અમદાવાદના આ વિસ્તારોમાં વાહનચાલકો ઓન સ્ટ્રીટ પાર્કિંગ કરી શકશે
વસ્ત્રાલમાં ઓમ સર્કલથી તળાવ સુધી ૬૦ ટુ-વ્હીલર અને ૧૫ ફોર વ્હીલર તો નિકોલમાં શુકન ચાર રસ્તાથી રસપાન ચાર રસ્તા સુધી ૨૮૦ ટુ-વ્હીલર અને ૬૫ ફોર વ્હીલર પાર્કિંગની સુવિધા ઊભી કરાશે
અમદાવાદ, મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા શહેરીજનોને કનડતી ટ્રાફિકજામની સમસ્યાના ઉપાય તરીકે નવા બ્રિજ પ્રોજેક્ટ ઉપરાંત ઓફ સ્ટ્રીટ પાર્કિંગ, અંડરબ્રિજ પાર્કિંગ પર વધુ ભાર મુકાઈ રહ્યો છે. વાહનચાલકોને વધુને વધુ સ્થળોએ પે એન્ડ પાર્કની સુવિધા મળી રહે તે દિશામાં તંત્ર પ્રયત્ન કરે છે.
જાેકે વાહનોની સંખ્યામાં સતત વૃદ્ધિ થતી હોઈ સત્તાવાળાઓએ નવી પાર્કિંગ પોલિસી હેઠળ આન સ્ટ્રીટ પાર્કિંગને પણ વધુ મહત્ત્વનું ગણ્યું છે, જેના કારણે મ્યુનિ.સત્તાધીશોએ હવે પૂર્વ ઝોનમાં પણ વાહનચાલકો માટે ઓન સ્ટ્રીટ પાર્કિંગની સગવડ ઊભી કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.
હાલમાં મ્યુનિ.સત્તાવાળાઓએ ફક્ત પશ્ચિમ ઝોનમાં ઓન સ્ટ્રીટ પાર્કિંગની સુવિધા ઉભી કરી છે. વાહનચાલકોને સીજી રોડ પર ૮૩૯ ટુ-વ્હીલર અને ૪૧૫ ફોર વ્હીલર, માઉન્ટ કાર્મેલથી મીઠાખળી છ રસ્તા પર ૨૮૮ ટુ-વ્હીલર અને ૭૮ ફોર વ્હીલર અને હેપી સ્ટ્રીટ ફરતે ૧૬૧૭ ટુ-વ્હીલર અને ૨૯૪ ફોર વ્હીલરની ઓન સ્ટ્રીટ પાર્કિંગની સુવિધા મળે છે. પશ્ચિમ ઝોનમાં કુલ ૨૭૪૪ ટુ-વ્હીલર અને કુલ ૭૮૭ ફોર વ્હીલરની ઓન સ્ટ્રીટ પાર્કિંગની સુવિધા વાહનચાલકોને ઉપલબ્ધ કરાવ્યા બાદ હવે સત્તાવાળાઓએ પૂર્વ ઝોન તરફ નજર દોડાવી છે.
પૂર્વ ઝોનમાં ઓન સ્ટ્રીટ પાર્કિંગ માટે બે રસ્તાને પસંદ કરાયા છે. આગામી દિવસોમાં વાહનચાલકો વસ્ત્રાલમાં ઓમ સર્કલથી વસ્ત્રાલ તળાવ સુધી ૬૦ ટુ-વ્હીલર અને ૧૫ ફોર વ્હીલર તેમજ નિકોલમાં શુકન ચાર રસ્તાથી રસપાન ચાર રસ્તા સુધી ૨૮૦ ટુ-વ્હીલર અને ૬૫ ફોર વ્હીલરનું પાર્કિગ કરી શકે તે માટે તંત્રે કવાયત હાથ ધરી છે.
આ માટેનાં ટેન્ડર પ્રસિદ્ધ કરાયાં હોઈ વસ્ત્રાલમાં ઓન સ્ટ્રીટ પાર્કિંગની વાર્ષિક અપસેટ વેલ્યૂ રૂ.૭૮,૭૫૦ અને અર્નેસ્ટ મની ડિપોઝિટ રૂ.૧૦ હજાર નક્કી કરાઈ છે, જ્યારે નિકોલમાં ઓન સ્ટ્રીટ પાર્કિંગની વાર્ષિક અપસેટ વેલ્યૂ રૂ.૩,૫૬,૨૫૦ અને અર્નેસ્ટ મની ડિપોઝિટ રૂ.૨૫ હજારની છે.
પહેલા પશ્ચિમ અને હવે પૂર્વ ઝોનમાં ઓન સ્ટ્રીટ પાર્કિંગ માટે રસ્તા શોધનાર સત્તાવાળાઓએ શહેરનાં અન્ય ઝોનમાં પણ ઓન સ્ટ્રીટ પાર્કિંગ માટે રસ્તાની શોધખોળ આરંભી છે.
મ્યુનિ.એસ્ટેટ વિભાગને મ્યુનિ.કમિશનર લોચન સહેરાએ જેમ બને તેમ જલદી ઓન સ્ટ્રીટ પાર્કિંગ માટેના રસ્તા સારુ ટ્રાફિક પોલીસ સાથે સતત સંકલનમાં રહીને ઝડપથી તેમાં આગળ વધવાનો આદેશ અપાયો જ છે, જેના કારમે પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગને બે રસ્તા પર ઓન સ્ટ્રીટ પાર્કિંગના ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં સફળતા મળી છે.
જાેકે પશ્ચિમ ઝોનમાં હજુ પણ અન્ય રસ્તાઓ પર ઓન સ્ટ્રીટ પાર્કિંગની સુવિધા ઊભી કરી શકાય તેમ છે એટલે તે દિશામાં મ્યુનિ.એસ્ટેટ વિભાગ પ્રયત્નશીલ છે. આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોન જેવા પશ્ચિમ અમદાવાદના બે મહત્ત્વના ઝોનમાં પણ તંત્ર ઓન સ્ટ્રીટ પાર્કિંગની સુવિધા વાહનચાલકોને પૂરી પાડવા ગંભીર બન્યું છે.