અપવાદ કિસ્સામાં જ ક્રિમિનલ કેસની તપાસ બીજી એજન્સીને સોંપોઃ દિલ્હી હાઈકોર્ટ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/Delhi-highcourt1.webp)
નવી દિલ્હી, ક્રિમિનલ કેસમાં ચાલી રહેલી તપાસને ખુબ જ અપવાદરૂપ હોય એવા કિસ્સામાં જ બીજી એજન્સીને ટ્રાન્સફર કરવી જોઇએ, કેમ કે તેમ કરવાથી પોલીસનું મનોબળ તૂટી જતું હોય છે જેને કોઇપણ ભોગે ટાળવું જોઇએ એમ દિલ્હી હાઇર્કાેર્ટે પોતાનું અવલોકન વ્યક્ત કર્યું હતું, અને વધુમાં કહ્યું હતું કે તપાસને એક એજન્સી પાસેથી આંચકી લઇને બીજી એજન્સીને સોંપવા માટે ફક્ત કોરા આક્ષેપ પૂરતા ન હોઇ શકે.જે કેસમાં કોઇ રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારી સંડોવાયેલા હોય એવા જવલ્લેજ જોવા મળતા અને અપવાદરૂપ કિસ્સામાં જ ક્રિમિનલ કેસની તપાસ બીજી એજન્સીને ટ્રાન્સફર કરી શકાય.
ક્રિમિનલ કેસની તપાસ કરી રહેલો અધિકારી આરોપીઓ સાથે સાંઠગાઠ ધરાવે છે એવુ પૂરવાર કરતાં પૂરતા ભૌતિક પૂરાવા રજૂ ના કરાયા હોય એવા સંજોગોમાં કેસની તપાસ બીજી એજન્સીને સોંપવા માટે ફક્ત કોરા આક્ષેપ પૂરતા ના હોઇ શકે એમ ન્યાયમૂર્તિ શ્રી સુબ્રમનિયમ પ્રસાદે કહ્યું હતું.
દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા દ્વારા છેતરપિંડીના કેસની તપાસ ચાલી રહી છે, પરંતુ આ કેસમાં સંડોવાયેલા આરોપીઓએ ગત ૬ ફેબ્›આરીના રોજ એક અરજી દાખલ કરીને તેમની વિરુદ્ધ ચાલી રહેલી તપાસને દિલ્હી પોલીસ પાસેથી આંચકી લઇને સીબીઆઇ કે સ્પેશિયલ સેલ જેવી ઉચ્ચ એજન્સીઓને સોંપવાની દાદ માંગી હતી.
આ ફોજદારી કેસમાં એવો આરોપ મૂકાયો છે કે ઘર ખરીદનારા અને રોકાણકારોના નાણાં તફડાવી લેવાયા છે જેથી આ નાણાં ક્યાં ક્યાં ગયા અને હાલ ક્યાં રોકાણ કરાયું છે તે બાબતનો પર્દાફાશ કરવા દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા દ્વારા હાલ તપાસ ચાલી રહી છે. કોર્ટે જણાવ્યું હતું કે, તે એજન્સી દ્વારા કરાયેલી તપાસથી સંતુષ્ટ છે.
તપાસ કરી રહેલી એજન્સી દ્વારા પોતાની કામગીરીમાં કોઈ કચાશ રાખી છે તેમ કહેવાનો કોઈ અવકાશ નથી. કોર્ટે અરજદારની અરજીને ફગાવતાં જણાવ્યું હતું કે, આ કેસ કોઈ પણ સક્ષમ પુરાવા વગર દાખલ કરાયો છે.
કોર્ટે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના માપદંડો અનુસાર, જ્યારે કોર્ટને ખાતરી થાય કે કોઈ કેસની ન્યાયી, પ્રમાણિક અને સંપૂર્ણ તપાસ નથી થઈ , તેવા કિસ્સામાં જ તપાસ અન્ય એજન્સીને સોંપી શકાય. વાસ્તવમાં તો એક તપાસ એજન્સી પાસેથી કેસની તપાસ આંચકી લઈ અન્યને સોંપવાથી પોલીસના મનોબળ પર માઠી અસર થાય છે, જે કોઈ પણ ભોગે અટકાવવું જોઈએ.SS1MS