની રકમ તા.૩૦ જૂન-ર૦ર૩ સુધીમાં એડ્વાન્સમાં ચુકવવા ઉપર મળશે.

મુખ્યમંત્રીશ્રીના આ જનહિતકારી નિર્ણયને પરિણામે રાજ્યના નગરજનોને ટેક્ષ ભરપાઇ કરવાનું તેમજ આગામી વર્ષનો એડવાન્સ ટેક્ષ ભરવાનું પ્રોત્સાહન અને પ્રેરણા મળતા થશે. એટલું જ નહિ, ઓનલાઇન ટેક્ષ ટ્રાન્ઝેકશન્સને પણ પ્રેરક બળ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.