SITની રચના છતાં ૧૬૦ કરોડમાંથી ખાલી ૨૫% જેટલી જ રિકવરી
અમદાવાદ, છેલ્લા કેટલાક વર્ષોમાં ગઠીયાઓ માટે કાપડના વેપારીઓ સોફ્ટ ટાર્ગેટ બન્યા છે. કાપડ માર્કેટમાં વર્ષોથી ચાલતા દલાલી મારફતે ધંધામાં ગઠીયાઓ વેપારીઓને નિશાને બનાવી રહ્યાં છે અને કરોડો રુપિયાનો ચૂનો લગાવી રહ્યાં છે.
જેના પગલે ગઠીયાઓ દ્વારા છેતરપિંડીનો ભોગ બનનારા વેપારીઓનું લિસ્ટ તો લાંબુ થઈ રહ્યું છે. આ તત્વોને પકડવા પોલીસ દ્વારા એસઆઈટીની રચના તો કરવામાં આવી છે છતાં છેતરપિંડી કરનારા પોલીસ પકડથી દૂર છે. અત્યાર સુધીમાં ૩૨૦૦ વેપારીઓ છેતરપિંડીનો ભોગ બન્યા છે. જેમાં અંદાજે ૧૬૦ કરોડની છેતરપિંડી સામે માત્ર ૪૦ કરોડની જ રિકવરી થઈ છે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં વારંવાર કાપડના વેપારીઓ સાથે છેતરપિંડીની ઘટનાઓ પ્રકાશમાં આવે છે. આવી ઘટનાઓ કાપડના વેપારીઓ માટે જ નહીં પોલીસ માટે પણ માથાનો દુખાવો બની છે.
કાપડ મહાજન એસોસિએશનના પ્રમુખ ગૌરાંગ ભગત જણાવે છે કે છાશવારે કાપડના વેપારીઓ સાથે બનતી આવી ઘટનાઓને લઈને કાપડ માર્કેટમાં જ એક ઓફિસ બનાવી છે જેમાં ૧૩ લોકો કામ કરે છે. જેને એસઆઈટી નામ આપવામાં આવ્યું છે. જેમાં એક પીએસઆઈ અને ૧૨ પોલીસ કર્મચારીઓ ફરજ બજાવે છે. આ આખી એસઆઈટી પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ કામગીરી કરી રહી છે.
જાે કે એસઆઈટી બન્યા પછી છેતરપિંડીના કિસ્સાઓમાં ગુમાવેલા કેટલાક રૂપિયા રિકવર થયા છે. જેમાં ૨ વર્ષથી માંડીને ૧૦ વર્ષ જૂના કેસોમાં પણ રુપિયા રિકવર કરવામાં આવ્યા છે. ગૌરાંગ ભગતનું કહેવું છે કે છેતરપિંડી તો ઘણા બધા વેપારીઓ સાથે થયેલી છે.
પરંતુ ઘણા વેપારી તેમનું નામ ખરાબ ના થાય તે માટે સામે આવતા નથી. તેમાંથી માત્ર ૩૨૦૦ જેટલા જ વેપારીઓએ ચિટિંગની ફરિયાદ કરવા માટે આગળ આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧૬૦ કરોડની છેતરપિંડી વેપારીઓ સાથે થઈ છે, જેમાંથી માત્ર ૪૦ કરોડ રૂપિયા જ રિકવર થયા છે. આ ઉપરાંત ૨૫ લાખ ઉપરની છેતરપિંડી હાય તો ક્રાઈમ બ્રાન્ચમાં પણ ફરિયાદ આપી શકાય છે.
કાપડના વેપારીઓને ચુનો ચોપડનારા તત્વો પહેલા વેપારીનો વિશ્વાસ જીતે છે. શરુઆતમાં અલગ અલગ વેપારીઓ પાસેથી ખરીદી કરે છે. શરુ શરુમાં થોડુ થોડુ પેમેન્ટ કરે છે અને વેપારીઓનો વિશ્વાસ હાંસલ કરે છે. ધીરે ધીરે કાપડનો મોટ જથ્થો ખરીદ કરી પેમેન્ટ ચૂકવ્યા વગર છૂ થઈ જાય છે. આવી છેતરપિંડી કરતી ગેંગ સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે. જેની સામે એસઆઈટી કામ કરી રહી છે.
હજુ પણ માર્કેટમાં ઘણા વેપારીઓ પાસે પોસ્ટ ડેટેડ ચેકો પડ્યા છે. જેની કોઈ જ વેલ્યુ નથી. મહત્વનું છે કે, કાપડનો અને હીરાનો ધંધો ઉધારી પર ચાલતો હોય છે. જેનો લાભ છેતરપિંડી આચરનારા તત્વો ઉઠાવી રહ્યાં છે.
ખાસ કરીને કોરોનાના સમયમાં, નોટબંધીના સમયમાં કાપડના વેપારીઓ સાથે છેતરપિંડીના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. વેપારીઓ સાથે બનતી આ પ્રકારની ઘટનાઓને ધ્યાને લઈને રાજ્ય સરકારના ગૃહ વિભાગમાં વેપારીઓ દ્વારા રજૂઆત કરાઈ જ છે સાથે સાથે કેન્દ્ર સરકારને પણ આ મામલે ઝડપથી ઉકેલ આવે તેવા પગલા ભરવા રજૂઆત વેપારીઓએ કરી છે.SS1MS